શહેરમાં સામાન્ય બોલાચાલીમાં હિંસક હુમલાની ઘટનાઓ વધી રહી છે, ત્યારે યુનિવર્સિટી રોડ પર આવેલી એક પાનની દુકાનના વેપારી પર પડોશી દુકાનદાર અને તેના સાળાએ હુમલો કરી માર માર્યો હોવાની ઘટના સામે આવી છે. ગ્રાહકને અન્ય દુકાને મોકલવા જેવી નજીવી બાબતે ઉશ્કેરાયેલા હુમલાખોરોએ વેપારીને ગાળો ભાંડી, ફાકી બનાવવાના મશીન વડે હુમલો કરી ઓટામાં તોડફોડ કરી હતી.
વિમલનગર ચોક પાસે શિવધામ સોસાયટીમાં રહેતા અને તીર્થરાજ એપાર્ટમેન્ટમાં જી પટેલ પાન નામની દુકાન ધરાવતા ભાવિનભાઈ મનસુખભાઈ વાછાણી (ઉ.વ. 40) એ ગાંધીગ્રામ-2 (યુનિવર્સિટી) પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી છે. ફરિયાદ મુજબ, ગત તા. 14/03/2026ના રોજ સાંજે જ્યારે ભાવિનભાઈ પોતાની દુકાને હતા, ત્યારે બે અજાણ્યા વ્યક્તિઓ ચાવી બનાવવા માટે પડોશની દુકાન વિશે પૂછવા આવ્યા હતા. પડોશની દુકાન બંધ હોવાથી ભાવિનભાઈએ માનવતાના ધોરણે તેમને બાજુના બિલ્ડિંગમાં અન્ય એક ચાવીવાળા પાસે મોકલ્યા હતા.
આ બાબતની જાણ પડોશી દુકાનદાર ધીરુભાઈને થતા તેઓ ઉશ્કેરાઈ ગયા હતા. થોડીવારમાં ધીરુભાઈ અને તેમનો સાળો તિલક બંને ભાવિનભાઈની દુકાને ધસી આવ્યા હતા. “તમે મારા ગ્રાહકોને બીજે કેમ મોકલો છો?” તેમ કહી ઝઘડો શરૂૂ કર્યો હતો. ભાવિનભાઈએ સમજાવવાનો પ્રયત્ન કર્યો હોવા છતાં બંને શખ્સોએ બેફામ ગાળાગાળી શરૂૂ કરી હતી.ઉશ્કેરાયેલા તિલકે દુકાન પાસે પડેલું પ્લાસ્ટિકનું ટેબલ ભાવિનભાઈ પર ફેંક્યું હતું અને ત્યારબાદ બંને શખ્સો દુકાનના ઓટા પર ચડી ગયા હતા. હુમલાખોરોએ ભાવિનભાઈને ઢીકાપાટુનો માર માર્યો હતો અને દુકાનમાં રહેલું ફાકી બનાવવાનું મશીન ઉપાડીને ભાવિનભાઈ પર છૂટું માર્યું હતું. આ હુમલામાં મશીન વાગવાથી દુકાનનો ઓટો પણ તૂટી ગયો હતો.
હુમલો કર્યા બાદ બંને શખ્સોએ જતાં-જતાં ધમકી આપી હતી કે, “અમારે ભલે દુકાન મૂકીને જવું પડે, પણ તારી જિંદગી અમે બગાડી નાખીશું.” આ ઘટના બાદ ભાવિનભાઈએ તાત્કાલિક પોલીસને જાણ કરી હતી અને બીજા દિવસે સિવિલ હોસ્પિટલ ખાતે સારવાર લઈ મેડિકલ રિપોર્ટ મેળવ્યો હતો.ભાવિનભાઈએ તેમના ભાઈ હાર્દિકભાઈ અને પિતા મનસુખભાઈ સાથે પોલીસ સ્ટેશન પહોંચી ધીરુભાઈ અને તિલક વિરુદ્ધ કાયદેસરની ફરિયાદ નોંધાવી છે. પોલીસે આ મામલે ગુનો નોંધી આગળની તપાસ હાથ ધરી છે.
