ઉપલેટામાં આવેલ વડલી ચોકમાં સ્થિત ’ઇન્દ્રપ્રસ્થ જ્વેલર્સ’ના માલિક અને સોની વેપારી સાથે રૂૂ. 22.64 લાખની છેતરપિંડી થઈ હોવાનો કિસ્સો પ્રકાશમાં આવ્યો છે. આ મામલે ઉપલેટા પોલીસ સ્ટેશનમાં ગ્રાહક સામે વિવિધ કલમો હેઠળ ગુનો દાખલ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.
મળતી વિગતો અનુસાર, ઉપલેટાના જીરાપા પ્લોટ વિસ્તારમાં રહેતા 42 વર્ષીય સોની વેપારી હિરેનભાઈ બંકિમચંદ્ર ધીનોજાએ નોંધાવેલી ફરિયાદ મુજબ, મૂળ સેવંત્રા ગામના અને હાલ ઉપલેટામાં રહેતા દેવરખીભાઈ વેજાનંદભાઈ બારીયા છેલ્લા 20 વર્ષથી તેમની દુકાનેથી ઘરેણાં ખરીદતા જૂના ગ્રાહક હતા. આ જૂના સંબંધો અને વિશ્વાસના આધારે, તા. 1 માર્ચ 2024 થી 30 ઓગસ્ટ 2024 સુધીના સમયગાળા દરમિયાન આરોપી દેવરખીભાઈ તથા તેમનો પુત્ર ડાર્વિન અવારનવાર દુકાને આવ્યા હતા.તેમણે પોતાના તથા પરિવારજનોના નામે કાચા બીલો બનાવીને જુદા જુદા સોનાના દાગીના જેવા કે સોનાના ચેન, પેન્ડલ, હાર સેટ, સોનાના કડા (32 નંગ), મંગળસૂત્ર અને સોનાની વીંટીઓ મળીને કુલ 82.75 તોલા (827 ગ્રામ 500 મિલી) સોનાની ખરીદી કરી હતી. આ ખરીદેલા દાગીનાની તે સમયની કુલ કિંમત રૂૂ. 61,64,875 થતી હતી. ખરીદી સમયે આરોપીએ કટકે-કટકે કુલ રૂૂ. 39,00,000 ની ચુકવણી કરી હતી, જ્યારે બાકી નીકળતા રૂૂ. 22,64,875 ત્રણ મહિનાની મુદતમાં (ડિસેમ્બર 2024 સુધીમાં) ચૂકવી આપી પાકા બીલ બનાવી લેવાની શરત રાખી હતી.
ત્યારબાદ નિયત મુદત (ડિસેમ્બર 2024) પૂર્ણ થતાં જ્યારે ફરિયાદી હિરેનભાઈએ પોતાના બાકી નાણાંની ટેલિફોનિક ઉઘરાણી કરી, ત્યારે આરોપી દેવરખીભાઈ બારીયાએ પૈસા આપવાનો ઇનકાર કરી ફરિયાદીને ગાળો ભાંડી હતી. વારંવારની રજૂઆતો અને ઉઘરાણી છતાં નાણાં ન ચૂકવાતાં અંતે વેપારીએ પોલીસના શરણે જવાનું નક્કી કર્યું હતું. આ અંગે હિરેનભાઈ ધીનોજાની ફરિયાદના આધારે ઉપલેટા પોલીસે આરોપી દેવરખીભાઈ વેજાનંદભાઈ બારીયા ગુનો નોંધ્યો છે. આ કેસની આગળની વધુ તપાસ એ.એસ.આઈ. પી.બી.જાડેજા ચલાવી રહ્યા છે.
