થાનમાં નોકરી માટે ઈન્ટરવ્યૂ આપીને લુણસર ગામે પરત ફરતી વખતે બે બાઈક સામસામે અથડાતા ઘટના ઘટી, બેને ઇજા
વાંકાનેર પાસેના પલાસ ગામ નજીક બે બાઈક સામ સામે અથડાતા લુણસર ગામના યુવાનનું મોત નીપજયુ જયારે અન્ય બાઈકસ્વાર સહિત બે મિત્રોને ગંભીર ઈજા થતા સારવાર માટે રાજકોટની સીવીલ હોસ્પીટલમાં ખસેડાયા છે. બનાવને પગલે વાંકાનેર પોલીસે તપાસ કરતા રાજકોટ ફરજ બજાવતા પીએસઆઈનો કૌટુંબીક ભત્રીજો થાન કંપનીમાં નોકરી માટે ઈન્ટરવ્યુ દઈ તેના ગામ પરત જતો હતો. ત્યારે આ બનાવ બન્યો હોવાનું પ્રાથમીક તપાસમાં બનાવના પગલે યુવકના પરિવારજનોમાં શોક છવાયો છે.
પોલીસ સૂત્રોના જણાવ્યા મુજબ વાંકાનેર તાલુકાના લુણસર ગામે રહેતો તરૂૂણ ભીખાભાઈ ચાવડા (ઉ.વ.19) તેનુ બાઈક લઈ થાન ખાતે આવેલ નર્સરી કંપનીમાં નોકરી માટે ઈન્ટરવ્યુ આપવા માટે ગયો હતો. ઈન્ટરવ્યુ આપી તેના ઘરે પરત જતો હતો. ત્યારે પલાસ ગામ પાસે સામેથી આવતા બાઈક સાથે અથડાતા તેને ગંભીર હાલતમાં સારવાર માટે રાજકોટની હોસ્પિટલમાં ખસેડાયેલ હતો. જેનું સારવાર મળે તે પહેલા જ મોત નીપજયુ હતુ.
બનાવના પગલે વાંકાનેર પોલીસ મથકના જમાદાર હરપાલસિંહ સહિતના સ્ટાફે તપાસ કરતા મૃતક’ તરૂૂણ રાજકોટ ગાંધીગ્રામ પોલીસ મથકમાં ફરજ બજાવતા અજયભાઈ ચાવડાનો કૌટુંબીક ભત્રીજો હોવાનુ તેમજ આ અકસ્માતમાં સામા પક્ષે થાન તાલુકાનાં મનડાસર ગામે રહેતો દશરથ વીનાભાઈ કનેઝરીયા (ઉ.વ.20) અન તેના ગામમાં રહેતો રણજીત મોતીભાઈ (ઉ.વ.17) તેના ગામથી વાકાનેર જતા હતા. તે દરમિયાન આ અકસ્માતનો બનાવ બન્યો હતો. જેમાં દશરથની હાલત પણ ગંભીર હોવાનું પ્રાથમીક તપાસમાં બહાર આવતા પોલીસે વિશેષ કાર્યવાહી હાથ ધરી છે.
