બોટાદમાં કોળી સમાજના યુવક સાથે કથિત 1 કરોડના તોડ કાંડ મામલે સર્કિટ હાઉસ ખાતે બેઠક યોજાઈ હતી. ધારાસભ્ય ઉમેશ મકવાણાએ નેતા અને પોલીસ સામે ઉચ્ચસ્તરીય તપાસની માંગ કરી છે. બોટાદ જિલ્લાના કાનીયાડ ગામના કોળી સમાજના યુવાનો સાથે પોલીસ અને રાજકીય નેતાઓની મિલીભગતથી કરોડો રૂૂપિયાનો તોડ કરવામાં આવ્યો હોવાનો ગંભીર મામલો સામે આવ્યો છે. બોટાદના ધારાસભ્ય ઉમેશભાઈ મકવાણાએ સનસનાટીભર્યા આરોપ લગાવતા જણાવ્યું છે કે, પોલીસ દ્વારા કલ્પેશભાઈ મીઠાપરા સહિત ત્રણ યુવાનોને ગેરકાયદે ઉઠાવી જઈને નિર્દયતાપૂર્વક માર મારવામાં આવ્યો હતો.
આ યુવાનો પાસેથી 1 કરોડથી વધુની ખંડણી વસૂલવા દબાણ કરાયું હતું, જેમાં જિલ્લા ભાજપના એક કદાવર નેતાની સંડોવણી હોવાનો અને આંગડિયા મારફતે 60 લાખ રૂૂપિયા મેળવી લેવાયા હોવાનો ગંભીર દાવો કરવામાં આવ્યો છે. આ ઘટનાના વિરોધમાં અને પીડિત યુવાનોને ન્યાય અપાવવા માટે અખિલ ભારતીય કોળી સમાજના પ્રમુખ દ્વારા બોટાદ સર્કિટ હાઉસ ખાતે એક મહત્ત્વની બેઠકનું આહવાન કરવામાં આવ્યું છે. આ બેઠકમાં સમાજના રાજકીય-સામાજિક આગેવાનો અને હોદ્દેદારો ઉપસ્થિત રહી આગળની રણનીતિ નક્કી કરશે.
સમગ્ર ઘટનાની તટસ્થ, નિષ્પક્ષ અને તાત્કાલિક ઉચ્ચસ્તરીય તપાસ હાથ ધરવામાં આવે. જો ભાજપના હોદ્દેદારની સંડોવણી સાબિત થાય તો તેમને ત્વરિત હોદ્દા પરથી દૂર કરવામાં આવે. તોડ કાંડમાં સામેલ પોલીસ અધિકારીઓ કે કર્મચારીઓ સામે કડક ગુનાહિત કાર્યવાહી થાય.સમગ્ર વિગત સાથે ગુજરાત સરકાર, મુખ્યમંત્રી અને નાયબ મુખ્યમંત્રી સમક્ષ રજૂઆત કરવામાં આવશે.
બેઠકમાં સમગ્ર મામલે યોગ્ય અને નિષ્પક્ષ તપાસની માંગ સાથે આગામી દિવસોમાં મુખ્યમંત્રી, નાયબ મુખ્યમંત્રી સહિત સરકારના આગેવાનો સમક્ષ રજૂઆત કરવાનો તેમજ સમગ્ર મામલે સ્પેશિયલ ઈન્વેસ્ટિગેશન ટીમ એટલે કે SIT મારફતે તપાસ કરવાની માંગ કરવામાં આવશે તેવો નિર્ણય લેવાયો હતો, સમાજના આગેવાનોના જણાવ્યા મુજબ, માત્ર એક યુવક જ નહીં પરંતુ અન્ય અનેકો લોકો અને અન્ય સમાજના ઓનલાઈન ગેમીંગ સાથે સંકળાયેલા લોકો પણ નાની-મોટી રકમના કથિત તોડનો ભોગ બન્યા હોવાની માહિતી સામે આવી છે, ભોગ બનનાર તેમજ તેમના સગા સંબંધીઓને આગેવાનો મળ્યા હોવાનું તેમજ ઈન્કમટેક્સ તપાસ સહિતની અનેકવિધ ધમકીઓ પણ આપવામા આવી રહી હોવાનો આક્ષેપ કર્યો છે.
બોટાદમાં રૂૂ.1 કરોડના કથિત તોડકાંડના આક્ષેપોને લઈને કોળી સમાજમાં ભારે ચર્ચા અને રોષ જોવા મળી રહ્યો છે, આ મામલે બોટાદ ખાતે કોળી સમાજની મહત્વપૂર્ણ સામાજિક બેઠક 7 સપ્ટેમ્બરના રોજ બોટાદ ખાતેના સર્કિટ હાઉસ ખાતે યોજાઈ હતી, બેઠકમાં બોટાદ જિલ્લા અખિલ ભારતીય કોળી ઠાકોર સમાજના પ્રમુખ ભુપતભાઈ ડાભી, ગુજરાત પ્રદેશ અખિલ ભારતીય કોળી ઠાકોર સમાજના ઉપપ્રમુખ પ્રવીણભાઈ સાકરીયા, જિલ્લા માંધાતા ગ્રુપના પ્રમુખ મયુરભાઈ જમોડ, બોટાદ શહેર ભાજપના પૂર્વ મહામંત્રી જગદીશભાઈ ચૌહાણ, બોટાદ તાલુકા ભાજપના પૂર્વ પ્રવક્તા નરશીભાઈ અણીયાળીયા, જિલ્લા કોંગ્રેસ બોટાદના પૂર્વ મહામંત્રી ધનજીભાઈ ગોહિલ, તેમજ બોટાદ જિલ્લા અખિલ ભારતીય કોળી સમાજના પ્રમુખ અને ગઢડા નગરપાલિકા સદસ્ય અજયભાઈ ઝાલા સહિતના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા.
બેઠક બાદ મયુરભાઈ જમોડે જણાવ્યું હતું કે, સમાજના અગ્રણીઓ ગાંધીનગર જઈ મુખ્યમંત્રી સમક્ષ રૂબરૂ રજૂઆત કરશે અને સમગ્ર મામલે સ્પેશિયલ ઈન્વેસ્ટિગેશન ટીમ એટલે કે જઈંઝ મારફતે તપાસ કરવાની માંગ કરવામાં આવશે, આ મામલે કોળી સમાજના બોટાદના ધારાસભ્ય ઉમેશ મકવાણાને સાથે રાખીને સમાજના અન્ય આગેવાનોની આગેવાનીમાં ગાંધીનગર સુધી રજૂઆત કરવાનો નિર્ણય પણ બેઠકમાં લેવાયો હોવાનું જણાવાયું છે.
