વીરપુરના ખોડીયાર વિસ્તારના ગેસ્ટ હાઉસ ચાલતા અનૈતિક દેહવ્યાપારના ધંધાનો રાજકોટ ગ્રામ્ય પોલીસની Anti-Human Trafficking Unit (AHTU) દ્વારા પર્દાફાશ કરવામાં આવ્યો છે. આ મામલે ગેસ્ટ હાઉસના માલિક અને સંચાલક સહિત બે આરોપીઓ સામે ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.
પ્રાપ્ત વિગતો મુજબ રાજકોટ રેન્જ આઇજી નિર્લિપ્ત રાય (IPS)ના માર્ગદર્શન તથા રાજકોટ ગ્રામ્ય જિલ્લાના પોલીસ અધિક્ષક વિજયસિંહ ગુર્જર (IPS)ના સૂચન અનુસાર જિલ્લામાં ચાલતા અનૈતિક દેહવ્યાપાર સંબંધિત ગુનાઓ શોધી કાઢવા માટે વિશેષ અભિયાન ચલાવવામાં આવી રહ્યું છે.
તે અંતર્ગત એલ.સી.બી.ના પોલીસ ઇન્સ્પેક્ટર તથા AHTUના નોડલ ઓફિસર જે.પી. રાવના માર્ગદર્શન હેઠળ AHTUની ટીમ પોલીસ ઇન્સ્પેક્ટર એન.એ. શુક્લ, UHC દિલીપભાઈ કળોતરા, UPC દિલીપસિંહ જયદેવસિંહ, UPC મનીષાબેન ખીમાણિયા તથા ડ્રાઈવર સાગરભાઈ વૈશ સહીત ટીમને પેટ્રોલિંગ દરમિયાન મળેલી ચોક્કસ બાતમીના આધારે AHTUની ટીમે વીરપુરના ચામુંડા ચોક, સ્વામિનારાયણ મંદિરવાળી શેરીમાં આવેલ ખોડીયાર ગેસ્ટ હાઉસમાં દરોડો પાડ્યો હતો. તપાસ દરમિયાન ગેસ્ટ હાઉસમાં બહારથી મહિલાઓને બોલાવી પુરુષ ગ્રાહકોને રૂૂમમાં અનૈતિક પ્રવૃત્તિ માટે સગવડો પૂરી પાડવામાં આવતી હોવાની હકીકત સામે આવી હતી.
રૂૂમના ભાડા ઉપરાંત કમિશન મેળવી આ ધંધો ચલાવવામાં આવતો હોવાનું પણ પ્રાથમિક તપાસમાં બહાર આવ્યું હતું. પોલીસે નિલેશભાઈ પરસોતમભાઈ ગુજરાતી (રહે. જલારામનગર, રેલવે ફાટક પાસે,વીરપુર), જયભાઈ માધુભાઈ ભટી (રહે. ફુલવાડી, રામજી મંદિર રોડ, જેતપુર)ની ધરપકડ કરી રૂૂ. 4,200ની રોકડ રકમ, ચાર પુરુષ નિરોધક પેકેટ તથા એક મોબાઇલ ફોન સહિતનો મુદ્દામાલ કબજે કર્યો હતો. રાજકોટ ગ્રામ્ય પોલીસ દ્વારા અનૈતિક દેહવ્યાપાર અને માનવ તસ્કરી જેવા ગુનાઓ સામે કડક કાર્યવાહી ચાલુ રાખવામાં આવશે તેમ પોલીસે જણાવ્યું છે.
