હાપામાં પુત્રના પ્રેમપ્રકરણમાં માતા-પિતા ઉપર પ્રેમિકાના પરિવારજનોનો હુમલો

જામનગરના હાપા એલગન સોસાયટી વિસ્તારમાં એક યુવાનને પારકી પરણિતા સાથે પ્રેમ સંબંધ રાખવો ભારે પડ્યો છે. પ્રેમિકાના પતિ સહિત ચાર શખ્સોએ યુવાનના ઘરે ધસી આવી…

જામનગરના હાપા એલગન સોસાયટી વિસ્તારમાં એક યુવાનને પારકી પરણિતા સાથે પ્રેમ સંબંધ રાખવો ભારે પડ્યો છે. પ્રેમિકાના પતિ સહિત ચાર શખ્સોએ યુવાનના ઘરે ધસી આવી લાકડાના ધોકા વડે હુમલો કરી યુવાન તેમજ તેના માતા-પિતાને ઇજાગ્રસ્ત કર્યા હતા. સમગ્ર બનાવ મામલે પંચકોશી એ ડિવિઝન પોલીસમાં ગુનો નોંધાયો છે. પ્રાપ્ત વિગતો મુજબ, પંચકોશી એ ડિવિઝન પોલીસ સ્ટેશનમાં બીએનએસ કલમ 115(2), 296(બી), 351(3), 329(3), 54 તથા જી.પી. એક્ટ કલમ 135(1) મુજબ ગુનો નોંધવામાં આવ્યો છે.

ફરિયાદી અનિલભાઈ ભીખાભાઈ મેરાણી (ઉ.વ. 51), રહે. હાપા એલગન સોસાયટી, જામનગરએ નોંધાવેલી ફરિયાદ મુજબ, તેમના દીકરા અમિતને નવાગામ ઘેડ વિસ્તારમાં રહેતા વિજય રાઠોડની પત્ની સાથે પ્રેમ સંબંધ હતો. જે બાબતનો ખાર રાખી આરોપીઓએ હુમલો કર્યો હતો. બનાવ સમયે ફરિયાદી, તેમની પત્ની રીટાબેન તથા દીકરો અમિત ઘરે રાત્રિભોજન લઈ રહ્યા હતા.

ત્યારે આરોપીઓ વિજયભાઈ વેલાભાઈ રાઠોડ, યોગેશ પ્રેમજીભાઈ રાઠોડ, દિપક સામતભાઈ રાઠોડ અને ધર્મેન્દ્ર કિશોરભાઈ ડાભી રહે. બધા નવાગામ ઘેડ હનુમાન ચોક, જામનગર વાળા લાકડાના ધોકા લઈને ઘરમાં ધસી આવ્યા હતા. આરોપીઓએ અમિતને ઢસડીને ઘરની બહાર ખેંચી લઈ જઈ આડેધડ ધોકા વડે માર માર્યો હતો. પુત્રને બચાવવા વચ્ચે પડેલા અનિલભાઈ તથા તેમની પત્ની રીટાબેનને પણ આરોપીઓએ ધોકા વડે માર માર્યો હતો.

હુમલામાં અમિતને હાથ-પગ, વાંસા તેમજ ડાબી આંખના ભાગે ઇજાઓ પહોંચી હતી. આ ઉપરાંત આરોપીઓએ ગાળો બોલી જાનથી મારી નાખવાની ધમકીઓ પણ આપી હતી. સમગ્ર બનાવ અંગે પંચકોશી એ ડિવિઝન પોલીસે ચારેય આરોપીઓ સામે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

રિક્ષા ચાલકના પિતાનો આપઘાત
જામનગર શહેરમાં એક કરુણ બનાવ સામે આવ્યો છે. શહેરમાં રિક્ષા ચલાવી પરિવારનું ગુજરાન ચલાવતા જાવેદ મોહંમદભાઈ કોરેજા ના પિતા મોહંમદ હુસૈન હાજીભાઈ કોરેજા (ઉંમર વર્ષ 48) દ્વારા કોઈ અગમ્ય કારણસર ઝેરી દવા પી આત્મહત્યાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો. ગંભીર હાલતમાં તેમને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા, જ્યાં સારવાર દરમિયાન તેમનું મોત નિપજ્યું હતું.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *