રાજકોટના યુવકનું રાવકીની ખાણમાં ડૂબી જતાં મોત, હત્યાનો આક્ષેપ

ઘટના સ્થળે હાજર મિત્ર પાસેથી મૃતકનો મોબાઈલ અને પાકીટ મળી આવ્યા, દારૂ પીધા બાદ ચેતન ખાણમાં પડી ગયો હોવાનો મિત્ર રાહુલનો દાવો, પરિવારે ધક્કો મારી…

ઘટના સ્થળે હાજર મિત્ર પાસેથી મૃતકનો મોબાઈલ અને પાકીટ મળી આવ્યા, દારૂ પીધા બાદ ચેતન ખાણમાં પડી ગયો હોવાનો મિત્ર રાહુલનો દાવો, પરિવારે ધક્કો મારી દીધો હોવાનો લગાવ્યો આરોપ

કામે જવાનું કહીને નીકળેલો એકનો એક પુત્ર પરત ન ફરતા પરિવારે મોડી રાત સુધી શોધખોળ કરી હતી

રાજકોટ શહેરના મવડી ચોકડી પાસે આવેલા ક્રિષ્ના પાર્કમાં રહેતા 25 વર્ષીય ચેતન શશીકાંત દેવગણીયા (પ્રજાપતિ) નામના યુવાનનો ભેદી સંજોગોમાં રાવકી ગામના ભરડીયાની ખાણમાંથી ડૂબેલી હાલતમાં મૃતદેહ મળી આવતા સમગ્ર પંથકમાં ચકચાર મચી ગઈ છે. ગઈકાલે બુધવારે સત્તાવાર રીતે રજાનો દિવસ હોવા છતાં, ચેતન પોતાના ઘરેથી કામે જવાનું કહીને નીકળ્યો હતો. જોકે, મોડી સાંજ સુધી તે ઘરે પરત ન ફરતા ચિંતાતુર બનેલા પરિવારજનોએ તેનો સંપર્ક કરવાનો પ્રયાસ કર્યો હતો, પરંતુ આ સમયે તેનો મોબાઈલ ફોન સતત બંધ આવતો હતો. પુત્રનો કોઈ પત્તો ન લાગતા પરિવારે આખી રાત ચિંતામાં વિતાવી હતી અને મોડી રાત્રે ત્રણ વાગ્યા સુધી આસપાસના તમામ વિસ્તારોમાં તેની સઘન શોધખોળ હાથ ધરી હતી.

બીજા દિવસે સવારે શોધખોળ દરમિયાન ચેતનના પિતા અને અન્ય પરિવારજનોને રાવકી ગામ પાસે આવેલી એક ભરડીયાની ખાણ પાસે કંઈક અજુગતું હોવાની શંકા ગઈ હતી. તેઓ જ્યારે ઘટના સ્થળે પહોંચ્યા ત્યારે ખાણના પાણીમાં ડૂબેલી હાલતમાં ચેતનનું માથું બહાર દેખાતું હતું, જે જોઈને પરિવાર પર આભ તૂટી પડ્યું હતું. આ આશ્ચર્યજનક અને આઘાતજનક ઘટના દરમિયાન ઘટના સ્થળે જ ચેતનનો મિત્ર રાહુલ ભૈયા પણ હાજર મળી આવ્યો હતો. વધુ શંકાસ્પદ બાબત એ સામે આવી કે મૃતક ચેતનનું પાકીટ અને તેનો બંધ થયેલો મોબાઈલ ફોન પણ આ રાહુલ પાસે જ હતા. આ જોતાં જ પરિવારનો શંકાની સોય રાહુલ તરફ ગઈ હતી અને તેમણે તાત્કાલિક સ્થાનિક લોધિકા પોલીસને ઘટનાની જાણ કરી હતી.

ઘટનાની માહિતી મળતા જ લોધિકા પોલીસનો કાફલો તાત્કાલિક ઘટના સ્થળે દોડી આવ્યો હતો અને મૃતદેહને બહાર કાઢી આગળની કાર્યવાહી હાથ ધરી હતી. પોલીસે ઘટના સ્થળેથી જ રાહુલ ભૈયાની અટકાયત કરીને તેની આકરી પૂછપરછ શરૂૂ કરી હતી. પોલીસની સઘન પૂછપરછ દરમિયાન રાહુલે એવો દાવો કર્યો હતો કે તેઓ બંને સાથે બેસીને દારૂૂ પી રહ્યા હતા, તે દરમિયાન ચેતન અચાનક બેશુદ્ધ જેવી હાલતમાં આવી ગયો હતો અને પગ લપસતાં ખાણના ઊંડા પાણીમાં ખાબક્યો હતો. જોકે, મૃતકના પરિવારે રાહુલના આ દાવાને સંપૂર્ણપણે નકારી કાઢ્યો છે અને ગંભીર આક્ષેપ કર્યો છે કે રાહુલે લૂંટ ચલાવવાના બદઈરાદાથી જ ચેતનને જાણીજોઈને પાણીમાં ધક્કો મારી દીધો છે અને તેની હત્યા નીપજાવી છે.

આ કરુણ ઘટનાને પગલે પોતાના વહાલસોયા અને એકના એક દીકરાના અકાળે અવસાનથી દેવગણીયા પરિવારમાં માતમ છવાઈ ગયો છે અને પરિવારજનોના આક્રંદથી વાતાવરણ ગમગીન બની ગયું છે. પોલીસે મૃતદેહનો કબજો સંભાળીને તેને રાજકોટની સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડ્યો હતો, જ્યાં સત્ય બહાર લાવવા માટે પેનલ ડોક્ટરો દ્વારા તેનું ફોરેન્સિક પોસ્ટમોર્ટમ કરવામાં આવ્યું છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *