ખાંભાના ચતુરી ગામે વનમંત્રી અર્જુન મોઢવાડિયાએ સિંહના હુમલામાં મૃત્યુ પામેલા બાળકના પરિવારને મળી સાંત્વના આપી હતી
અમરેલી જિલ્લાના ખાંભા તાલુકાના ચતુરી ગામમાં દાદા સાથે જઈ રહેલા માસૂમ બાળક પર સિંહે ઘાતક હુમલો કરી મોતને ઘાટ ઉતારતા વન અને પર્યાવરણ કેબિનેટ મંત્રી અર્જુન મોઢવાડિયા અને અધિકારીઓ ચતુરી ગામે પહોચ્યા હતા.
મુખ્યમંત્રીની સૂચનાથી વનમંત્રી અને ઉચ્ચ અધિકારીઓ દોડી આવ્યા ઘટનાની ગંભીરતાને પગલે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ટેલિફોનિક વાતચીત દ્વારા ચિંતા વ્યક્ત કરી વનમંત્રીને તાકીદે સ્થળની મુલાકાત લેવા સૂચના આપી હતી. જેના આધારે વન અને પર્યાવરણ કેબિનેટ મંત્રી અર્જુન મોઢવાડિયા, સ્થાનિક ધારાસભ્ય જે.વી. કાકડિયા, પૂર્વ ધારાસભ્ય અંબરીષ ડેર તેમજ ગાંધીનગરના PCCF જયપાલ સિંહ, જૂનાગઢના CF રામ રતન નાલા અને DCF વિકાસ યાદવ સહિતના સિનિયર અધિકારીઓ ચતુરી ગામે દોડી આવ્યા હતા. આ નેતાઓ અને અધિકારીઓએ શોકાતુર પરિવારની મુલાકાત લઈને તેમને સાંત્વના આપી હતી.
મોઢવાડિયા વનમંત્રી અર્જુન મોઢવાડિયાએ પત્રકારોને જણાવ્યું હતું કે, સામાન્ય રીતે સિંહ ક્યારેય માણસ પર હુમલો કરતો નથી, તેથી આ એક અત્યંત અસ્વાભાવિક ઘટના છે. સિંહોના સ્વભાવમાં આવી રહેલા આ પરિવર્તનના કારણો જાણવા માટે વન વિભાગના ઉચ્ચ અધિકારીઓ સાથે વિગતવાર ચર્ચા કરવામાં આવી છે. ભવિષ્યમાં આવા બનાવો રોકવા માટે લાંબા અને ટૂંકા ગાળાનું આયોજન કરીને એક મજબૂત જઘઙ બનાવવામાં આવશે. વન વિભાગના વરિષ્ઠ અધિકારીઓને પણ સ્થાનિકોની સુરક્ષા માટે કડક સૂચનાઓ આપી દેવામાં આવી છે.
માનવ વસાહત પાસે આંટા મારતા આઠ સિંહો પાંજરે પૂરાયા
બાળકના મૃત્યુ બાદ સ્થાનિકોના રોષ અને સુરક્ષાને ધ્યાનમાં રાખીને વન વિભાગ દ્વારા તાત્કાલિક મેગા ઓપરેશન શરૂૂ કરવામાં આવ્યું હતું. વનકર્મીઓની જુદી જુદી ટીમો દ્વારા રાતથી લઈને વહેલી સવાર સુધી ચાલેલી સઘન કામગીરીને અંતે, ચતુરી ગામની આસપાસના વિસ્તાર અને માનવ વસાહત નજીક આંટાફેરા મારતા આઠ સિંહોને પાંજરે પૂરીને વન વિભાગના કેન્દ્ર ખાતે ખસેડવામાં આવ્યા છે.
