ગોંડલમાં ‘હેપ્પી સ્પા સેન્ટર’માં દરોડો રાજકોટની બે સંચાલિકા સામે ગુનો નોંધાયો

રાજકોટ ગ્રામ્ય પોલીસ દ્વારા સ્પા સેન્ટરો અને મસાજ પાર્લરોમાં કલેક્ટરના જાહેરનામાના અમલીકરણ અંગે કડક ચેકિંગ ઝુંબેશ ચલાવવામાં આવી રહી છે. આ ઝુંબેશ દરમિયાન ગોંડલમાં યોગીમોલમાં…

રાજકોટ ગ્રામ્ય પોલીસ દ્વારા સ્પા સેન્ટરો અને મસાજ પાર્લરોમાં કલેક્ટરના જાહેરનામાના અમલીકરણ અંગે કડક ચેકિંગ ઝુંબેશ ચલાવવામાં આવી રહી છે. આ ઝુંબેશ દરમિયાન ગોંડલમાં યોગીમોલમાં આવેલ ‘હેપ્પી સ્પા સેન્ટર’માં પરપ્રાંતીય મહિલા કર્મચારીઓનું પોલીસ વેરિફિકેશન કરાવ્યા વગર જ સ્પા ચલાવવામાં આવતું હોવાનું સામે આવતા ગોંડલ પોલીસ સ્ટેશનમાં બે મહિલા સંચાલકો સામે ગુનો નોંધવામાં આવ્યો છે.

પ્રાપ્ત વિગતો અનુસાર, રાજકોટ ગ્રામ્યની એન્ટી હ્યુમન ટ્રાફિકિંગ યુનિટ (AHTU) શાખાના પીઆઇ એન.એ.શુકલ અને તેમની ટીમ દ્વારા ગોંડલ સ્થિત ‘હેપ્પી સ્પા સેન્ટર’ ખાતે આકસ્મિક તપાસ હાથ ધરવામાં આવી હતી. તપાસ દરમિયાન સામે આવ્યું હતું કે સ્પાના સંચાલકો પોતાના આર્થિક ફાયદા માટે પરપ્રાંતીય મહિલાઓને કામ પર રાખતા હતા. પરંતુ, આ મહિલા કર્મચારીઓના નામનું લિસ્ટ કે તેમની ઓળખ અંગેની કોઈ પણ પ્રકારની નોંધ નજીકના પોલીસ સ્ટેશનમાં કરાવવામાં આવી નહોતી.

પોલીસે આ મામલે સ્પા સેન્ટરના માલિક સંચાલક તરીકે કામ કરતી પુષ્પાંજલી બારીક (રહે. રાજકોટ) તથા રીતા ધનુષધારી યાદવ (ઉંમર: 49 વર્ષ, રહે. રાજકોટ) સામે કાર્યવાહી કરી હતી. રાજકોટ ગ્રામ્ય જિલ્લા કલેક્ટર દ્વારા બહાર પાડવામાં આવેલા જાહેરનામા મુજબ સ્પા સેન્ટર કે મસાજ પાર્લરમાં કામ કરતા તમામ પરપ્રાંતીય કારીગરોનું પોલીસ વેરિફિકેશન કરાવવું ફરજિયાત છે. આ હુકમનો અનાદર કરીને સ્પા સેન્ટર ચલાવવામાં આવતું હોવાથી ગોંડલ સીટી પોલીસ સ્ટેશનમાં ભારતીય ન્યાય સંહિતા (BNS) 2023 ની કલમ 223 મુજબ ગુનો નોંધી આગળની તપાસ હાથ ધરવામાં આવી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *