લાલપુરના ગજણા ગામમાં શ્રમિક યુવતીને રીલ બનાવવાના ચક્કરમાં પોલીસનું તેડું

લાલપુર તાલુકાના ગજણા ગામમાં રહેતી એક શ્રમિક યુવતીએ ઝેરી દવા વાળા ડબલામાં છાશ પી લેતા સમયનો વિડીયો બનાવીને સોશિયલ મીડિયામાં અપલોડ કરી દીધો હતો, જેના…

લાલપુર તાલુકાના ગજણા ગામમાં રહેતી એક શ્રમિક યુવતીએ ઝેરી દવા વાળા ડબલામાં છાશ પી લેતા સમયનો વિડીયો બનાવીને સોશિયલ મીડિયામાં અપલોડ કરી દીધો હતો, જેના કારણે લાલપુરનું પોલીસ તંત્ર ધંધે લાગ્યું હતું. આખરે યુવતી ને શોધી કાઢ્યા બાદ તેનું નિવેદન નોંધ્યું છે. તેણે રિલ બનાવવા ના ચક્કરમાં પોતાનો વિડીયો બનાવ્યા બાદ સોશિયલ મીડિયામાં મૂકી દીધો હોવાનું જણાવ્યું હતું.

સોશિયલ મીડિયામાં રીલ્સ બનાવવાના ચક્કરમાં લોકો એટલા પાગલ બની જતા હોય છે, કે તે અન્ય લોકોને મુશ્કેલીમાં મૂકી દેતા હોય છે. આવોજ એક કિસ્સો લાલપુર પંથકમાં પ્રકાશમાં આવ્યો છે. લાલપુર તાલુકાના ગજણા ગામની સીમ વિસ્તારમાં બીપીનભાઈ પટેલની વાડી આવેલી છે જેમાં અલીરાજપુરના જોબાટ જિલ્લાના વતની અને હાલમાં ત્યાં ખેત મજૂરી કામે આવેલા કૈલાશભાઈ સાલમાભાઈ વસ્કલે કે જેની પત્ની સંતરબેન કૈલાશભાઈ વસ્કલે પોતે વાડીમાં છાંટવાની જંતુનાશક દવાની બોટલમાં છાશ ભરીને પિતા ફિલ્મી સોંગ સાથે રીલ બનાવી હતી, અને તે રીલ પોતાના ઇન્સ્ટા આઈડી ઉપરથી અપલોડ કરી દીધી હતી.

જે રીલ વાઈરલ થતાં લાલપુરનું પોલીસ તંત્ર ધંધે લાગ્યું હતું, અને લાલપુરના એ.એસ.આઇ. ડી.ડી. જાડેજા અને તેઓની ટીમના ટીનુભા જાડેજા વગેરેએ લાલપુર તાલુકાના ગજણા ગામમાં તપાસ હાથ ધરી હતી, અને આખરે બીપીનભાઈ પટેલ નામના ખેડૂતની વાડીમાં પહોંચી જઈ ત્યાં હાજર રહેલી સંતરબેન કે જેનું નિવેદન નોંધ્યું હતું, અને તેણે પોતે આ વિડીયો અપલોડ કરી દીધો હોવાનું જણાવ્યું હતું. પરંતુ પોતે તેમાં છાશ પીતી હોય તેવું જણાવ્યું હતું. આખરે પોલીસે તેનું નિવેદન નોંધ્યું છે, અને ભવિષ્યમાં આવી ભૂલ નહીં કરવા કડક સૂચના પણ આપી છે. તેમજ ઝેરી દવાવાળું ડબલું વગેરે કબજે કરી લીધા છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *