ઈરાનમાં વધતી અનિશ્ચિત પરિસ્થિતિ વચ્ચે ભારતીય દૂતાવાસે નાગરિકોની સલામતી માટે તાત્કાલિક એડવાઈઝરી જાહેર કરી છે. ઈરાનમાં રહેતા ભારતીય નાગરિકોને શક્ય તેટલી વહેલી તકે દેશ છોડી દેવાની સલાહ આપવામાં આવી છે. વધુમાં, દૂતાવાસે કટોકટી સહાય અને સંકલન માટે હેલ્પલાઇન નંબરો જાહેર કર્યા છે.
ભારતીય દૂતાવાસે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ‘X’ પર આ એડવાઇઝરી પોસ્ટ કરી છે. તેમાં જણાવાયું છે કે, ભારતીયો તેમને સૂચવવામાં આવેલા વિકલ્પોનો ઉપયોગ કરીને જ ઈરાનની બહાર નીકળે. દૂતાવાસે કડક શબ્દોમાં તાકીદ કરી છે કે દૂતાવાસ સાથે પરામર્શ કે સંકલન કર્યા વગર કોઈપણ આંતરરાષ્ટ્રીય જમીન સરહદ ઓળંગવાનો પ્રયાસ ન કરવો.
સુરક્ષા કારણોસર તમામ ગતિવિધિઓ દૂતાવાસના માર્ગદર્શન હેઠળ જ થવી જોઈએ. આ સાથે જ, આપત્તિના સમયમાં સહાય મેળવવા માટે દૂતાવાસે ઈમરજન્સી સંપર્ક વિગતો પણ જાહેર કરી છે. જાહેર કરાયેલા મોબાઈલ નંબરો છે: +98 912 810 9115, +98 912 810 9102, +98 912 810 9109, +98 993 217 9359. તેમજ ઈમેલ દ્વારા સંપર્ક કરવા માટે cons.tehran@mea.gov.in આઈડી ઉપલબ્ધ કરાવવામાં આવી છે. દૂતાવાસે નાગરિકોને કોઈપણ મુશ્કેલી સમયે તરત જ સંપર્ક કરવા અનુરોધ કર્યો છે.
