હવે આજ બાકી હતું, આખી નકલી બીએડ કોલેજ ઝડપાઇ

ઉના તાલુકાના ભાચા ગામે બે વર્ષથી મંજૂરી વગર ધમધમતી કોલેજ કોઇને દેખાઇ નહીં, વિદ્યાર્થીઓના ભાવિ સાથે ચેડા ગુજરાતમાંથી નકલી પોલીસ, મંત્રીના નકલી પી.એ.નકલી ઓફિસર, નકલી…

ઉના તાલુકાના ભાચા ગામે બે વર્ષથી મંજૂરી વગર ધમધમતી કોલેજ કોઇને દેખાઇ નહીં, વિદ્યાર્થીઓના ભાવિ સાથે ચેડા

ગુજરાતમાંથી નકલી પોલીસ, મંત્રીના નકલી પી.એ.નકલી ઓફિસર, નકલી જજ અને નકલી સરકારી કચેરી ઝડપાયા બાદ હવે ઉના તાલુકાના ભાચા ગામે છેલ્લા બે વર્ષથી મંજૂરી વગર ધમધમતી નકલી બીએડ કોલેજ ઝડપાતા ભારે ખળભળાટ મચી જવા પામેલ છે. આ નકલી કોલેજ ઝડપાતા તેમાં અભ્યાસ કરનાર વિદ્યાર્થીઓના ભાવિ સામે પણ સવાલો ઉભા થતા વાલીઓમાં ચિંતાની લાગણી જન્મી છે.

મળતી માહિતી મુજબ ઉના પંથકના ભાચા ગામમાં વનિતાબેન બચુભાઈ નાંડોળા બીએડ કોલેજ એનસીટીઈની બોગસ મંજુરીના આધારે 2 વર્ષ સુધી ધમધમી હોવાનો ઘટસ્ફોટ થયો છે. એનસીટીઈએ કોઈપણ પ્રકારની મંજુરી આપી ન હતી. જવાબદારોએ એનસીટીઈના નામે બોગસ મંજૂરીપત્ર તૈયાર કરી ગાંધીનગર ઉચ્ચ શિક્ષણ વિભાગ અને જૂનાગઢ નરસિંહ મહેતા યુનિવર્સિટીમાં મોકલ્યો તેના આધારે યુનિ.એ બીએડ કોલેજને વિદ્યાર્થી ફાળવી દીધા હતા એવા અણસાર મળતાં હવે જવાબદારો સામે પોલીસ ફરિયાદ કરવાની માંગ ઉઠાવાઈ છે.

છેલ્લા ઘણા સમયથી સોરઠ પંથકની બીએડ કોલેજ બોગસ હોવાની રાવ સાથે મોટો વિવાદ સર્જાયો હતો. નરસિંહ મહેતા યુનિવર્સિટીમાં ઉપકુલપતિ બદલી જતા શંકાસ્પદ બીએડ કોલેજ સામે ગાળીયો કસાયો હતો. અનેક કોલેજની મંજુરી પણ રદ થઈ હતી. ઉનાના ભાચામાં વી.બી. નાંડોળા બીએડ કોલેજ બોગસ હોવાના ગંભીર આરોપ વચ્ચે એનસીટીઈએ મંજુરી આપી હોવાના આરટીઆઈમાં જવાબ આપવામાં આવ્યા હતા. આરટીઆઈના જવાબના આધારે મંજુરીના પત્ર સાચા છે કે ખોટા તેની એનસીટીઈમાં ખરાઈ કરવામાં આવી હતી. અરજદારે માંગેલીના માહિતીના આધારે એનસીટીઈએ સ્પષ્ટતા કરી કે તા. 5-6-2013, તા.25-7-2025નો કોઈ પત્ર અમે લખ્યો નથી કે અમે આવી કોઈ મંજુરી આપેલ નથી.

વર્ષ 2023-24 અને 2024-25માં વિદ્યાર્થીઓએ વી.બી. નાંડોળા કોલેજમાં અભ્યાસ કર્યો છે. આ કોલેજને માન્યતા હતી જ નહી છતાં પણ ગત વર્ષે નરસિંહ મહેતા યુનિ. દ્વારા આ કોલેજની પરીક્ષા લેવામાં આવી અને તેના આધારે બીએડ કોલેજના પ્રથમ વર્ષના વિદ્યાર્થીઓને ડિગ્રી એનાયત કરી દેવામાં આવી છે. આ મામલે અરજદાર દ્વારા જવાબદારો સામે બોગસ ડોક્યુમેન્ટ ઉભા કરી તેનો ખરા તરીકે ઉપયોગ કર્યો અને કોણે-કોણે આ કાવતરૂૂ રચ્યું, કોની શું ભૂમિકા છે તેની તપાસ કરી વી.સી. દ્વારા પોલીસ ફરિયાદ દાખલ કરવામાં આવે તેવી માંગ ઉઠી છે. હવે યુનિ.ના ઉપકુલપતિ આ અંગે શું કાર્યવાહી કરે તે મહત્વનું છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *