વૃધ્ધાને સારવાર અર્થે સિવિલમાં ખસેડાયા
રાજકોટ શહેરમાં આપઘાતના પ્રયાસના બે અલગ-અલગ બનાવો પ્રકાશમાં આવ્યા છે, જેમાં એક વૃદ્ધા અને એક યુવકે અગમ્ય કારણોસર ઝેરી પ્રવાહી પી લેતા તેમને ગંભીર હાલતમાં સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા છે.પ્રથમ બનાવની વિગત મુજબ, શહેરના નવા થોરાડા વિસ્તારમાં રહેતા 59 વર્ષીય કંચનબેન મનસુખભાઈ વાઘેલાએ ગત રાત્રિના આશરે 9:00 વાગ્યાના અરસામાં પોતાના ઘરે ફિનાઇલ પી લીધું હતું. ઘટનાની જાણ થતા જ પરિવારજનો દ્વારા તેમને તાત્કાલિક સારવાર અર્થે સિવિલ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા.
સૂત્રો દ્વારા મળતી માહિતી મુજબ,કંચનબેનને સંતાનમાં એક દીકરો અને ચાર દીકરીઓ છે,જ્યારે તેમના પતિ હયાત નથી.પ્રાથમિક પૂછપરછમાં જાણવા મળ્યું છે કે, તેમની દીકરીએ પોતાની મરજીથી પ્રેમલગ્ન કરી લીધા હોય,જે બાબતનું કંચનબેનને મનમાં અતિશય લાગી આવ્યું હતું અને તે આઘાતમાં તેમણે આ આત્મઘાતી પગલું ભર્યું હોવાનું બહાર આવ્યું છે.
બીજા બનાવમાં, રાજકોટ જિલ્લાના બામણબોર ગામના રહેવાસી 35 વર્ષીય હકાભાઈ ચનાભાઈ વાળા નામના યુવકે પણ ઝેરી દવા પીને જીવન ટૂંકાવવાનો પ્રયાસ કર્યો છે. આ ઘટના નવાગામ પાસે આવેલી તેમની પોતાની વાડીએ બપોરના આશરે 3:30 વાગ્યાના સુમારે બની હતી.હકાભાઈ ખેતીમજૂરીનું કામ કરે છે અને બે ભાઈઓમાં નાના છે. તેઓ પરિણીત છે અને સુખી પરિવાર ધરાવે છે, પરંતુ છેલ્લા કેટલાક સમયથી તેઓ માનસિક બીમારીથી પીડાતા હોવાનું પરિવારજનો દ્વારા જણાવાયું છે. માનસિક અસ્વસ્થતાના કારણે કંટાળી જઈને તેમણે વાડીએ જંતુનાશક દવા પી લીધી હતી. તેમને તાત્કાલિક સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા જ્યાં તેમની સારવાર ચાલી રહી છે.
