કોંગ્રેસ પ્રમુખમાં તાકાત ન હોય તો પદ છોડી દેવું જોઇએ
ઇન્દ્રનીલની મોનોપોલી સામે મહિલા કોર્પોરેટરના પતિએ ખોલ્યો મોરચો
રાજકોટ મહાનગરપાલિકાની ચૂંટણી પહેલા જ કોંગ્રેસનો આંતરિક જૂથવાદ સપાટી ઉપર આવ્યો છે. આ વખતે વિરોધનું કારણ ખુદ કોંગ્રેસ કાર્યાલય બની છે. મહિલા કોંગ્રેસ કોર્પોરેટરના પતિ પ્રવીણ સોરાણીની પોસ્ટ વાયરલ થઈ હતી. જેમાં લખવામાં આવ્યું હતું કે તમે જ્યાં મિટિંગ બોલાવો છો ત્યાં જૂના કોંગ્રેસીઓ કોઈ આવવા કોઈ રાજી નથી. રાજકોટ શહેર કોંગ્રેસ પ્રમુખને જાહેરમાં મેણાં માર્યા છે.
સુરાણીએ તેઓએ શહેર કોંગ્રેસ પ્રમુખને સંબોધીને લખ્યું હતું કે તમારામાં તાકાત નથી તો પ્રમુખ પદ છોડી દેવું જોઈએ. ઇન્દ્રનીલ રાજ્યગુરુ કોંગ્રેસ પોતાની પેઢી સમજે છે તેવા મેસેજ સોશિયલ મીડિયામાં મૂકવામાં આવ્યો હતો. કોંગ્રેસ કાર્યાલયના વિવાદ સામે આવતા જ તેમની પોસ્ટ વાયરલ થઈ છે તે રાજકોટ મનપાના પૂર્વ કોર્પોરેટર અને મહિલા કોંગ્રેસ કોર્પોરેટરના પતિ પ્રવીણ સોરાણી મીડિયા સામે આવ્યા હતા અને કહ્યું હતું કે, શહેર પ્રમુખ રાજદીપસિંહ જાડેજા પાસે અમે માંગણીઓ કરી છે. અમે કોઈના માણસ નથી, અમે કોંગ્રેસના સૈનિક છીએ. નવા પ્રમુખની કાર્યપધ્ધતિ સામે વાંધો છે. અતુલ રાજાણી શહેર કોંગ્રેસ પ્રમુખ હતા ત્યારે પણ અમે કાર્યાલય બદલવાની માંગ કરી હતી. કોંગ્રેસ અગ્રણી ઈન્દ્રનીલ રાજગુરુનું માલિકીનું કાર્યાલય છે. અમને કોંગ્રેસ કાર્યાલયથી હડધુત કરીને કાઢવામાં આવ્યા હતા.
એટલું જ નહીં તેમણે તો આવતી કોર્પોરેશનની ચૂંટણીને લઈને પણ ચોકાવનારું નિવેદન આપ્યું છે. કોંગ્રેસ કોર્પોરેટરના પતિએ જ કહ્યું હતું કે આ વખતે કોંગ્રેસને ઝીરો સીટ આવશે. રાજદીપસિંહ જાડેજા નવું કાર્યલય ન બનાવી શકતા હોય તો રાજીનામું આપવુ જોઈએ. હું કોંગ્રેસમાંથી જ લડીશ. મને ટિકિટ નહિ આપે તો વિચારીશ. મારી ટિકિટ કાપવા માટે ઇન્દ્રનીલ રાજ્યગુરુની ટોળકી ધોકા લઈને નીકળી હતી.
પ્રવિણ સોરાણી ભાજપના મિત્રો સાથે ઉઠતા-બેસતા હોઈ શકે: રાજદીપસિંહ
રાજકોટ કોંગ્રેસમાં આંતરિક વિખવાદ સામે આવતા શહેર કોંગ્રેસ પ્રમુખ રાજદીપસિંહ જાડેજાએ કહ્યું હતું કે પ્રવીણ સોરાણી ભાજપના મિત્રો સાથે ઉઠતા બેસતા હોય તેવું લાગે છે. તેઓ માત્ર વાતો કરે છે, તેઓની વ્યક્તિગત બાબત છે. કોંગ્રેસના કાર્યક્રમોમાં અમે પ્રવીણ સોરાણીને અમે આમંત્રણ આપ્યા છે. આ કાર્યાલય ઇન્દ્નનીલ રાજ્યગુરૂૂનું નહિ, પરંતુ કોંગ્રેસ પાર્ટીનું છે. કોંગ્રેસ પાર્ટીનું શિસ્તભંગ કરનાર સામે કાર્યવાહી કરવામાં આવશે. કોંગ્રેસને ખોટી રીતે બદનામ કરનારને નહિ ચલાવી લેવામાં આવે. પ્રવીણ સોરાણીને પાર્ટી પ્રત્યે એટલી ચિંતા હોય તો કાર્યાલય માટે ફાળો આપવાની શરૂૂઆત કરે.
