સ્મશાનગૃહમાં ગંદકીના ગંજ અને રખડતા શ્વાનનો જમાવડો, ડાઘુઓમાં પાલિકા તંત્ર સામે ભારે રોષ
માણાવદર શહેરના સ્મશાનગૃહની હાલત હાલ અત્યંત દયનીય બની ગઈ છે. જે સ્થળે લોકો પોતાના સ્વજનોને અંતિમ વિદાય આપવા માટે ભારે હૃદયે આવતા હોય છે, ત્યાં અત્યારે ગંદકીના ગંજ ખડકાયેલા જોવા મળી રહ્યા છે. સ્મશાનની યોગ્ય જાળવણી અને સફાઈના અભાવે અંતિમ યાત્રામાં આવતા ડાઘુઓને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે. સમગ્ર સ્મશાન પરિસરમાં એવી ગંદકી ફેલાઈ છે કે ડાઘુઓએ નાકે રૂૂમાલ દઈને ગંદકીમાંથી પસાર થવાની નોબત આવી છે. માણાવદર સ્મશાનમાં એટલી બધી ગંદકી હતી કે ખુદ ડાઘુઓએ સાવરણા હાથમાં લઈને જાતે સફાઈ કરી હતી.
આ ગંભીર પ્રશ્ને જ્યારે માણાવદર નગરપાલિકાના જવાબદાર અધિકારીઓનો સંપર્ક કરવામાં આવ્યો ત્યારે તંત્રની ઉદાસીનતા સામે આવી હતી. નગરપાલિકાના ચીફ ઓફિસર આર.આર. ધોળકીયાએ જણાવ્યું હતું કે તેઓ છેલ્લા એક અઠવાડિયાથી જ ફરજ પર આવ્યા છે. તેમણે આ બાબતે તપાસ કરાવીને સત્વરે સફાઈ કામગીરી હાથ ધરવાની ખાતરી આપી હતી. બીજી તરફ, નગરપાલિકાના સેનેટરી ઇન્સ્પેક્ટર હાર્દિક ચાવડાએ જણાવ્યું હતું કે પોતે રજા પર હોવાનું જણાવીને પલ્લું ઝાટક્યું હતું, જોકે તેમણે પણ સ્મશાનની સફાઈ માટે સૂચના આપી દેવાનું આશ્વાસન આપ્યું હતું.
લોકોમાં એવી ચર્ચા છે કે જો સ્મશાન જેવા સંવેદનશીલ સ્થળે પણ તંત્ર આટલી બેદરકારી દાખવતું હોય, તો શહેરના અન્ય વિસ્તારોની શું સ્થિતિ હશે? સફાઈના મોટા-મોટા દાવાઓ વચ્ચે માણાવદર સ્મશાનની આ વરવી વાસ્તવિકતા પાલિકાની કામગીરી સામે અનેક સવાલો ઉભા કરી રહી છે. હવે જોવાનું એ રહે છે કે ડાઘુઓની આ વ્યાજબી માંગણી બાદ તંત્ર સફાઈ ક્યારે કરાવે છે.
