જામનગર જિલ્લામાં વર્તમાન ચોમાસામાં થયેલ નહિવત વરસાદને પગલે ઉદ્ભવેલી પરિસ્થિતિને પહોંચી વળવા અને જરૂૂરી આનુસંગિક વ્યવસ્થાઓ ગોઠવવા માટે સાંસદ પૂનમબેન માડમના અધ્યક્ષસ્થાને કલેક્ટર કચેરી જામનગર ખાતે સમીક્ષા બેઠક યોજવામાં આવી હતી.
આ બેઠકમાં સાંસદએ જિલ્લાના તમામ તાલુકાવાર વરસાદના આંકડા, પીવાના તથા સિંચાઈના પાણીની ઉપલબ્ધતા અને આગામી સમયના આયોજનની વિસ્તૃત સમીક્ષા કરી હતી. ખાસ કરીને પશુઓ માટે ઘાસચારાની સુચારુ વ્યવસ્થા, જિલ્લામાં ઉપલબ્ધ ઘાસ ડેપોની સંખ્યા અને વિતરણ પ્રક્રિયા અંગે ગંભીરતાપૂર્વક ચર્ચા કરવામાં આવી હતી.
જિલ્લામાં જળ વ્યવસ્થાપન સુદ્રઢ બનાવવા અંગે દિશાસૂચન આપતા સાંસદએ જણાવ્યુ હતું કે, દરેક ઘરને પૂરતા પ્રમાણમાં પાણી મળી રહે તે તંત્રની પ્રાથમિકતા હોવી જોઈએ. આ માટે પાણી ચોરી અટકાવવા, ક્ષતિગ્રસ્ત પાઇપલાઇન તથા તેને સંલગ્ન યાંત્રિક સાધનોનું સત્વરે રીપેરિંગ કામ હાથ ધરવા અને જળ વ્યવસ્થાપન સાથે જોડાયેલી કચેરીઓમાં જરૂૂરિયાત મુજબ સ્ટાફની ફાળવણી કરવા ચર્ચા કરાઇ હતી. આ ઉપરાંત, જળાશયોમાંથી જ્યારે પાણી છોડવામાં આવે ત્યારે તેની ગ્રામજનો અને ખેડૂતોને અગાઉથી જાણ કરીને જ યોગ્ય વિતરણ આયોજન અમલી બનાવવાની તાકીદ કરવામાં આવી હતી.
આ સમીક્ષા બેઠકમાં જિલ્લા પંચાયત પ્રમુખ રંજનબેન જીવાણી, મેયર મોનિકાબેન વ્યાસ, ધારાસભ્ય મેઘજીભાઈ ચાવડા, ધારાસભ્ય દિવ્યેશભાઈ અકબરી, ડેપ્યુટી મેયર રાકેશભાઈ ડેર, સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન ધીરેનભાઈ મોનાણી, જિલ્લા કલેક્ટર પી.બી.પંડ્યા, જિલ્લા વિકાસ અધિકારી નિશા, સિંચાઈ વિભાગ સૌરાષ્ટ્ર ઝોનના મુખ્ય ઈજનેર અને અધિક સચિવ એસ.જી.પંડ્યા, નિવાસી અધિક કલેક્ટર વિમલ ચૌધરી, અગ્રણી બીનાબેન કોઠારી, ડો.વિનુભાઈ ભંડેરી, તાલુકા પંચાયત તથા નગરપાલિકાના પ્રમુખઓ, ઉપપ્રમુખો તેમજ મહાનગરપાલિકા અને જિલ્લા પંચાયતના સભ્યો અને સંબંધિત વિભાગના અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.
