જૂનાગઢ નજીક કારે ઉડાવતા એક મિત્રનું મોત, બે ગંભીર

‘કલ કોઇ મુઝકો યાદ કરે’, ઇન્સ્ટામાં મુકેલું જિંદગીનું છેલ્લું સ્ટેટસ બન્યું… જૂનાગઢ-મેંદરડા હાઈવે પર એક કાળજું કંપાવી દેનારો અને અત્યંત કરૂણ અકસ્માત સર્જાયો હતો. એક…

‘કલ કોઇ મુઝકો યાદ કરે’, ઇન્સ્ટામાં મુકેલું જિંદગીનું છેલ્લું સ્ટેટસ બન્યું…

જૂનાગઢ-મેંદરડા હાઈવે પર એક કાળજું કંપાવી દેનારો અને અત્યંત કરૂણ અકસ્માત સર્જાયો હતો. એક જ બાઈક પર જતા ત્રણ મિત્રને સોનારડી ગામ પાસે કાર ચાલકે ભયાનક રીતે અડફેટે લીધા હતા. જેમાં યુવક સાગર નંદાણીયાનું કરૂણ મોત નિપજ્યું છે અને અન્ય બે મિત્રને ગંભીર ઈજા થઈ છે. ચોંકાવનારી વાત એ છે કે, મૃતક સાગરે અકસ્માતના કલાકો પહેલા ’કલ કોઈ મુજકો યાદ કરે, ક્યું કોઈ મુજકો યાદ કરે’ દર્દભર્યું ગીત તેના ઈન્સ્ટાગ્રામ આઈડીના સ્ટેટસમાં મૂક્યું હતું. જે તેની જિંદગીનું અંતિમ સ્ટેટસ બની ગયું. કરૂણતા તો એ પણ છે કે, છ મહિનાના પુત્રએ પણ પિતાની છત્રાછાયા ગુમાવી છે.

મૃતક સાગરને કદાચ કલ્પના પણ નહીં હોય કે તેણે પોતાના ઈન્સ્ટાગ્રામ આઈડી પર સ્ટેટ્સમાં મૂકેલા ગીતના શબ્દો જ તેની જિંદગીની વાસ્તવિકતા બની રહેશે. સાગરે તેના ઈન્સ્ટાગ્રામ સ્ટેટ્સમાં પ્રખ્યાત હિન્દી ફિલ્મનું એક દર્દભર્યું ગીત રાખ્યું હતું, જેના શબ્દો હતા, ‘કલ ઔર આયેંગે નગ્મોં કી, ખીલતી કલિયાં ચૂનને વાલે, કલ કોઈ મુજકો યાદ કરે, ક્યું કોઈ મુજકો યાદ કરે.

એટલું જ નહીં સાગરે સ્ટેટસમાં અંગ્રેજીમાં પણ એક વિચાર પણ રાખ્યો હતો કે ‘time’s song is a reminder that we all are just a small part of time’s endless story’. જે લાઈનનો ગુજરાતીમાં અર્થ થાય છે ’સમયનું સંગીત આપણને એ યાદ અપાવે છે કે આપણે બધા સમયની અનંત વાર્તાનો એક નાનો હિસ્સો છીએ’. આ શબ્દો જ સાગરની જિંદગીની અંતિમ સફરના શબ્દો સાબિત થયા હતા. મૃતક સાગર જૂનાગઢના મધુરમ વિસ્તારમાં પાનનો ગલ્લો ચલાવીને પોતાના પરિવારનું ગુજરાન ચલાવતો હતો. તેના મોતથી પરિવાર પર આભ ફાટી પડ્યું છે.

કરૂણતાની પરાકાષ્ઠા તો એ છે કે, માત્ર છ મહિનાના માસૂમ દીકરાએ પિતાની છત્રછાયા ગુમાવી દીધી છે. પરિવારજનોના આક્રંદથી હોસ્પિટલ અને મધુરમ વિસ્તારનું વાતાવરણ અત્યંત ગમગીન બની ગયું હતું. માસૂમ બાળક હજુ તો પિતાનો ચહેરો ઓળખતો થાય તે પહેલાં જ નિયતિએ તેની પરથી પિતાનો પ્રેમ છીનવી લીધો છે.
મોડી રાત્રે સોનારડી ગામ પાસે કાર ચાલકે બાઈક પર જતા ત્રણેય મિત્રને જોરદાર ટક્કર મારી દીધી હતી.

જેમાં 29 વર્ષીય સાગરનું ગંભીર ઈજાના કારણે મોત નિપજ્યું હતું. જ્યારે અમિત પરમાર અને દેવાંગ ભોજકને ઈજાગ્રસ્ત હાલતમાં હોસ્પિટલ ખસેડાયા હતા. દેવાંગ ભોજકનો પણ થોડા સમય પહેલા પણ બાઈક પર જતાં એક ગંભીર અકસ્માત થયો હતો. તે સમયની ગંભીર ઈજાની સારવાર બાદ તે થોડા દિવસો પહેલા જ ઘરની બહાર નીકળતો થયો હતો, ત્યાં ફરી એકવાર અકસ્માતથી સારવાર હેઠળ છે.

અકસ્માતની જાણ થતા જ પોલીસ કાફલો તુરંત જ ઘટનાસ્થળે પહોંચી ગયો હતો. પોલીસે સાગરના મૃતદેહને પીએમ માટે ખસેડીને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી. અકસ્માત સર્જનાર કાર ચાલક વિરુદ્ધ કાયદેસર કાર્યવાહી કરી તપાસ હાથ ધરી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *