અંજારના પડાણા ગામે રહેતો યુવાન 12 દિવસ પૂર્વે પીકઅપમાં બેસી જઈ રહ્યો હતો ત્યારે વરસાણા ચોકડી પાસે અજાણ્યા વાહન ચાલકે પીકઅપને ઠોકરે ચડાવતાં અકસ્માત સર્જાયો હતો. અકસ્માતમાં ઘવાયેલા પીકઅપમાં બેઠેલા મુસાફર યુવાને સારવારમાં દમ તોડતાં પરિવારમાં શોકની લાગણી પ્રસરી છે.
આ બનાવ અંગે પોલીસમાંથી જાણવા મળતી વિગત મુજબ, અંજારના પડાણા ગામે રહેતા જયદેવ કિશનભાઈ રજવાર નામનો 30 વર્ષનો યુવાન ગત તા.3નાં રોજ સાંજના સાતેક વાગ્યાના અરસામાં પીકઅપમાં બેસી જઈ રહ્યો હતો ત્યારે વરસાણા ચોકડી પાસે અજાણ્યા વાહન ચાલકે પીકઅપને ઠોકરે ચડાવતાં અકસ્માત સર્જાયો હતો. હિટ એન્ડ રનની ઘટનામાં ગંભીર રીતે ઘવાયેલા પીકઅપમાં બેઠેલા મુસાફર જયદેવ રજવારે રાજકોટ સિવિલ હોસ્પિટલમાં સારવાર દરમિયાન દમ તોડતાં પરિવાર શોકમાં ગરકાવ થઈ ગયો હતો.
આ ઉપરાંત બીજા બનાવમાં રાજકોટ-ચોટીલા વચ્ચે આવેલો વાંકાનેર બાઉન્ટ્રી નજીક અકસ્માત સબબ ઈજાગ્રસ્ત હાલતમાં મળેલા લેરસિંગ નામના 15 વર્ષના સગીરને સારવાર માટે રાજકોટ સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યો હતો. જ્યાં તેની સારવાર કારગત નિવડે તે પૂર્વે જ મોત નિપજયું હતું. ઉપરોકત બનાવ અંગે પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.
