સંત કબીર રોડ પર કેન્સરની બીમારીથી આધેડનું મૃત્યુ
રાજકોટ સહિત રાજ્યભરમાં હૃદયરોગના હુમલાના બનાવ વધી રહ્યાં છે ત્યારે શહેરમાં હાર્ટએટેકથી વધુ બેના મોત નિપજ્યા હતાં. અયોધ્યા ચોકમાં કારની સફાઈ કરતાં નેપાળી યુવાન અને નવાગામમાં રહેતાં યુવાનનું હાર્ટએટેકથી મોત નિપજતાં બન્ને પરિવારમાં શોકની લાગણી છવાઈ જવા પામી છે.
જાણવા મળતી વિગત મુજબ, 150 ફુટ રીંગ રોડ પર માધાપર ચોકડી નજીક આવેલા અયોધ્યા ચોકમાં ગોકુલ મથુરા એપાર્ટમેન્ટમાં રહેતાં અને ચોકીદારીનું કામ કરતાં ખીમ બહાદુર હક્કબહાદુર ખત્રી (ઉ.30) નામનો નેપાળી યુવાન આજે સવારે એપાર્ટમેન્ટમાં કારની સફાઈ કરતો હતો ત્યારે અચાનક બેભાન થઈ ઢળી પડતાં તેને સારવાર માટે સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો. પરંતુ ફરજ પરના તબીબે જોઈ તપાસી મરણ ગયાનું જાહેર કર્યુ હતું. આ અંગે સિવિલ ચોકીના સ્ટાફે પ્રાથમિક નોંધ કરી તાલુકા પોલીસને જાણ કરતાં પોલીસે હોસ્પિટલે દોડી જઈ જરૂરી કાર્યવાહી હાથ ધરી હતી. પ્રાથમિક તપાસમાં મૃતક ત્રણ ભાઈ બે બહેનમાં નાનો હોવાનું જાણવા મળ્યું છે.
જ્યારે બીજા બનાવમાં કુવાડવા રોડ પર આવેલા નવાગામમાં શક્તિ સોસાયટી શેરી નં.10માં રહેતો કુલદીપ ઘનશ્યામભાઈ શાપરા (ઉ.37) નામનો યુવાન આજે સવારે પોતાના ઘરે હતો ત્યારે છાતીમાં દુ:ખાવો ઉપડતાં તેને સારવાર માટે સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવતાં તેનું મોત નિપજ્યું હતું. પ્રાથમિક તપાસમાં મૃતક બેભાઈમાં નાનો અને ડ્રાઈવીંગ કામ કરતો હોવાનું તથા તેને સંતાનમાં બે પુત્રો હોવાનું જાણવા મળ્યું છે. તબીબો દ્વારા હાર્ટએટેક આવતાં મોત થયાનો અભિપ્રાય આપ્યો હતો. જ્યારે સંતકબીર રોડ પર ગોકુલનગર આવાસ યોજના કવાટરમાં રહેતાં શ્રવણભાઈ શંકરભાઈ સાહુ (ઉ.53) નામના આધેડ આજે સવારે પોતાના ઘરે હતાં ત્યારે બિમારી સબબ બેભાન થઈ જતાં સારવાર માટે સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવતાં તેમનું મોત નિપજ્યું હતું. મૃતક પાંચ ભાઈ ચાર બહેનમાં મોટા અને તેમને સંતાનમાં બે પુત્ર અને બે પુત્રી હોવાનું જાણવા મળ્યું છે. તેમને કેન્સરની બિમારી હોય જેનાથી મોત થયાનું ખુલવા પામ્યું છે.
