યુવતીના પરિવારે અરજી કર્યા બાદ યુવક પણ પોલીસમાં અરજી કરવા પહોંચ્યો, અરજી ન લેતા ભરેલું પગલું: યુવકને રાજકોટની સિવિલ હોસ્પિટલમાં ખસેડાયો
પ્રેમ સબંધમા જયારે દગો મળે ત્યારે ભલભલો માણસ પણ ગમે તે આકરુ પગલુ ભરવા તૈયાર થઇ જાય છે. ત્યારે મોરબી જીલ્લાનાં વાંકાનેર તાલુકામા પંચાસીયા ગામમા રહેતા યુવકને જે યુવતી સાથે પ્રેમ સબંધ હતો તે યુવતીનાં પરીવારજનોને જાણ થઇ જતા યુવતી અને પરીવારજનોએ યુવક સામે પોલીસમા છેડતી સહીતની અરજી આપતા યુવક પણ પોલીસ મથકમા અરજી કરવા પહોંચ્યો હતો જયા પોલીસે અરજી ન લેતા ગમગીન થયેલા યુવાને પોલીસ મથકમા જ ઝેર પી આપઘાતનો પ્રયાસ કરી લીધો હતો જેથી તેમને સારવાર માટે રાજકોટ શહેરની સિવીલ હોસ્પીટલમા સારવાર માટે ખસેડાયો છે.
વધુ વિગતો મુજબ વાંકાનેરનાં પંચાસીયા ગામે રહેતા વિજય મોહન ચાવડા નામનાં યુવાને ગઇકાલે સાંજે વાંકાનેર તાલુકા પોલીસ મથકમા ઝેર પી લેતા તેમને સારવાર માટે રાજકોટની સિવીલ હોસ્પીટલે ખસેડવામા આવ્યો છે. વિજયે આક્ષેપ સાથે જણાવ્યુ હતુ કે તેમને તેમનાં ઘર પાસે રહેતી એક યુવતી સાથે છેલ્લા 4 વર્ષથી પ્રેમ સબંધ હતો પરંતુ આ વાતની જાણ યુવતીનાં માતા – પિતાને થઇ જતા યુવતી અને તેમનાં માતા – પિતાએ વાંકાનેર તાલુકા પોલીસમા પહોંચી વિજય વિરુધ્ધ અરજી કરી હતી આ વાતની જાણ વિજયને થતા વિજય , તેમનાં માતા અને બહેન એમ ત્રણેય પોલીસ મથકે પહોચ્યા હતા અને યુવતી અને તેમનાં પરીવારજનો વિરુધ્ધ વળતી ફરીયાદ કરવા જતા પોલીસે અરજી ન લેતા તેમને લાગી આવ્યુ હતુ અને વિજયે પોલીસ મથકે ઝેરી દવા પી લીધી હતી.
ત્યારબાદ પોલીસનાં સ્ટાફે અને તેમનાં પરીવારજનોએ વિજયને રાજકોટની સિવીલમા ખસેડયો હતો. વિજય 3 ભાઇ એક બહેનમા નાનો અને કારખાનામા મજુરી કામ કરી પરીવારને મદદરુપ થાય છે. આ મામલે વાકાનેર સિટી પોલીસે વધુ તપાસ શરુ કરી છે.
