શહેરના જામનગર રોડ પર મોચીનગરમાં રહેતા નિવૃત્ત એએસઆઈ ઈકબાલભાઈ સુમરાએ માનસીક બિમારીથી કંટાળી પોતાના ઘરે ગળેફાંસો ખાઈ આપઘાત કરી લેતા પરિવારજનોમાં શોકની લાગણી છવાઈ જવા પામી છે. આ અંગે પોલીસે જરૂરી કાર્યવાહી કરી વધુ તપાસ હાથ ધરી છે.
જાણવા મળતી વિગત મુજબ જામનગર રોડ ઉપર મોચીનગર શેરી નં. 6 માં રહેતા નિવૃત્ત એએસઆઈ ઈકબાલભાઈ આમદભાઈ સુમરા ઉ.વ.65એ આજે વહેલી સવારે પોતાના ઘરે બારીમાં નાઈલોનની દોરી બાંધી ગળેફાંસો ખાઈ આપઘાત કરી લીધો હતો. પરિવારજનો જાગતા ઈકબાલભાઈ લટકતી હાલતમાં મળી આવ્યા હતાં. 108ના સ્ટાફે ઘટના સ્થળે દોડી જઈ મરણ ગયાનું જાહેર કરી પોલીસને જાણ કરતા ગાંધીગ્રામ પોલીસે દોડી જઈ જરૂરી કાર્યવાહી કરી મૃતદેહને પીએમ અર્થે સિવિલ હોસ્પિટલ ખશેડવામાં આવ્યો હતો.
પ્રાથમિક તપાસમાં મૃતક ઈકબાલભાઈ ત્રણભાઈ ત્રણ બહેનમાં વચેટ અને અગાઉ પોલીસ હેડક્વાટરમાં એએસઆઈ તરીકે ફરજ બજાવતા હતાં. હાલમાં તેઓ નિવૃત્ત હોય અને તેમને માનસીક બિમારી હોય જેનાથી કંટાળી આ પગલુ ભરી લીધાનું પરિવારજનો દ્વારા જણાવવામાં આવ્યું છે. મૃતકને સંતાનમાં એક પુત્ર અને ત્રણ પુત્રી હોવાનું જાણવા મળ્યું છે. આ બનાવથી પરિવારજનોમાં ગમગીની છવાઈ જવા પામી છે.
