રાજકોટથી બાઇક ચોરી મોરબીમાં ફેરવતો બાબરાનો શખ્સ ઝડપાયો

મોરબી એલસીબી અને પેરોલ સ્ટાફની ટીમે મોરબી-માળિયા નેશનલ હાઈવે પરથી એક શખ્સને ઝડપી પાડ્યો છે. આ શખ્સ નંબર પ્લેટ વગરની મોટરસાયકલ લઈને શંકાસ્પદ હાલતમાં પસાર…

મોરબી એલસીબી અને પેરોલ સ્ટાફની ટીમે મોરબી-માળિયા નેશનલ હાઈવે પરથી એક શખ્સને ઝડપી પાડ્યો છે. આ શખ્સ નંબર પ્લેટ વગરની મોટરસાયકલ લઈને શંકાસ્પદ હાલતમાં પસાર થઈ રહ્યો હતો.પોલીસે ઝડપાયેલા શખ્સની ઓળખ હનુભાઈ સુરાભાઈ વાઘેલા (ઉંમર 35, રહે. મોટા દેવળીયા બસ સ્ટેશન પાસે, તા. બાબરા, જી. અમરેલી) તરીકે કરી છે.પોલીસે મોટરસાયકલના દસ્તાવેજો માંગતા, શખ્સ પાસે કોઈ કાગળો નહોતા. આથી પોલીસે બાઇકની માલિકી અંગે વધુ તપાસ અને પૂછપરછ હાથ ધરી હતી.

પૂછપરછમાં હનુભાઈ વાઘેલાએ કબૂલ્યું કે તેણે આ મોટરસાયકલ આશરે 20 દિવસ પહેલા રાજકોટ શહેરના મોરબી જકાતનાકા પાસેના વિસ્તારમાંથી ચોરી કરી હતી. પોલીસે પોકેટકોપમાં તપાસ કરતા, આ બાઇક અંગે રાજકોટ શહેર બી ડિવિઝન પોલીસ સ્ટેશનમાં ભારતીય ન્યાય સંહિતાની કલમ 303(2) હેઠળ ચોરીનો ગુનો નોંધાયેલો હોવાનું બહાર આવ્યું હતું.

આ ગુનો વણશોધાયેલો હોવાથી પોલીસે આરોપી પાસેથી મોટરસાયકલ ભારતીય નાગરિક સુરક્ષા સંહિતાની કલમ 106(1) મુજબ કબજે કરી હતી. ઝડપાયેલા શખ્સને ભારતીય નાગરિક સુરક્ષા સંહિતાની કલમ 35(1)(ઇ) મુજબ હસ્તગત કરી મોરબી સિટી બી ડિવિઝન પોલીસ સ્ટેશનને સોંપવામાં આવ્યો છે.આ અંગે રાજકોટ શહેર બી ડિવિઝન પોલીસ સ્ટેશનને પણ જાણ કરવામાં આવી હોવાનું પોલીસે જણાવ્યું હતું.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *