જો તમે ટ્રેનમાં મુસાફરી કરતી વખતે વેફર્સનું રેપર બારીમાંથી બહાર ફેંકવા કે સ્ટેશન પર ગમે ત્યાં થૂંકવાના આદિ છો, તો હવે તમારે ખિસ્સું ખાલી કરવા તૈયાર રહેવું પડશે. ભારતીય રેલ્વેએ પોતાના પરિસરો અને ટ્રેનોમાં સ્વચ્છતા જાળવવા માટેના નિયમોમાં મોટો ફેરફાર કર્યો છે. હવે સ્ટેશનો, પ્લેટફોર્મ અને ટ્રેનના કોચમાં ગંદકી કરવા બદલ થતો દંડ ₹500 થી વધારીને સીધો ₹1,000 કરી દેવામાં આવ્યો છે.
રેલ્વે મંત્રાલય દ્વારા ઓગસ્ટ 2026માં આ અંગેનું ખાસ ગેઝેટ નોટિફિકેશન બહાર પાડવામાં આવ્યું છે. આ નોટિફિકેશન દ્વારા ‘ઇન્ડિયન રેલ્વેઝ (પેનલ્ટીઝ ફોર એક્ટિવિટીઝ અફેક્ટિંગ ક્લીનલીનેસ એટ રેલ્વે પ્રિમિસિસ) રૂૂલ્સ, 2012’ માં સુધારો કરીને નવો દંડ અમલી બનાવવામાં આવ્યો છે. દેશભરના રેલ્વે નેટવર્ક પર સ્વચ્છતાના ધોરણો સુધારવા માટે રેલ્વે પ્રશાસન દ્વારા આ કડક પગલું ભરવામાં આવ્યું છે.
સામાન્ય રીતે લોકોને લાગે છે કે માત્ર પ્લાસ્ટિકની બોટલ કે કચરો ફેંકવા પર જ દંડ થાય છે, પરંતુ નવા નિયમ હેઠળ દંડનીય ગુનાઓની યાદી વ્યાપક બનાવવામાં આવી છે. જો તમે નિર્ધારિત ડસ્ટબિન સિવાય ગમે ત્યાં કચરો ફેંકશો, તો તમારી સામે સીધી કાર્યવાહી થઈ શકે છે. આ ઉપરાંત નીચે મુજબના કામો કરવા પર પણ ₹1,000 નો કડક દંડ થશે. જેમાં ટ્રેનના ડબ્બા, પ્લેટફોર્મ કે ટ્રેક પર પાન-ગુટખા ખાધેલી પિચકારી મારવી કે થૂંકવું. રેલ્વે પ્રિમાઇસમાં અનધિકૃત જગ્યાએ પેશાબ કરવો, શૌચક્રિયા કરવી કે નહાવું. સ્ટેશનના નળ કે પ્લેટફોર્મ પર વાસણ કે કપડાં ધોવાની મનાઈ છે.
પરવાનગી વગર રાંધવું કે રેલ્વેની જગ્યામાં ગેરકાયદેસર રીતે સામાન રાખવો. પ્લેટફોર્મ કે ટ્રેકની આસપાસ પ્રાણીઓ કે પક્ષીઓને ચણ કે ખોરાક આપવો. રેલ્વેની મિલકત પર કંઈપણ લખવું, નારા લખવા કે પરવાનગી વગર પોસ્ટરો ચોંટાડવા વગેરેનો સમાવેશ થાય છે. આ નવા સુધારેલા નિયમમાં માત્ર સ્થળ પર દંડ વસૂલવા સુધીની વાત સીમિત નથી. જો કોઈ મુસાફર કે વ્યક્તિ સ્થળ પર ₹1,000 નો દંડ ભરવાનો ઇનકાર કરે છે અથવા સક્ષમ અધિકારી સાથે ઘર્ષણમાં ઉતરે છે, તો તેને અધિકૃત રેલ્વે કોર્ટ સામે રજૂ કરવામાં આવશે. ન્યાયાલય તે વ્યક્તિ સામે કાનૂની કાર્યવાહી કરીને ₹2,000 સુધીનો નવો દંડ ફટકારી શકે છે. આ જ કારણ છે કે રેલ્વે પ્રશાસન મુસાફરોને નિયમોનું પાલન કરવાની અને સંમતિથી દંડ ભરીને બાબત પૂરી કરવાની સલાહ આપી રહ્યું છે.
મુસાફરો જ નહીં, ફેરિયાઓ અને વેન્ડર્સ માટે પણ કડક નિયમો
રેલ્વેએ સ્પષ્ટ કર્યું છે કે આ સુધારેલા નિયમો માત્ર સામાન્ય મુસાફરો કે મુલાકાતીઓ પુરતા મર્યાદિત નથી. સ્ટેશનો અને ટ્રેનોમાં કામ કરતા અધિકૃત ફેરિયાઓ, કેન્ટીન સંચાલકો અને હોકર્સ માટે પણ આ નિયમ એટલો જ લાગુ પડે છે. તમામ વેન્ડર્સે પોતાના સ્ટોલ કે ટ્રોલી પાસે કચરાપેટી રાખવી ફરજિયાત રહેશે. વેન્ડર્સ જો કચરો ખુલ્લામાં ફેંકશે કે પોતાની આસપાસ સફાઈ નહીં રાખે, તો તેમની સામે પણ ₹1,000 નો દંડ અને લાયસન્સ રદ કરવા સુધીની કાર્યવાહી થઈ શકે છે.
