સરકારી જમીન ઉપર પાર્ટી પ્લોટ ખડકી દીધો

મામલતદારે નોટિસ આપી તો માત્ર દિવાલ હટાવી, માલિક સામે લેન્ડગ્રેબીંગનો ગુનો નોંધાયો શહેરની ભાગોળે મવડી વિસ્તારમાં આવેલા સરકારી ખરાબાની જમીન ઉપર બારોબાર પાર્ટી પ્લોટ ખડકી…

મામલતદારે નોટિસ આપી તો માત્ર દિવાલ હટાવી, માલિક સામે લેન્ડગ્રેબીંગનો ગુનો નોંધાયો

શહેરની ભાગોળે મવડી વિસ્તારમાં આવેલા સરકારી ખરાબાની જમીન ઉપર બારોબાર પાર્ટી પ્લોટ ખડકી દીધો હતો. જે તંત્રનાં ધ્યાને આવતાં અગાઉ પાર્ટી પ્લોટના માલીકને દબાણ દૂર કરવા નોટિસ આપી હતી. આમ છતાં તેણે માત્ર દિવાલ જ હટાવી હોય જેથી દક્ષિણ મામલતદાર દ્વારા પાર્ટી પ્લોટના માલીક સામે લેન્ડગ્રેબીંગ હેઠળ ફરિયાદ કરવામાં આવતાં પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે. પાર્ટી પ્લોટનાં માલીક દ્વારા સરકારી જમીન ઉપર પાર્ટી પ્લોટ, પાર્કીંગ, પાણીનો ટાંકો અને ઈલેકટ્રીક રૂમ જેવું બાંધકામ ખડકી દેવામાં આવ્યું હતું.

જાણવા મળતી વિગત મુજબ, ગોંડલ રોડ પર પી.ડી.માલવીયા કોલેજ પાસે આવેલી દક્ષિણ મામલતદાર કચેરીના મામલતદાર રાજેન્દ્રસિંહ કનકસિંહ સરવૈયાએ તાલુકા પોલીસ મથકમાં નોંધાવેલી ફરિયાદમાં આરોપી તરીકે મવડી વિસ્તારમાં રેવન્યુ સર્વે નં.194 પૈકીની સરકારી ખરાબાની જમીનમાં સિટી લાઈટ પાર્ટી પ્લોટ ધરાવતાં ગોરધનભાઈ ઉકાભાઈ મેઘાણીનું નામ આપવામાં આવ્યું છે. ફરિયાદમાં જણાવ્યા મુજબ આરોપીએ આ સરકારી જમીન પર વ્યાવસાયિક હેતુ માટે ’સીટી લાઈટ પાર્ટી પ્લોટ’ બનાવી, ત્યાં ફોલ્ડિંગ દીવાલ, ઓફિસ, પાણીનો ટાંકો અને ઇલેક્ટ્રિક રૂૂમ જેવું પાકું બાંધકામ ખડકી દીધું હતું. આ સ્થળનો ઉપયોગ તે પોતે કરતો હતો અને અન્ય લોકોને પણ ઉપયોગ કરવાની પરવાનગી આપી આર્થિક લાભ મેળવી રહ્યો હોવાનું તપાસમાં બહાર આવ્યું છે.

આ મામલે વહીવટી તંત્ર દ્વારા લાંબા સમયથી પ્રક્રિયા ચાલી રહી હતી. અગાઉ તત્કાલીન મામલતદાર દ્વારા જમીન મહેસુલ કાયદાની કલમ 61 હેઠળ કેસ દાખલ કરવામાં આવ્યો હતો, જેમાં આરોપીના પુત્ર હિતેશભાઈએ સપ્ટેમ્બર 2024માં સ્વૈચ્છાએ દબાણ દૂર કરવાની બાહેધરી આપી હતી. જોકે, તલાટીના અહેવાલ મુજબ માત્ર ફેન્સિંગ દૂર કરી બાકીનું દબાણ યથાવત રાખવામાં આવ્યું હતું. ત્યારબાદ તંત્ર દ્વારા ઓક્ટોબર 2024 થી જાન્યુઆરી 2026 સુધીમાં કલમ 202 હેઠળ પાંચથી વધુ વખત નોટિસો આપવા છતાં કબજેદારે જમીન ખાલી કરી નહોતી અને વ્યવસાય ચાલુ રાખ્યો હતો.

અંતે આ મામલો જિલ્લા કલેક્ટરની લેન્ડ ગ્રેબિંગ સમિતિ સમક્ષ રજૂ કરવામાં આવ્યો હતો. તારીખ 18 ફેબ્રુઆરી 2026 ના રોજ પ્રાંત અધિકારીના અહેવાલ બાદ સમિતિની બેઠકમાં લેવાયેલા નિર્ણય મુજબ, આરોપી વિરુદ્ધ ગુજરાત જમીન પચાવી પાડવા પર (પ્રતિબંધ) અધિનિયમ 2020 ની કલમ 4(3) અને 5(ગ) હેઠળ ફરિયાદ દાખલ કરવાનો આદેશ અપાયો હતો. રાજકોટ શહેર દક્ષિણના મામલતદાર રાજેન્દ્રસિંહ કનકસિંહ સરવૈયાએ સરકાર પક્ષે આ ફરિયાદ નોધાવતા તાલુકા પોલીસે લેન્ડગ્રેબીન હેઠળ ગુનો નોંધી ડીવાયએસપી વી.બી.જાડેજાએ વધુ તપાસ હાથ ધરી હતી.

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *