26મી જાન્યુઆરીએ કોલીથડ સ્કૂલમાં સેવા આપી પરત આવતા રસ્તામાં કાળ ભેટ્યો
ગોંડલ નજીક અકસ્માતમાં રાજકોટના અંબિકા ટાઉનશીપમાં રહેતા નિવૃત શિક્ષકનું મોત થયું હતું. 26મી જાન્યુઆરીએ કોલીથડ સ્કૂલમાં સેવા આપવા ગયા બાદ એક્ટિવા લઈને પરત આવતા હતાં ત્યારે અજાણ્યા વાહને ઠોકર મારતા શિક્ષકનું સારવાર દરમિયાન મોત થયું હતું.
મળતી વિગતો મુજબ રાજકોટના મવડી પાસે અંબિકા ટાઉનશીપમાં સિધ્ધી હેરીટેજમાં રહેતા વિઠ્ઠલભાઈ કરશનભાઈ હદવાણી ઉ.વ.70 ગોંડલના કોલીથડ નારાયણ નગર સ્કૂલમાં 26મી જાન્યુઆરીએ સેવા આપવા ગયા હતાં. પોતે અગાઉ પીટી ટીચર હોય અને હાલ તે નિવૃત હોય 26મી જાન્યુઆરીએ સેવા આપવા ગયા બાદ વિઠ્ઠલભાઈ પોતાનું એક્ટિવા લઈને પરત આવતા હતાં ત્યારે ગોંડલ તાલુકા પોલીસ સ્ટેશન નજીક રિલાયન્સ પેટ્રોલપંપ પાસે અજાણ્યા વાહને ઠોકર મારતા વિઠ્ઠલભાઈને ગંભીર ઈજાથઈ હતી. પ્રથમ ગોંડલ અને ત્યાર બાદ રાજકોટ સારવાર અર્થે વિઠ્ઠલભાઈને દાખલ કરાયા બાદ રાજકોટમાં તેમનું મોત થયું હતું. મૃતક ગોંડલની વેજાગામ સ્કૂલમાં પીટી ટીચર તરીકે અગાઉ ફરજ બજાવતા હતાં. તે ત્રણ ભાઈ-ત્રણ બહેનમાં મોટા હતાં આ બનાવથી મૃતકના પરિવારમાં શોક વ્યાપી ગયો હતો.