સિવિલ હોસ્પિટલમાં ખુલ્લામાં સૂવા દર્દીઓના સગા-સંબંધીઓ મજબૂર

પથિકાશ્રમની સુવિધાથી મોટાભાગના અજાણ લોકો ઠંડીમાં ઠૂંઠવાય છે, કમ્પાઉન્ડમાં બોર્ડ મારી સુવિધા અંગે જાણકારી આપવી જરૂરી રાજકોટ સહિત સૌરાષ્ટ્રમાં શિયાળો બરાબરનો જામ્યો છે અને રાજકોટમાં…

પથિકાશ્રમની સુવિધાથી મોટાભાગના અજાણ લોકો ઠંડીમાં ઠૂંઠવાય છે, કમ્પાઉન્ડમાં બોર્ડ મારી સુવિધા અંગે જાણકારી આપવી જરૂરી

રાજકોટ સહિત સૌરાષ્ટ્રમાં શિયાળો બરાબરનો જામ્યો છે અને રાજકોટમાં તો લાંબા સમય બાદ કોલ્ડવેવ પડયો છે ત્યારે સૌરાષ્ટ્રની સૌથ્ી મોટી એવી સિવિલ હોસ્પિટલમા સારવાર માટે દાખલ થતા દર્દીઓના સગા-સબંધીઓની હાલત કફોડી થઇ ગઇ છે.

સિવિલ હોસ્પિટલમાં દાખલ દર્દીઓના સગા સબંધીઓ માટે ઉઠવા-બેસવા કે, સુવાની કોઇ વ્યવસ્થા ન હોવાથી કડકડતી ઠંડી વચ્ચે પણ દર્દીઓના સગા-સબંધીઓને હોસ્પિટલના કમ્પાઉન્ડમાં બનેલા ખૂલ્લા છાપરા નીચે અને ત્યાં જગ્યા ન મળે તો ખૂલ્લી જગ્યામાં સુવા મજબુર બનવુ પડે છે. રાત્રે સિવિલ હોસ્પિટલના કમ્પાઉન્ડમા ખુણે-ખાચરે જયાં જગ્યા મળે ત્યાં દર્દીઓના સગા-સબંધીઓ ધાબળા ઓઢીને સુતેલા નજરે પડે છે.

સામાન્ય રીતે સિવિલ હોસ્પિટલમાં સારવાર માટે આવતા દર્દીઓ અતિ ગરીબ પરિવારના હોય છે. તેની સાથે આવતા સગા-સબંધીઓ પણ ગેસ્ટહાઉસ કે, હોટેલોમાં રૂમ ભાડે કરી શકે તેવી તેની આર્થિક સ્થિતિ હોતી નથી જેના કારણે કડકડતી ઠંડી વચ્ચે પણ તેમને ખૂલ્લામા જ સુવુ પડે છે.

સિવિલ હોસ્પિટલમા દાખલ થતા દર્દીઓ સાથે આવતા પરિવારજનોને રહેવા-સુવા માટે સિવિલ હોસ્પિટલ સામે જ આવેલ પથિકાશ્રમમા વ્યવસ્થા છે પરંતુ મોટાભાગના લોકોને આ સુવિધાની ખબર જ નથી ત્યારે હોસ્પિટલના કમ્પાઉન્ડમા પથિકાશ્રમની વ્યવસ્થા અંગે બોર્ડ મારવામા આવે અથવા તો સિકયુરિટી સ્ટાફને ટ્રેઇન કરી કમ્પાઉન્ડમા સુઇ રહેલા દર્દીઓના સગાઓને પથિકાશ્રમની સુવિધા અંગે જાણ કરી ત્યાં મોકલે તેવી વ્યવસ્થા કરવી જોઇએ તેવી માંગણી ઉઠવા પામી છે. સિવિલ હોસ્પિટલમા ઘણી સેવાભાવી સંસ્થાઓ પણ સેવા આપી રહી છે ત્યારે આવી સંસ્થાઓ પણ પથિકાશ્રમની સુવિધા અંગે દર્દીઓના સગા-સબંધીઓને જાણકારી આપે તે જરૂરી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *