સ્વામિનારાયણ સંપ્રદાયના સંત અને મહાવિદ્વાન સદગુરુ શાસ્ત્રી હરિપ્રકાશદાસજી સ્વામી (ગાંધીનગરવાળા) 100 વર્ષનું જીવન પૂરું કરીને અક્ષરધામ નિવાસી થયા છે. બોટાદ જિલ્લાના ગઢડા ખાતે તેમની અંતિમ વિધિ કરવામાં આવી હતી, જેમાં હજારો હરિભક્તો ઉપસ્થિત રહ્યા હતા.તેમના અક્ષરવાસથી ગઢપુર સત્સંગ સમાજ, ગાંધીનગર સ્થિત સત્સંગ શિક્ષા પરિષદ પરિવાર અને સમગ્ર સ્વામિનારાયણ સંપ્રદાયને મોટી ખોટ પડી છે. સદગુરુ હરિપ્રકાશદાસજી સ્વામીનું જીવન શ્રીહરિભક્તિ, સત્સંગ પ્રત્યેની અડગ નિષ્ઠા, શાસ્ત્રજ્ઞાન, શિક્ષણ સેવા અને સમાજ ઘડતર માટે સમર્પિત હતું. તેઓ સિદ્ધાંતના પ્રશ્નોમાં અડગ અને નિર્ભય હતા.
તેમના ઊંડા શાસ્ત્રજ્ઞાન અને વિદ્વાન હોવાને કારણે સત્સંગ સમાજમાં તેમનો ખૂબ આદર હતો.તેમણે ઘણા અગત્યના સંસ્કૃત ગ્રંથોના ગુજરાતી અનુવાદ અને પ્રકાશનનું કામ કરાવ્યું હતું. આનાથી સત્સંગ સાહિત્ય સામાન્ય લોકો સુધી પહોંચાડવામાં તેમનું ખાસ યોગદાન રહ્યું. તેમના માર્ગદર્શન હેઠળ સત્સંગ શિક્ષા પરિષદ દ્વારા ધાર્મિક અને સત્સંગ સાહિત્યનો મોટા પાયે પ્રચાર થયો.શિક્ષણ ક્ષેત્રે પણ તેમનું યોગદાન ખાસ રહ્યું છે.
તેમણે ગુજરાતભરમાં ઘણી શિક્ષણ સંસ્થાઓ અને તેની શાખાઓની સ્થાપના કરી. તેના વિકાસ દ્વારા તેમણે અસંખ્ય વિદ્યાર્થીઓના જીવનને શિક્ષણ અને સંસ્કારોથી ઘડ્યા. ખાસ કરીને ગ્રામ્ય અને સામાન્ય પરિવારોના બાળકોને શિક્ષણની સારી તકો મળે તે માટે તેમણે ઘણા પ્રયત્નો કર્યા હતા.સદગુરુ હરિપ્રકાશદાસજી સ્વામી ગોપીનાથજી મહારાજના પરમ નિષ્ઠાવાન સંત અને સેવક હતા. તેમણે વર્ષો સુધી ગોપીનાથજી મહારાજની અનન્ય ભક્તિ અને સેવા કરી હતી.
ગોપીનાથજી મહારાજના પવિત્ર પ્રદેશ અને આસપાસના ઘણા ગામોમાં સત્સંગના વિકાસ માટે કામ કર્યું. તેમણે ઘણા મંદિરોના નિર્માણમાં ખાસ યોગદાન આપ્યું હતું. સત્સંગના વિવિધ સ્થળો પર મૂર્તિ, સિંહાસન અને મંદિર વ્યવસ્થાની જરૂૂરિયાત ઊભી થતી ત્યારે તેઓ હંમેશા ઉદારતાથી મદદ કરવા તૈયાર રહેતા હતા.તેમની અંતિમ યાત્રામાં ગુજરાતભરમાંથી મોટી સંખ્યામાં સાધુ-સંતો, મહંતો અને હજારો હરિભક્તો જોડાયા હતા. ભીની આંખે સૌએ પોતાના પ્રિય સંતને અંતિમ વિદાય આપી. આ તેમના પ્રત્યેના અપાર પ્રેમ અને શ્રદ્ધાની સાબિતી હતી.આજે તેમનું શરીર આપણી વચ્ચે ન હોવા છતાં, તેમના સિદ્ધાંતો, શાસ્ત્ર સેવા, શિક્ષણ કાર્ય અને સત્સંગ માટેની સેવાઓ હંમેશા પ્રેરણારૂૂપ બની રહેશે.
