પ્રેમ સંબંધ બાદ યુવતીએ ફોટા વાયરલ કરવાની અને ખોટા કેસમાં ફીટ કરવાની ધમકી આપી હતી
યુવતી સાયબર ક્રાઈમના ગુનામાં પકડાયા બાદ બન્ને સંપર્કમાં આવ્યા હતાં
જૂનાગઢ શહેરમાં એડવોકેટ અને એક યુવતી વચ્ચે પ્રેમ, હનીટ્રેપ ને દુષ્કર્મના ચક્રવ્યૂહનો એક ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો છે. વકીલે યુવતી પર હનીટ્રેપનો આક્ષેપ કરી પોલીસ ફરિયાદ નોંધાવી છે. તો સામે પક્ષે યુવતીએ વકીલ પર દુષ્કર્મની ફરિયાદ નોંધાવતા સમગ્ર પંથકમાં ચકચાર મચી ગઈ છે.
ઘટનાની વિગતવાર વિગતો મુજબ જૂનાગઢ કોર્ટમાં વકીલાત કરતા અને ઈવનગરમાં રહેતા એડવોકેટ ભરત ચાવડાએ સી-ડિવિઝન પોલીસ સ્ટેશનમાં એક યુવતી તેમજ તેના પરિવારના સભ્યો વિરૂૂદ્ધ ભારતીય નાગરિક સુરક્ષા સંહિતાની વિવિધ કલમો હેઠળ ગુનો દાખલ કરાવ્યો છે.
વકીલના જણાવ્યા અનુસાર, વર્ષ 2021માં આ યુવતી સાયબર ક્રાઈમના એક કેસમાં પકડાઈ હતી ત્યારે તેઓ તેના કાનૂની વકીલ બન્યા હતા. આ કાનૂની કામકાજ દરમિયાન બંને વચ્ચે પરિચય વધ્યો અને સમય જતાં તે પ્રેમસંબંધમાં પરિણમ્યો હતો. પરંતુ સમય પસાર થતાં બંને વચ્ચેના સંબંધો વણસ્યા હતા.
એ બાદ યુવતીએ વકીલને બ્લેકમેઈલ કરવાનું શરૂૂ કર્યું હતું. વકીલનો આક્ષેપ છે કે યુવતીએ અંગત સંબંધોના ફોટા અને વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ કરવાની અને દુષ્કર્મના ખોટા કેસમાં ફસાવી દેવાની ધમકીઓ આપી હતી. આ ધમકીઓ આપીને તેણે વકીલ પાસેથી બળજબરીપૂર્વક 30,000 રૂપિયા રોકડા પડાવી લીધા હતા.
આટલેથી ન અટકતા યુવતીએ વધુ 5,00,000 રૂૂપિયાની માંગણી કરી હતી અને કોર્ટ લોબીમાં તેમજ વકીલના ઘર પાસે આવીને જાહેરમાં હોબાળો મચાવ્યો હતો. આ સતત માનસિક ત્રાસથી કંટાળીને વકીલે આત્મહત્યા કરવા સુધીના મેસેજ પણ મોકલ્યા હતા. આખરે પોતાની સાખ અને વકીલાતના વ્યવસાયને મોટું નુકસાન થવાના ડર વચ્ચે તેમણે પોલીસનો આશરો લીધો છે.
બીજી તરફ 28 વર્ષની યુવતીએ વકીલ ભરત ચાવડા વિરૂૂદ્ધ બી-ડીવીઝન પોલીસ સ્ટેશનમાં દુષ્કર્મ અને જાનથી મારી નાખવાની ધમકી અંગેની વળતી ફરિયાદ નોંધાવી છે. યુવતીનો આરોપ છે કે વકીલે તેની સાથે મિત્રતા કેળવીને કોર્ટમાં ચાલતા કેસમાં મદદ કરવાનું પ્રલોભન આપ્યું હતું. આ બહાને તેને જૂનાગઢની આશિયાના હોટલમાં મળવા બોલાવી હતી અને તેની મરજી વિરૂૂદ્ધ દુષ્કર્મ કર્યું હતું.
યુવતીએ પોતાની ફરિયાદમાં વધુમાં જણાવ્યું છે કે, વકીલે અવારનવાર તેની પર દુષ્કર્મ કર્યું હતું. એટલું જ નહીં, પરંતુ શરીરે બચકાં ભરી શારીરિક ઈજાઓ પહોંચાડી હતી. જો આ બાબતે કોઈને જાણ કરવામાં આવશે તો અગાઉના કેસના આરોપીઓને બધું કહી દેવાની અને જાનથી મારી નાખવાની ધમકીઓ પણ આપવામાં આવતી હતી. યુવતીની આ ફરિયાદના આધારે પોલીસે વકીલ વિરૂૂદ્ધ ગુનો દાખલ કરી આગળની તપાસ જોષીપુરા પોલીસ ચોકીના અધિકારીને સોંપી છે.
વધુમાં ડીવાયએસપી હિતેશ ધાંધલિયાએ જણાવ્યું હતું કે, એડવોકેટ ભરત ચાવડા દ્વારા પણ આ યુવતી વિરુદ્ધ જુનાગઢ સી-ડિવિઝન પોલીસ સ્ટેશનમાં સામી ફરિયાદ આપવામાં આવી છે. વકીલના જણાવ્યા અનુસાર, મૈત્રી કરાર કરવાની હકીકત પણ જણાવી છે, પરંતુ તેવા કોઈ કરાર સત્તાવાર રીતે થયા નથી. વકીલનો આક્ષેપ છે કે આ યુવતીએ જો દુષ્કર્મનો ગુનો દાખલ ન કરવો હોય તો 5,00,000 રૂપિયાની માંગણી કરવામાં આવી હતી. વકીલે આ રકમ આપવાનો ઈનકાર કર્યો હતો.
યુવતીનો ગુનાઈત ઈતિહાસ
વધુમાં પોલીસ તપાસમાં સામે આવ્યું છે કે, ભોગ બનનાર યુવતીનો ભૂતકાળ પણ વિવાદાસ્પદ રહ્યો છે. તેણીએ અગાઉ અમદાવાદ ખાતે અપહરણ અને સામૂહિક દુષ્કર્મની ફરિયાદ નોંધાવેલી છે, આ ઉપરાંત આ યુવતી વિરુદ્ધ અગાઉ જામજોધપુર પોલીસ સ્ટેશન ખાતે છેતરપિંડીનો કેસ પણ દાખલ થયેલો છે, તેમજ જુનાગઢ સાયબર રેન્જ પોલીસ સ્ટેશન ખાતે પણ યુવતી વિરુદ્ધ લોકોને ધમકીઓ આપવા બાબતે અગાઉ ગુનો નોંધાયેલો છે. આ તમામ બાબતોને ધ્યાનમાં રાખીને પોલીસ દ્વારા હાલ ખૂબ જ ઝીણવટભરી તપાસ ચલાવવામાં આવી રહી છે અને જે પ્રકારના પુરાવા મળશે તે મુજબ આગળની કાર્યવાહી હાથ ધરાશે.
