ખંભાળિયા – દ્વારકા ધોરીમાર્ગ પર અત્રેથી આશરે 10 કિલોમીટર દૂર સામોર ગામના પાટીયા પાસેથી રવિવારે રાત્રિના આશરે નવેક વાગ્યાના સમયે પૂરઝડપે અને બેફિકરાઈપૂર્વક જઈ રહેલા એક અજાણ્યા વાહનના ચાલકે આ માર્ગ પર જઈ રહેલા હરીશભાઈ સોલંકી નામના પ્રૌઢને રોડ ક્રોસ કરતી વખતે અડફેટે લેતા તેમને માથાના ભાગે તથા શરીરના અન્ય ભાગોમાં ગંભીર ઇજાઓ સાથે ઈમરજન્સી 108 એમ્બ્યુલન્સ મારફતે તેમને અહીંની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. જ્યાં સારવાર દરમિયાન તેમનું મૃત્યુ નિપજ્યું હતું.
અજાણ્યો વાહન ચાલક આ અકસ્માત સર્જીને દ્વારકા તરફ નાસી છૂટ્યો હતો. આ સમગ્ર બનાવ અંગે મૃતકના ભત્રીજા વાઘાભાઈ નવીનભાઈ સોલંકી (ઉ.વ. 26 રહે. જામનગર)ની ફરિયાદ પરથી ખંભાળિયા પોલીસે અજાણ્યા વાહનના ચાલક સામે જુદી જુદી કલમ હેઠળ ગુનો નોંધી, આગળની તપાસ અહીંના પી.એસ.આઈ. એસ.ઓ. સાંધ દ્વારા હાથ ધરવામાં આવી છે.
મીઠાપુરમાંથી વૃદ્ધનો મૃતદેહ મળ્યો
મીઠાપુરથી આશરે 9 કિલોમીટર દૂર મોજપ ગામના એક પેટ્રોલ પંપ પાસેથી ગઈકાલે સોમવારે આશરે 65 વર્ષના માનસિક રીતે અસ્વસ્થ મગજના વૃદ્ધનો મૃતદેહ મળી આવ્યો હતો. જે અંગે સ્થાનિક રહીશે પોલીસને જાણ કરતા મીઠાપુર પોલીસે આગળની કાર્યવાહી હાથ ધરી હતી.
