પાળની નવી જમીન વેચાણ રાખનાર રાજકોટના વેપારી સાથે 4 કરોડની ઠગાઇ

એક જ પરિવારના 11 સભ્યો અને રાજકોટના બે શખ્સ સહિત 13 સામે કાર્યવાહી રાજકોટ જિલ્લાના લોધિકા તાલુકાના પાળ ગામે વર્ષ 1974-75માં જિલ્લા કલેક્ટર દ્વારા સાંથણીમાં…

એક જ પરિવારના 11 સભ્યો અને રાજકોટના બે શખ્સ સહિત 13 સામે કાર્યવાહી

રાજકોટ જિલ્લાના લોધિકા તાલુકાના પાળ ગામે વર્ષ 1974-75માં જિલ્લા કલેક્ટર દ્વારા સાંથણીમાં ફાળવવામાં આવેલ નવી અને અવિભાજ્ય શરતની જમીન વર્ષ 2017માં નોટરાઇઝડ સાટાખતથી ખરીદીના કરાર કરી ચાર કરોડ રૂૂપિયા ચૂકવનાર બે વેપારીને જમીનનો કબજો સોંપી આપ્યા બાદ જમીનના મૂળ માલિક વારસદારોએ વેચાણ કરેલી નવી શરતની જમીનમાં વારસાઈ નોંધ કરાવી કુટુંબના 11 સભ્યની નોંધ કરાવી લઇ બાદમાં રાજકોટના જ અન્ય બે આસામીને રૂૂ.30 લાખમાં સાટાખત કરી દેતા ચાર કરોડની છેતરપિંડી કરનાર પાળ ગામના પરિવારના 11 સભ્ય તેમજ સાટાખત કરાવી લેનાર રાજકોટના બે શખ્સ મળી કુલ 13 આરોપી વિરુદ્ધ લોધિકા પોલીસ મથકમાં ગુનો રજિસ્ટર કરાયો છે.

લોધિકાના પાળ ગામે જમીન વેચાણના કિસ્સામાં છેતરપિંડીની ઘટના અંગે ફરિયાદી અમીષ કિશોરભાઈ રામાણી રહે.4-મણિનગર,મવડી પ્લોટ વાળાએ આરોપી ભીખા ભોપા માટિયા, ડાયા ભીખા માટિયા, ભાયાભાઇ ભીખા માટિયા, જયાબેન ભીખા માટિયા, ભીમા ભીખા માટિયા, રાજેશ ભીખા માટિયા, મીનાબેન ડાયાભાઇ માટિયા, અંજના ડાયાભાઇ માટિયા, સાગર ડાયાભાઇ માટિયા, વિજયાબેન ડાયાભાઇ માટિયા અને મેહુલ ડાયાભાઇ માટિયા રહે તમામ પાળ ગામ વાળાઓ વિરુદ્ધ ફરિયાદ નોંધાવતા જાહેર કર્યું હતું કે, વર્ષ 2017માં અમીષ રામાણી તથા તેમના ભાગીદાર ભવદીપ વલ્લભાઇ પોકર રહે.મયૂરનગર, રાજકોટ વાળા સાથે ભાગીદારીમાં પાળ ગામે આવેલ આરોપીઓની રેવન્યુ સરવે નંબર જૂના 300 પૈકી 21 અને નવા સરવે નંબર 1002ની 4 એકર 16 ગુંઠા જમીન 99 લાખ પ્રતિ એકર લેખે રૂૂ.4 કરોડ ચૂકવી ખરીદ કરી હતી.

જોકે જમીન નવી અને અવિભાજ્ય શરતની હોવાથી જમીનનું નોટરાઇઝ સાટાખત કરાવી જરૂૂરી સોગંદનામાં મેળવી લઈ જમીનનો કબજો પણ ફરિયાદીએ મેળવી લીધેલ હતો. જોકે નવી શરતની જમીન જૂની શરતમાં ફેરવવા તેમજ વારસાઈ નામોની નોંધ કરાવી અન્ય વારસદારોને ધક્કા ન થાય તે માટે તમામ માલિકો વતી આરોપી ભીખાભાઇ ભોપાભાઇ ભરવાડનું એક જ નામ ચાલુ રાખી અન્ય નામ કમી કરાવ્યા હતા.

જોકે આમ છતાં ભીખાભાઈએ અન્ય વારસદારોના નામ ચડાવી દઈ બાદમાં મેહુલ ડાયા માટિયા અને સાગર ડાયા માટિયા બન્નેના નામ ચાલુ રાખી ગત તા.29-07-2024ના રોજ આ જમીન રાજકોટના હરિ ગોકળ માટિયા અને મેહુલ અરજણ માટિયા પાસેથી 30 લાખ લઈ નોટરાઇઝ સાટાખત કરી છેતરપિંડી આચરતા જમીનના સોદામાં થયેલા વિશ્વાસઘાત મામલે લોધિકા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવતા પોલીસે આઇપીસી કલમ 406, 420, 465 સહિતની કલમો મુજબ ગુનો દાખલ કર્યો છે.

જમીન મહેસૂલ કાયદા મુજબ સાંથણીમાં ફાળવવામાં આવેલ નવી અને અવિભાજ્ય શરતની જમીન જ્યાં સુધી જૂની શરતમાં ન ફરે ત્યાં સુધી આવી જમીનના વેચાણ વ્યવહાર કરી શકાતા નથી. જોકે લોધિકાના પાળ ગામમાં જમીન વેચાણમાં છેતરપિંડીની જે ઘટનાની પોલીસ ફરિયાદ નોંધાઈ છે તે જમીન નવી શરતની હોવાનું જાણવા છતાં ફરિયાદપક્ષે કાયદાની છટકબારીનો લાભ લઈ સાટાખત કરાવી લઇ જમીન ખરીદી કરી છે. જ્યારે સામાપક્ષે આરોપીઓ પણ નવી શરતની જમીન વેચાણ ન થાય તેવું જાણવા છતાં 4 કરોડમાં જમીન વેચાણ કરવાની સાથે 30 લાખમાં બીજું સાટાખત પણ કર્યું છે. આ સંજોગોમાં મામલતદાર શરતભંગના પગલાં લેવા નાયબ કલેકટરને તેમજ કલેક્ટરને રિપોર્ટ કરે તો જમીન ખાલસા થવાની સાથે આરોપીઓ અને ફરિયાદી બન્ને પક્ષને સબક મળી શકે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *