શહેરનાં સામાકાંઠે પેડક રોડ પર હિટ એન્ડ રનનો બનાવ સામે આવ્યો હતો. જેમાં મુંબઈથી ભાઈને મળવા આવેલા નેપાળી યુવાનનું મોત નિપજ્યું હતું. યુવાન રાત્રે ચાલીને જતો હતો ત્યારે અજાણ્યો બાઈક ચાલક ઉલાળીને ફરાર થઈ જતાં ગંભીર રીતે ઘવાયેલા યુવાનનું સારવાર દરમિયાન મોત નિપજતાં પોલીસે જરૂરી કાર્યવાહી કરી અજાણ્યા બાઈક ચાલકની શોધખોળ હાથ ધરી છે.
જાણવા મળતી વિગત મુજબ, મુંબઈમાં રહેતો અલ્પેશ હિંમતભાઈ વિશ્ર્વકર્મા (ઉ.30) નામનો નેપાળી યુવાન રાજકોટમાં સામાકાંઠે રણછોડનગર શેરી નં.2માં રહેતાં તેના ભાઈ અરૂણના ઘરે ચાર દિવસથી આંટોમારવા આવ્યો હતો. અરૂણ પેડક રોડ પર પંજાબી ચાઈનીઝની રેંકડીમાં કામ કરતો હોય ગઈકાલે રાત્રે કલ્પેશ તેના ભાઈની રેંકડીએ આંટો મારવા ગયા હતો. જ્યાંથી ચાલીને પરત ઘરે આવતો હતો ત્યારે પેડક રોડ પર પ્રમુખ સ્વામી આર્કેડ પાસે પહોંચતાં પુરપાટ ઝડપે આવતાં અજાણ્યા બાઈક ચાલકે હડફેટે લેતાં અકસ્માત સર્જાયો હતો. જેમાં કલ્પેશને માથાના ભાગે તથા શરીરે ગંભીર ઈજા થતાં સારવાર માટે સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો. જેનું ચાલુ સારવાર દરમિયાન મોત નિપજ્યું હતું. બનાવની જાણ થતાં રાજકોટ નેપાળી સમાજનાં અગ્રણી સંજયરાજ કાર્કી હોસ્પિટલે દોડી ગયા હતાં.
આ અંગે સિવિલ ચોકીના સ્ટાફે પ્રાથમિક નોંધ કરી બી-ડીવીઝન પોલીસને જાણ કરતાં પોલીસે હોસ્પિટલે દોડી જઈ જરૂરી કાર્યવાહી કરી વધુ તપાસહાથ ધરી હતી. પ્રાથમિક તપાસમાં મૃતક કલ્પેશ બે ભાઈમાં મોટો અને મુંબઈમાં રહી હોટલમાં કામ કરતો હતો તેને સંતાનમાં એક પુત્ર અને એક પુત્રી હોવાનું જાણવા મળ્યું છે. તે ભાઈના ઘરે આંટો મારવા આવ્યો હતો અને અકસ્માત કાળ ભેટી જતાં પરિવારમાં શોકની લાગણી છવાઈ જવા પામી છે. અકસ્માત સર્જી અજાણ્યા બાઈકલ નાસી છુટયો હોય પોલીસે તેનાં વિરૂધ્ધ ગુનો નોંધવા તજવીજ હાથ ધરી છે.
