લગ્નનો ઇન્કાર પણ દુષ્કર્મ ગણાય નહીં, આરોપી નિર્દોષ જાહેર
બળાત્કારના એક કેસની સુનાવણી દરમિયાન સુરતની કોર્ટે કહ્યું કે હોટલ અને રેસ્ટોરન્ટમાં યુવતીએ પોતાની ઓળખના પુરાવા આપી યુવક સાથે સંબંધ બાંધ્યા હોય તો તેને બળાત્કાર ગણી શકાય નહીં. શારીરિક સંબંધ બાદ લગ્નનો ઈનકાર કરી દેવો પણ દુષ્કર્મ ગણી શકાય નહીં. આ કેસમાં કોર્ટે યુવકને નિર્દોષ છોડી મુકવાનો હુકમ કર્યો હતો.
આ કેસની વાત કરીએ તો સુરતમાં રહેતા એક યુવક અને એક યુવતી સાથે અભ્યાસ કરતા હતા. આ દરમિયાન બંને વચ્ચે મિત્રતા થઈ અને બંને હોટલ, રેસ્ટોરન્ટ સહિત અન્ય જગ્યાએ ફરવા જતા હતા. આ દરમિયાન યુવક અને યુવતી વચ્ચે શારીરિક સંબંધો પણ બંધાયા હતા. ત્યારબાદ યુવકે લગ્નની ના પાડતા યુવતીએ બળાત્કારની ફરિયાદ દાખલ કરાવી હતી.
આ કેસ સુરતની એક કોર્ટમાં ચાલી રહ્યો હતો. આ દરમિયાન યુવક તરફથી વકીલે દલીલ કરી હતી કે લગ્નની લાલચ આપી સંબંધ બંધાયો હોય તો દુષ્કર્મ કહી શકાય નહીં. આ સિવાય ફરિયાદી યુવતી શિક્ષિત છે અને કોની સાથે સંબંધ રાખવા તેની સમજણ ધરાવે છે. આ કેસમાં જ્યારે ડોક્ટરની ઊલટતપાસ થઈ તો સામે આવ્યું કે યુવતીને નિમ્ફોમેનિયા નામની બીમારી છે. આ બીમારીને કારણે યુવતીને સેક્સ કરવાની ઈચ્છા વધુ થાય છે અને તે ખુદને રોકી શકતી નથી.
યુવતીની ઈચ્છાને કારણે જ વારંવાર સંબંધો બંધાયા છે. આ કેસમાં યુવતીએ ગર્ભવતી હોવાનો આરોપ લગાવ્યો હતો, પરંતુ તેનો કોઈ પુરાવો રેકોર્ડ પર મળ્યો નહીં. કોર્ટે બંને પક્ષની દલીલ બાદ ચુકાદો આપતા કહ્યું કે ભોગ બનનારે કોઈપણ દબાણ વગર હોટલમાં ઓળખ કાર્ડ આપ્યા છે, તેની સાથે કોઈ બળજબરી થઈ નથી એટલે દુષ્કર્મ કહી શકાય નહીં. કોર્ટે યુવકને નિર્દોષ છોડી મુકવાનો હુકમ કર્યો હતો.
