સગીરા મોબાઇલ વાપરતી ન હોવા છતાં ગાંધીગ્રામ પોલીસે ગુનાનો ભેદ 24 કલાકમાં ઉકેલ્યો : પ્રેમી અને મદદગારી કરનાર મિત્રની ધરપકડ
રાજકોટ શહેરમા માધાપર ચોકડી પાસે રહેતી એક સગીરા તેમની માતાને મજા નથી કહી ખાણીપીણીની લારીએથી ઘરે ગયા બાદ અચાનક લાપતા બનતા પરીવારજનો તેમને શોધવા માટે બેબાકળા થયા હતા. ત્યારબાદ કયાય ન મળતા અંતે ગાંધીગ્રામ પોલીસ મથકમા અપહરણ અંગેની ફરીયાદ નોંધાવી હતી. આ ઘટનામા ગાંધીગ્રામ પોલીસે ભેદ ઉકેલી લીધો છે અને અગાઉ પોકસોનો ગુનો દાખલ કર્યો હતો તે જ આરોપી ફરી સગીરાને ભગાડી ગયો હતો અને તેમની મદદગારી કરનાર શખ્સની પણ પોલીસે ધરપકડ કરી છે.
વધુ વિગતો મુજબ ચારેક દિવસ પહેલા માધાપર ચોકડી પાસે એપાર્ટમેન્ટમા રહેતા અને ખાણીપીણીની લારી ચલાવતા મહીલાએ તેમની સગીર વયની દીકરી જે ધો. 10 નો અભ્યાસ કરે છે તેમને કમળાની બીમારી થઇ હતી. તે લારીએથી તબીયત સારી નથી તેવુ કહી ઘરે ગયા બાદ પરીવાર ઘરે પહોંચતા તેમની દીકરી ત્યા જોવા મળી ન હતી અને તેમનો સામાન પણ ફલેટમા જોવા મળ્યો ન હતો જેથી તેઓએ ગાંધીગ્રામ પોલીસ મથકમા ફરીયાદ નોંધાવી હતી. આ ઘટનામા પીઆઇ એસ. આર. મેઘાણીની રાહબરીમા તપાસ ચાલી રહી હતી એ સમયે ડી સ્ટાફનાં હેડ કોન્સટેબલ મશરીભાઇ ભેટારીયા , મુકેશભાઇ સબાડ અને પ્રદીપભાઇ ડાંગરને મળેલી બાતમીનાં આધારે કુવાડવા રોડ પરથી સગીરાનો પ્રેમી મહાવિરસિંહ ઉર્ફે હકો ભુપેન્દ્રસિંહ વાઘેલા (રહે પીપળીધામ પાટડી, સુરેન્દ્રનગર ) અને મદદગારી કરનાર અમન બનારસભાઇ ગુપ્તા (રહે સંતકબીર રોડ ભગીરથ સોસાયટી ) ને ઝડપી લેવામા આવ્યા હતા આ ઘટનામા પોલીસમાથી માહીતી મળી હતી કે મશરીભાઇ ભેટારીયા અને તેમની ટીમ દ્વારા તપાસ કરતા જાણવા મળ્યુ કે સગીરા મોબાઇલ વાપરતી ન હોય જેથી આ ઘટનાનો ભેદ ઉકેલવો એક પડકાર રૂપ હતો પરંતુ મશરીભાઇ અને તેમની ટીમ દ્વારા સૌ પ્રથમ માધાપર ચોકડી પાસેનાં સીસીટીવી ફુટેજ તપાસતા સગીરાનાં ફુટેજ મળી આવ્યા હતા અને આ સગીરા જે રીક્ષામા બેસી ગ્રીન લેન્ડ ચોકડી સુધી પહોંચી તે રીક્ષાનાં ચાલકનો સંપર્ક કરવામા આવ્યો હતો અને રીક્ષા ચાલકની પુછપરછમા અને સગીરાનો ફોટો બતાવતા તેમણે સગીરાને ઓળખી બતાવી હતી અને તેમણે કહયુ હતુ કે આ સગીરાએ તેમના મોબાઇલમાથી અમન નામનાં વ્યકિતને કોલ કર્યો હતો. ત્યારબાદ પોલીસે ગ્રીનલેન્ડ ચોકડી પહોંચી અમદાવાદ પાટે ચાલતા 100 થી વધુ ખાનગી વાહન ચાલકોનાં ગ્રુપમા સગીરાનો ફોટો બ્રોડ કાસ્ટ કરતા એક વ્યકિતએ સગીરાને ઓળખી બતાવી હતી અને અમનને ઉઠાવી લઇ પુછપરછ કરતા સગીરા કુવાડવા નજીક તેમનાં માસીના ઘરે છે અને તે મહાવીરસિંહનાં કહેવાથી આમ કર્યુ છે જેથી પોલીસે અમન અને મહાવીરસિંહ ઉર્ફે હકાને ઉઠાવી લઇ અપહરણનાં ગુનાનો ભેદ ઉકેલી કાઢયો હતો. આ અંગે પોલીસે જણાવ્યુ હતુ કે અગાઉ મહાવીરસિંહએ સગીરાનાં ઘરમા ઘુસી ચેનચાળા કર્યા હતા. એ અંગે મહાવીરસિંહને સ્થાનીકોએ પકડી લીધો હતો અને પોલીસને સોપ્યો હતો ત્યારે તેમના વિરુધ્ધ પોકસોની કલમ હેઠળ ગુનો નોંધાયો હતો અને તેને જેલ ભેગો કરવામા આવ્યો હતો. મહાવીરસિંહ એક મહીના પહેલા જેલમાથી છુટી ફરી આ સગીરાને ઉઠાવી ગયો હતો.
પીપળીધામ ફરવા ગયા ત્યારે મહાવીરસિંહની ઓળખ થઇ હતી
સગીરાનો પરીવાર પીપળીધામ ફરવા ગયો ત્યારે ત્યા રર વર્ષનાં આ મહાવીરસિંહ સાથે ઓળખ થઇ હતી અને સગીરા તેમજ મહાવીરસિંહ બંને ઇન્સ્ટાગ્રામ પર વાતચીત કરતા હતા અને ઓકટોબર મહીનામા એક દિવસ મહાવીરસિંહ સગીરાનાં ઘરે પહોંચ્યો હતો અને ત્યા બાળા સાથે ખરાબ હરકત કરતા પકડાય ગયો હતો. આ સમયે તેમનાં વિરુધ્ધ પોકસોનો ગુનો નોંધવામા આવતા તેને જેલ ભેગો કરવામા આવ્યો હતો અને ફરી જેલમાથી છુટી આરોપી મહાવીરસિંહે આ સગીરાને ભગાડી હતી.
