આરોપીએ પરિચિત બેંક અધિકારીને પોતે એન્ટી કરપ્શન બ્યુરોમાં નોકરી કરતો હોવાની ઓળખ આપી હતી
આરોપીના મોબાઇલમાં ફોન કરતા પિતાએ જણાવ્યુ કે પુત્ર જેલમાં છે ! : પોલીસમાં ઠગાઇનો ગુનો નોંધાયો
રાજકોટ શહેરમા એસીબીનાં કર્મચારીની ઓળખ આપી બેંકનાં નિવૃત અધીકારીનાં પુત્રને સીજીએસટી વિભાગમા કાયમી નોકરી આપી દેવાની લાલચ આપી રૂ. 8.29 લાખની ઠગાઇ કર્યાની ફરીયાદ ગાંધીગ્રામ પોલીસ મથકમા નોંધવામા આવી છે. આ ઘટનામા આરોપી હાલ જેલમા હોય પોલીસે તેનો કબજો લેવા તજવીજ શરુ કરી છે.
વધુ વિગતો મુજબ ન્યુ રેલનગરમા શિવાલય ચોક નજીક મધુવન બંગ્લોઝમા રહેતા જગદીશભાઇ બટુકભાઇ ચૌહાણ (ઉ.વ. 61 ) નામનાં વૃધ્ધે પોતાની ફરીયાદમા ગંજીવાડા નજીક એચ. જે. સ્ટીલની પાછળ રહેતા દેવરાજ વાલજીભાઇ ગોહીલ સામે છેતરપીંડીની ફરીયાદ નોંધાવી છે.
ફરીયાદી જગદીશભાઇએ જણાવ્યુ હતુ કે તેઓ 10 વર્ષ પહેલા જીમખાના પાસે આવેલી એસબીઆઇ બેંકમા સિનીયર હેડ મેનેજર તરીકે નોકરી કરતા હતા અને એ જ બ્રાંચમા દેવરાજ ઘણીવાર પૈસા જમા કરવા આવતો હતો. ત્યારે તેમની સાથે ઓળખાણ થઇ હતી અને તેમની સાથે બોલવા ચાલવાનો વ્યવહાર શરુ થયો હતો ત્યારે તેમણે પોતે એસીબી વિભાગમા નોકરી કરતો હોવાનુ જણાવ્યુ હતુ અને 2020 ની સાલમા જગદીશભાઇ ચૌહાણની યુનીવર્સીટી રોડ જલારામ ર ની એસબીઆઇ બ્રાંચમા બદલી થઇ હતી. ત્યારબાદ 2024 મા દેવરાજ તે બ્રાંચમા એક બહેરીનની પાર્ટીનાં પૈસા ઉપાડવા માટે ગયો હતો. ત્યારે થોડી વાતચીત કરી ત્યાથી નીકળી ગયો હતો.
ત્યારબાદ થોડા દીવસો બાદ દેવરાજ ફરી બહેરીનની પાર્ટીનાં પૈસા ઉપાડવા માટે જગદીશભાઇની બ્રાંચ ખાતે ગયો હતો અને તેમને પુછયુ હતુ કે તમારો દીકરો શેમા નોકરી કરે છે ? આ સમયે જગદીશભાઇએ તેમને જણાવ્યુ હતુ કે તેમનો પુત્ર જયપાલ સીજીએસટી વિભાગમા કોન્ટ્રાકટ બેઇઝ પર નોકરી કરે છે. જેથી આરોપી દેવરાજે જગદીશભાઇને કહયુ કે તમારા પુત્રને સીજીએસટી વિભાગમા કાયમી કરવા માટે 8 લાખ રૂપીયા સુધીનો ખર્ચ થાશે. જેથી જગદીશભાઇએ હા પાડી દીધી હતી અને 25-9-24 થી સપ્ટેમ્બર 2025 સુધીમા રૂ. 8.29 લાખ કટકે કટકે દેવરાજને આપ્યા હતા . ત્યારબાદ દેવરાજે 4 મહીનામા કોલ લેટર આવશે તેવુ જણાવ્યુ હતુ. થોડા સમય બાદ દેવરાજે જગદીશભાઇને કોલ લેટર બતાવ્યો હતો અને કહયુ કે તમારા પુત્રનો કોલ લેટર નીકળી ગયો છે.
જેથી ઓફીસની મંડળમા સભ્ય બનવુ પડશે. તેના ડીપોઝીટ પેટે પપ હજાર રોકડા લીધા હતા. ત્યારબાદ આરોપી દેવરાજે કહયુ કે પોતે માઠા પ્રસંગે બહાર જાય છે. તેનાં 1પ દીવસ બાદ ફરીયાદી જગદીશભાઇએ કોલ કરતા તેમને કોલ લાગ્યો ન હતો અને ત્યારબાદ દેવરાજે આપેલા બીજા નંબરમા કોલ કરતા દેવરાજનાં પિતા સાથે વાત થઇ હતી અને તેમણે પોતાનો દિકરો દેવરાજ હાલ જેલમા હોવાનુ કહયુ હતુ. આ ઘટના બાદ ફરીયાદી જગદીશભાઇને છેતરાવવાનો અહેસાસ થતા અંતે ગાંધીગ્રામ પોલીસ મથકે પહોંચી છેતરપીંડી અંગેની ફરીયાદ નોંધાવતા પીએસઆઇ પી. બી. પટેલ તપાસ ચલાવી રહયા છે.
