હવે કુરૂક્ષેત્ર છે ખાર્ગ, યુદ્ધનું ભવિષ્ય ટાપુ પર નકકી થશે

અમેરિકાના પ્રમુખ ડોનલ્ડ ટ્રમ્પ અત્યાર લગી છાસ લેવા જવી ને દોણી સંતાડવી જેવું કરીને ઈરાન પર હુમલાના મુદ્દે જુદાં જુદાં બહાનાં બતાવ્યા કરતા હતા. તેનું…

અમેરિકાના પ્રમુખ ડોનલ્ડ ટ્રમ્પ અત્યાર લગી છાસ લેવા જવી ને દોણી સંતાડવી જેવું કરીને ઈરાન પર હુમલાના મુદ્દે જુદાં જુદાં બહાનાં બતાવ્યા કરતા હતા. તેનું મુખ્ય બહાનું એ હતું કે, ઈરાન પરમાણુ શસ્ત્રો બનાવી રહ્યું છે તેના કારણે દુનિયા પર મોટો ખતરો છે. એ સિવાય ઈરાનના કટ્ટરવાદી શાસકો લોકો પર અત્યાચારો કરીને માનવાધિકારોનો ભંગ કરી રહ્યા છે ને ઈરાન આતંકવાદીઓને પોષીને મિડલ ઈસ્ટમાં હિંસા અને અરાજકતા ફેલાવી રહ્યું હોવા સહિતનાં બહાનાં પણ ટ્રમ્પ આપ્યા કરતા હતા. હવે ટ્રમ્પે બધી શરમ છોડી દીધી છે અને હૈયાની વાત હોઠ પર લાવી દીધી છે. ટ્રમ્પે સ્વીકાર્યું છે કે, ઈરાનના ક્રૂડ ઓઈલ પર કબજો કરવા માટે પોતે હુમલો કર્યો છે અને ઈરાન અમેરિકાની વાત નહીં માને તો ઈરાનીઓ પાસે પોતાનો દેશ જ નહીં બચે, મતલબ કે અમેરિકા તેમને નેસ્તનાબૂદ કરી દેશે.

અમેરિકામાં ટ્રમ્પ સામે ’નો કિંગ્સ’ ચળવળ હેઠળ ઉગ્ર દેખાવો કરનારાને પણ ટ્રમ્પે આડે હાથ લઈને મૂર્ખ ગણાવ્યા છે. ફાઇનાન્સિયલ ટાઇમ્સને આપેલા ઇન્ટરવ્યૂમાં ટ્રમ્પે કહ્યું કે, અમેરિકામાં કેટલાક લોકો ઈરાન પર હુમલા બદલ મારી સામે સવાલો કરી રહ્યા છે પણ એ બધા મૂર્ખ છે. ટ્રમ્પે એવી ફિશિયારી પણ મારી છે કે, ઈરાનના ક્રૂડના ભંડારો પર કબજો કરવા માટે અમેરિકા પાસે ઘણા વિકલ્પો છે. ટ્રમ્પે ઈરાનને અમેરિકાની દરખાસ્ત સ્વીકારીને સમાધાન કરી લેવાની સલાહ આપીને ધમકી આપી છે કે, અમેરિકા આ વિકલ્પો અજમાવશે તો ઈરાનીઓ દેશ વિનાના થઈ જશે. ટ્રમ્પના કહેવા પ્રમાણે તો ખર્ગ ટાપુ પર કબજો કરવો અમેરિકા માટે ડાબા હાથનો ખેલ છે.

કેમ કે આ ટાપુ પર ઈરાની કોઈ કિલ્લેબંધી નથી. ખર્ગ ટાપુ પર્શિયન ગલ્ફમાં આવેલો છે. બુશેહર પ્રાંતનો ભાગ એવો આ ટાપુ ઈરાનના કિનારે સૌથી વ્યૂહાત્મક સ્થળ મનાય છે. ઈરાનની આર્થિક જીવાદોરી જેવા ખર્ગ ટાપુ પરથી ઈરાન પોતાનું મોટા ભાગનું ક્રુડ ઓઈલ બીજા દેશોમાં મોકલે છે. ઈરાનની ક્રૂડની નિકાસમાંથી લગભગ 90 ટકા ક્રૂડ ઓઈલની નિકાસ ખાર્ગ ટાપુ પરથી થાય છે. ઈરાને ખર્ગ ટાપુ પર તોતિંગ ક્રૂડ ઓઈલ સ્ટોરેજ અને ટર્મિનલ સુવિધાઓ છે. આ ટાપુ પર 3 કરોડ બેરલ ક્રૂડ ઓઈલ સંગ્રહવાની ક્ષમતા ઉભી કરાઈ છે. એક બેરલમાં 160 લિટર ક્રૂડ હોય એ જોતાં એકલા ખર્ગ ટાપુ પર જ ઈરાન લગભગ 500 કરોડ લિટર ક્રૂડ રાખી શકે છે. તેના પરથી જ આ ટાપુ ઈરાન માટે કેટલો મહત્ત્વનો છે એ સ્પષ્ટ થઈ જાય.

ટ્રમ્પ દાવો કરે છે કે, આ ટાપુ માટેની સુરક્ષા એટલી મજબૂત નથી એ જોતાં અમેરિકા માટે તેના પર કબજો કરવો ડાબા હાથનો ખેલ છે. આ વાત સાચી હોય તો અત્યાર લગી ટ્રમ્પે ખર્ગ ટાપુ પર કબજો કેમ ના કર્યો ? ઈરાનને એક જ ફટકો મારીને ઘૂંટણિયે પાડી શકાય તેમ હોય તો ટ્રમ્પ ક્યા મૂરતની રાહ જુએ છે ? ટ્રમ્પે બધી શરમ છોડીને હવે તો કબૂલી જ લીધું છે કે, પોતાનો ડોળો ઈરાનના ક્રૂડ ઓઈલ પર છે તો પછી ટ્રમ્પ ખર્ગ ટાપુને જીતીને યુદ્ધનો અંત કેમ લાવી દેતા નથી ? આ સવાલોનો જવાબ એક જ છે કે, ટ્રમ્પ કોઈ મૂરતની રાહ નથી જોઈ રહ્યા પણ ટાઢા પહોરની હાંકી રહ્યા છે.

ખેર, મૂળ વાત ટ્રમ્પની દાનતની છે તેથી તેના પર પાછા ફરીએ ટ્રમ્પે ઈરાનના ક્રૂડના ભંડારો પર પોતાનો ડોળો હોવાનું છતું કરીને સ્પષ્ટ કરી દીધું છે કે, અમેરિકા ભલે ગમે તેટલી ડાહી ડાહી વાતો કરે અને દુનિયાની ભલાઈનો ડોળ કરે પણ તેને પોતાના સિવાય કોઈની ભલાઈમાં રસ નથી, પોતાનો સ્વાર્થ સાધવા માટે એ ગમે તે હદે જઈ શકે છે. પોતાનો સ્વાર્થ સાધવા માટે ટ્રમ્પ અને તેમની ટોળીએ ઈરાનનાં પરમાણુ શસ્ત્રોનો હાઉ ઉભો કરી દીધો ને તેના કારણે દુનિયાને ડરાવી રહ્યું છે પણ અમેરિકાને ઈરાન પરમાણુ શસ્ત્રો રાખે કે ના રાખે તેનાથી કોઈ જ ફરક પડતો નથી.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *