100માંથી 100 પીઆર મેળવ્યા, દેશમાં ચંદીગઢનો છાત્ર પ્રથમ સ્થાને
ડિગ્રી ઇજનેરી સહિતના ટેકનિકલ કોર્સમાં પ્રવેશ માટે એપ્રિલમાં જ લેવાયેલી બીજા તબક્કાની જેઈઈ મેઇન સાથે બન્ને પરીક્ષાનું પરિણામ જાહેર કરી દેવાયું છે. દેશમાં 100માંથી 100 પર્સન્ટાઇલ લાવનારા કુલ 26 વિદ્યાર્થીમાં રાજકોટના વિદ્યાર્થી નિમય પુરોહિતે સ્થાન મેળવ્યું છે. પહેલા ક્રમે ચંદીગઢના આરુષ સીંઘલે સ્થાન મેળવ્યું છે.
જાન્યુઆરીમાં લેવાયેલી પરીક્ષામાં કુલ 13,04,653 વિદ્યાર્થીએ પરીક્ષા આપી હતી. જેની સામે એપ્રિલમાં લેવાયેલી બીજા તબક્કાની પરીક્ષામાં 10,34,330 વિદ્યાર્થીઓ પરીક્ષા આપી હતી. આમે, બન્ને પરીક્ષા આપી હોય તેવા વિદ્યાર્થીઓની કુલ સંખ્યા 15,38,468 હતી. પરિણામની સ્થિતિ જોતાં કટ ઓફ અંદાજે બે ટકા જેટલુ ઊંચું જાય તેવી શકયતા છે.
નેશનલ ટેસ્ટિંગ એજન્સી (NTA) દ્વારા જેઇઇ-મેઇનની પરીક્ષા બે તબક્કામાં લેવાઈ હતી. પહેલા તબક્કામાં જાન્યુઆરીમાં લેવાઈ હતી. બીજા તબક્કાની પરીક્ષા એપ્રિલમાં લેવાઈ હતી. બીજા તબક્કામાં 2,4,5,6 અને 8 એપ્રિલે લેવાયેલી પરીક્ષામાં 10.34 લાખ વિદ્યાર્થીઓએ પરીક્ષા આપી હતી. ગુજરાતી સહિત કુલ 13 ભાષાઓમાં પરીક્ષા લેવામાં આવી હતી. બીજા તબક્કામાં કેટેગરી પ્રમાણે જોઇએ તો સામાન્ય કેટેગરીમાં 3,67,885, ઓબીસીમાં 1,28,130, એસસી કેટેગરીમાં 1,06,786 અને એસટી કેટેગરીમાં 37142 મળીને કુલ 10,34,330 વિદ્યાર્થીઓએ પરીક્ષા આપી હતી. આ પરીક્ષાના પરિણામના આધારે આગામી દિવસોમાં આઇઆઇટી સહિતની ટેકનિકલ સંસ્થાઓમાં પ્રવેશ માટે જેઇઇ-એડવાન્સ લેવામાં આવશે.
એડવાન્સ માટેના કટ ઓફ પણ જાહેર કરી દેવામાં આવ્યા છે. મહત્વની વાત એ કે, 100માંથી 100 પર્સન્ટાઇલ લાવનારા વિદ્યાર્થીઓની રાજ્ય પ્રમાણે જાહેર કરાયેલી યાદીમાં ગુજરાતમાંથી એક જ વિદ્યાર્થી નિમય પુરોહિતનો સમાવેશ થયો છે. આ સવાય આંધ્રપ્રદેશમાંથી કુલ 5, દિલ્હીમાંથી 3,મહારાષ્ટ્રમાંથી 2, રાજસ્થાનમાંથી4, તેલગાંણામાંથી 4 વિદ્યાર્થીઓનો સમાવેશ થાય છે. કેટેગરી પ્રમાણે જાહેર કરાયેલી યાદીમાં જનરલ કેટેગરીમાં કુલ 24 વિદ્યાર્થીઓ 100માંથી 100 પર્સન્ટાઇલ લાવવામાં સફળ થયા છે. જેમાં ગુજરાતના વિદ્યાર્થીનો સમાવેશ થાય છે.
આજ રીતે ઓબીસી કેટેગરીમાં એક વિદ્યાર્થી 100માંથી 100 પર્સન્ટાઇલ આવ્યા છે. આ પરીક્ષાના આધારે આગામી મે માસમાં જેઇઇ-એડવાન્સ પરીક્ષા લેવામાં આવશે. જેઇઇ-મેઇનનું પરિણામ જાહેર થયા 2,50,182 વિદ્યાર્થીઓને એડવાન્સ માટે લાયક બન્યા છે. તેઓએ આગામી 23મી એપ્રિલથી જેઇઇ-એડવાન્સ માટે ફોર્મ ભરી શકશે. જોઇન્ટ કાઉન્સેલિંગની પ્રક્રિયા આગામી જૂનથી હાથ ધરવામાં આવશે. જોકે, ગુજરાતની કોલેજો માટે એસીપીસી દ્વારા અલગથી કાર્યવાહી હાથ ધરવામાં આવતી હોય છે.
એડવાન્સ માટે કટ ઓફ કેટલું રહ્યું
કેટેગરી કટ ઓફ
જનરલ 93.41
EWS 82.41
ઓબીસી 80.92
એસસી 63.91
એસટી 52.01

