વેરાવળ શહેરની મુખ્ય બજારમાં શાંતિપૂર્ણ ગણાતી વહેલી પરોઢે અચાનક લોહિયાળ ઘટના સર્જાતા સમગ્ર વિસ્તારમાં ચકચાર મચી જવા પામી છે. અત્રે ના સુભાષ રોડ પર દેવી પૂજકો વચ્ચે થયેલી તીવ્ર બોલાચાલી થોડા જ સમયમાં હિંસક અથડામણમાં ફેરવાઈ ગઈ અને તેમાં એક આધેડનું કરૂૂણ મોત નીપજ્યું હતું.
આ બનાવ માં વેરાવળ આવાસ કોલોનીમાં રહેતા 50 વર્ષીય પુનાભાઈ બાબુભાઈ સોલંકી પર પથ્થરથી હુમલો કરવામાં આવ્યો હતો. હાથ પગ સહિત શરીરના ભાગે ગંભીર ઇજા થતા તેઓ લોહીલુહાણ હાલતમાં ઢળી પડ્યા હતા. આ બનાવ ના પગલે સવારે 108 એમ્બ્યુલન્સ મારફતે બે ઇજા ગ્રસ્ત ને વેરાવળ સિવિલ હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા. જ્યાં ફરજ પરના તબીબોએ પુનાભાઈ સોલંકીને બચાવવાના પુરતા પ્રયાસો કર્યા, પરંતુ ગંભીર ઇજાના કારણે સારવાર દરમિયાન તેમનું મોત નિપજ્યું.
પ્રાથમિક તપાસમાં ખુલ્યું છે કે મૃતક અને તેમના સાળા વચ્ચે કોઈ અંગત બાબતે બોલાચાલી થઈ હતી, જે બાદમાં મારામારીમાં પરિણમી. આ બનાવ માં વેરાવળ મફતિયા પારા ખાતે રહેતા 30 વર્ષીય સંજય બધાભાઈ સોલંકી પણ ઇજાગ્રસ્ત થયા હોવાનું જાણવા મળ્યું છે. જો કે સંજયે પ્રાથમિક સારવાર લીધા બાદ હોસ્પિટલમાંથી ફરાર થવાનું પસંદ કરતા શંકાના વાદળો ઘેરાયા છે.
આ બનાવ ની જાણ થતાં જ ઉઢજઙ વી.આર. ખેંગાર, PI ગોસ્વામી સહિતનો પોલીસ કાફલો ઘટના સ્થળે પહોંચ્યો હતો. વિસ્તારને કોર્ડન કરી પુરાવા એકત્ર કરવાની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. પોલીસના મતે મૃતકને પથ્થરના ઘા મારી મોતને ઘાટ ઉતારવામાં આવ્યા હોવાની મજબૂત શંકા છે. હત્યાનો ગુનો નોંધી આરોપીઓની ધરપકડ માટે પોલીસ દ્વારા તપાસના ચક્રો ઝડપથી ફેરવાઈ રહ્યા છે. વહેલી સવારમાં, દેવીપૂજાના પવિત્ર સમયે આવી લોહિયાળ ઘટના સર્જાતા શહેરના વેપારીઓ અને સ્થાનિકોમાં ચકચાર મચી જવા પામી છે. પોલીસ દ્વારા તમામ પાસાઓથી તપાસ ચાલુ રાખવામાં આવી છે અને ટૂંક સમયમાં સમગ્ર ઘટનાનો ખુલાસો થવાની શક્યતા વ્યક્ત કરવામાં આવી રહી છે.
