પ્રેમસંબંધની જાણ થઇ જવાના ડરે આચર્યો ખોફનાક હત્યાકાંડ
લોખંડના સળિયાના ઘા ઝીંકી મોતને ઘાટ ઉતાર્યા બાદ લાશના ટૂકડા કર્યા
કચ્છના અંજારમાં ભેદી સંજોગોમાં ગુમ થયેલા 43 વર્ષીય વ્યક્તિની હત્યા કર્યા બાદ તેના મૃતદેહના બે ટુકડા કરી અલગ-અલગ પ્લાસ્ટિકના કોથળામાં ભરી તળાવમાં ફેંકી દેવાયો હતો. આ કેસમાં પોલીસે ઘાતકી હત્યાનો ભેદ ઉકેલી આરોપીની ધરપકડ કરી છે. પોલીસ તપાસમાં હત્યારો આરોપી મૃતકની પત્નીનો પ્રેમી હોવાનું જણાયું હતું. આરોપીના આડા સંબંધની પ્રેમિકાના પતિને જાણ થતાં મોતના ડરે તેણે હત્યાને અંજામ આપ્યું હતું.
મળતી માહિતી મુજબ, અંજારમાં લખ્ખુ હુંબલ હત્યા કેસની પોલીસ તપાસમાં ચોંકાવનારી વિગતો બહાર આવી છે. જેમાં લખ્ખુને મોતને ઘાટ પહોંચાડનાર દિનેશ રાયધણ ઠાકોર નામના શખસની પોલીસે ધરપકડ કરીને વધુ પૂછપરછ કરી હતી. આરોપીની પોલીસ પૂછપરછમાં જાણવા મળ્યું હતું કે, મૃતક લખ્ખુને તેનો દીકરો ખેતરે મૂકી ગયા બાદ આરોપી દિનેશે લખ્ખુને તેના ઘરે બોલાવ્યો હતો. આ દરમિયાન આરોપી દિનેશે લખ્ખુને માથા અને શરીરના અન્ય ભાગોમાં લોખંડના સળિયાના ઘા મારીને મોતને ઘાટ ઉતારી દીધો હતો. ઘટનાને અંજામ આપ્યા બાદ મૃતદેહને ઠેકાણે પાડવા આરોપીએ તળાવમાં નાખવાનું નક્કી કર્યું હતું. જો કે, મૃતકને ઉંચકી ન શકતાં આરોપીએ મૃતદેહના ટુકડા કર્યા બાદ પ્લાસ્ટિકના થેલામાં નાખીને પછી તળાવમાં ફેંકી આવ્યો હતો.
પોલીસ તપાસ અનુસાર, મૂળ રાપર તાલુકાના પલાંસવા ગામનો વતની આરોપી દિનેશ ઠાકોર અને મૃતકની પત્નીને છેલ્લા દોઢ વર્ષથી આડા સંબંધો હતા. જેના કારણે મૃતક અને તેની પત્ની વચ્ચે ઘરકંકાસ થતો હતો ત્યારે પત્ની અલગથી રહેવા જતી રહી હતી. જો કે, પરિવારની સમજાવટ બાદ તે લખ્ખુની સાથે રહેવા આવી ગઈ હતી. હત્યાના બનાવ મામલે પોલીસે આરોપી દિનેશ ઠાકોરની ધરપકડ કરીને આગળની કાર્યવાહી હાથ ધરી છે.
મળતી માહિતી અનુસાર, અંજારના વરસામેડી વિસ્તારમાં આવેલી સરદાર આવાસ સોસાયટીમાં રહેતા 43 વર્ષીય લખ્ખુ હુંબલ 31મી ઓગસ્ટની રાત્રિ બાદ રહસ્યમય રીતે ગુમ થઈ ગયા હતા. તેના પુત્ર રવિએ પિતાને 31મી ઓગસ્ટની રાત્રે આશરે 10 વાગ્યે વરસામેડી ટોલનાકા નજીક ગણેશ મંદિર પાછળ આવેલા ખેતરમાં રખોપા માટે મૂક્યા હતા. બીજા દિવસે બપોર સુધી લખ્ખુ ઘરે પરત ન ફરતાં પરિવારજનોએ તેની શોધખોળ શરૂૂ કરી હતી. આ દરમિયાન તેનો મોબાઇલ ફોન નર્મદા પમ્પિંગ સ્ટેશન નજીક બિનવારસી હાલતમાં મળી આવ્યો હતો. ત્યારબાદ પહેલી સપ્ટેમ્બરની સાંજે પરિવાર દ્વારા અંજાર પોલીસ સ્ટેશનમાં તેમની ગુમ થયાની નોંધ કરાવવામાં આવી હતી.
