સુરતના રાંદેર વિસ્તારમાં રહેતા અને ઓલપાડમાં નાયબ મામલતદાર તરીકે ફરજ બજાવતા હિનીષા પટેલે પોતાના ઘર પર ગળેફાંસો ખાઈ આત્મહત્યા કરી લેતા ચકચાર મચી છે. હિનીષા પટેલ અને તેના પતિ બંને નાયબ મામલતદાર તરીકે ફરજ બજાવતા હતા. આત્મહત્યા પાછળનું કારણ અકબંધ છે. પોલીસ દ્વારા હાલ વધુ તપાસ ચાલી રહી છે.
પતિ પણ નાયબ મામલતદાર તરીકે કાર્યરત મળતી માહિતી મુજબ, હિનીષા પટેલના પતિ પણ મહેસૂલ વિભાગમાં જ ફરજ બજાવે છે અને તેઓ હાલ ઓલપાડ પ્રાંત કચેરીમાં નાયબ મામલતદાર તરીકે કાર્યરત છે. પતિ-પત્ની બંને એક જ વિભાગમાં જવાબદાર હોદ્દા પર હોવા છતાં, કયા સંજોગોમાં મહિલા અધિકારીએ આ પગલું ભર્યું તે વાતથી સૌ કોઈ સ્તબ્ધ છે. હિનીષા પટેલ ઓલપાડ મામલતદાર કચેરીમાં ફરજ બજાવતા હોવાથી ત્યાં પણ શોકનું મોજું ફરી વળ્યું છે.
પોલીસ દ્વારા વધુ તપાસ હાથ ધરવામાં આવી ઘટનાની જાણ થતા રાંદેર પોલીસ કાફલો સ્થળ પર પહોંચ્યો હતો અને મૃતદેહને પોસ્ટમોર્ટમ (PM) અર્થે ખસેડી આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. પોલીસના જણાવ્યા અનુસાર, અત્યાર સુધી પ્રાથમિક તપાસમાં કોઈ સુસાઈડ નોટ મળી આવી નથી. હિનીષા પટેલે અંગત કારણોસર કે કામના ભારણને લીધે આ પગલું ભર્યું છે, તે દિશામાં પોલીસ દ્વારા ઝીણવટભરી તપાસ શરૂૂ કરવામાં આવી છે.મૃતક વિરૂધ્ધ તાજેતરમાં જ એસીબીમાં અરજી થઈ હોવાનું સુત્રોમાંથી જાણવા મળી રહ્યું છે.
