75 લાખનો ધુંબો મારી ઉપરથી પોલીસે માર માર્યાનો આક્ષેપ

પોલીસે પૂછપરછ માટે બોલાવતા આરોપી માર માર્યાનો આક્ષેપ કરી હોસ્પિટલમાં દાખલ થઇ ગયો રાજકોટમાં હાલ જમીન વિવાદોને લઇને પોલીસ ઉપર ગંભીર આક્ષેપો થઇ રહ્યા છે…

પોલીસે પૂછપરછ માટે બોલાવતા આરોપી માર માર્યાનો આક્ષેપ કરી હોસ્પિટલમાં દાખલ થઇ ગયો

રાજકોટમાં હાલ જમીન વિવાદોને લઇને પોલીસ ઉપર ગંભીર આક્ષેપો થઇ રહ્યા છે ત્યારે કેટલાક લોકો તકનો લાભ લઇ પોલીસ ઉપર પ્રેશર ટેકનિક અપનાવી રહ્યા છે. આવો જ એક કિસ્સો પ્રકાશમાં આવ્યો છે. જેમાં જમીન-મકાનની લે-વેંચનો ધંધો કરતા છગનભાઇ લવજીભાઇ રામાણી નામના ધંધાર્થી પાસેથી જમીન પેટે રૂા.50 લાખની રકમ લઇ અને જમીનમાં રૂા.25 લાખ જેવો રોડ-રસ્તાનો ખર્ચ કરાવ્યા બાદ ઢેબરરોડ સાઉથમાં ન્યુ સર્વોદય સોસાયટીમાં રહેતા કિશોર દેશુરભાઇ સોનારા અને રમેશ ડોબરીયા નામના શખ્સોએ નાણા કે, જમીન આપવા ઇન્કાર કરી છેતરપિંડી આચર્યાની તથા ધાક-ધમકીથી પૈસા પરત નહીં માંગે તેવુ લખાણ કરાવી લીધાની પોલીસમાં અરજી થતા ચકચાર જાગી છે.

આ કિસ્સામાં પોલીસે પૂછપરછ માટે બોલાવેલા કિશોર સોનારાએ માર માર્યાના આક્ષેપ સાથે હોસ્પિટલમાં દાખલ થઇ જઇ પોલીસ ઉપર પ્રેશર લાવવા પ્રયાસ કર્યાનો આક્ષેપ ભોગ બનનારે કર્યો છે.
ભોગ બનનાર છગનભાઇ રામાણી અને તેના પત્ની કાંતાબેન રામાણીએ ‘ગુજરાત મિરર’ કાર્યાલય ખાતે રૂબરૂ આવી હૈયાવરાળ ઠાલવતા જણાવ્યુ હતુ કે, તેમણે કિશોર સોનારા વિગેરે પાસેથી કોટડા સાંગાણી તાલુકાના પીપલાણા ગામે આવેલ રેસી સ.ન.92 પૈકી 10 પૈકી 1ની રૂા.50 લાખ તા.4/08/2022ના રોજ આપી નોટરાઇઝડ કરાર કર્યો હતો.

આ દરમિયાન જમીનમાં રોડ-રસ્તાનો રૂા.25 લાખનો ખર્ચ પણ છગનભાઇએ કરી નાખ્યો હતો. ત્યારબાદ તા.4/11/2022ના રોજ રૂા.3 કરોડ ચૂકવી અમૂક પ્લોટના દસ્તાવેજ માટે કહેતા કિશોર સોનારાએ તમે મુદત ચૂકી ગયા છો તેમ જણાવી રૂા.50 લાખ સુથીના અને રોડ-રસ્તા પાછળ કરેલ ખર્ચના 25 લાખ મળી કુલ રૂા.75 લાખ ભુલી જવા જણાવી દીધાનો આક્ષેપ કરેલ છે.

આ ઉપરાંત આ અંગે પોલીસમાં અરજી કરતા પોલીસે કિશોર સોનારાને પૂછપરછ માટે બોલાવતા કિશોરે પોલીસ ઉપર દબાણ લાવવા પોતાને માર માર્યાનો આક્ષેપ કરી હોસ્પિટલમાં દાખલ થઇ ગયાનું જણાવેલ છે.
આમ ‘ચોરી ઉપર શિનાજોરી’ જેવા આ કિસ્સામાં હાલ પોલીસ સામે થઇ રહેલા આક્ષેપોનો લાભ લઇ આરોપીએ પોલીસ સામે મારમાર્યાના ખોટા આક્ષેપ કર્યાનું પણ દંપતિએ જણાવ્યુ હતું.

પુરુષોની ગેરહાજરીમાં ઘરે આવી મહિલાઓને ત્રાસ આપતા હોવાનો આક્ષેપ

અરજદાર છગનભાઇ રામાણીના પત્ની કાંતાબેન જણાવેલ કે, પૈસા પરત આપવાના બદલે આરોપી કિશોર, તેનો મોટોભાઇ તથા તેના પિતા અવાર-નવાર પુરુષોની ગેરહાજરીમાં ઘરે આવી એલફેલ બોલી માનસિક ત્રાસ આપતા હોવાથી અમારે મકાન ખાલી કરી અન્યત્ર રહેવા જવાની ફરજ પડી છે. અમારે રાજકોટમાં રહેવા ઘરનું મકાન પણ નથી, આરોપીઓના ત્રાસના કારણે અમારે અવાર-નવાર મકાન બદલવાની ફરજ પડે છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *