જામનગર શહેરમાં આવનારી મહાનગરપાલિકાની 2026 ની ચૂંટણી ને લઈને રાજકીય ગરમાવો દિવસેને દિવસે વધી રહ્યો છે. આ વખતે ચૂંટણીમાં એક અનોખી અને ચર્ચાસ્પદ સ્થિતિ ઉભી થઈ છે, કારણ કે પ્રથમ વખત ત્રણ એવા ઉમેદવારો મેદાનમાં ઉતરવા જઈ રહ્યા છે, જેઓ ગુજસીટોકના પ્રકરણ માં સંડોવાયેલા રહ્યા છે.
મળતી માહિતી મુજબ, કોંગ્રેસ પક્ષ તરફથી અતુલ ભંડેરી,કે જે અગાઉ ગુજસીટોક કૌભાંડ કેસમાં પકડાયા હતા, અને જામીન મુક્ત થયા છે. તેઓ અગાઉ ચૂંટણી લડ્યા હતા, અને ફરી એકવાર ચૂંટણી મેદાનમાં ઉતરવા તૈયાર છે.
તેઓ સૌપ્રથમ કોંગ્રેસમાં અને ત્યારબાદ ભાજપમાં જોડાયા હતા, પરંતુ તાજેતરમાં તેઓએ રાજીનામું આપીને કોંગ્રેસ પાર્ટીમાં પુન: પ્રવેશ કર્યો હતો. દરમિયાન કોંગ્રેસ પાર્ટી દ્વારા તાજેતરમાં ઉમેદવારોના લિસ્ટની જાહેરાત કરવામાં આવી છે, જેમાં વોર્ડ નંબર 16 માં પૂર્વ કોર્પોરેટર અતુલ ભંડેરીની પસંદગી કરવામાં આવી છે. જેથી ગુજસીટોકના પ્રકરણમાં અગાઉ પકડાઈ ચૂકેલા અતુલ ભંડેરી દ્વારા આ વખતે મહાનગરપાલિકાની ચૂંટણીમાં ઉમેદવારી કરવામાં આવશે અને કોંગ્રેસ પાર્ટી તરફથી ચૂંટણી લડવા જઈ રહ્યા છે. સાથે સાથે કોંગ્રેસના જ પૂર્વ વિપક્ષ નેતા અલ્તાફ ખફી પણ ઉમેદવારી નોંધાવવા જઈ રહ્યા છે, જેના કારણે રાજકીય ચર્ચાઓ વધુ તેજ બની છે.
બીજી તરફ આમ આદમી પાર્ટી તરફથી અસલમ ખિલજી પણ ઉમેદવારી નોંધાવશે, અને રાજકોટની કોર્ટ દ્વારા તેને ઉમેદવારી કરવા માટેની મંજૂરી પણ મળી ગઈ છે. જેના કારણે આ ચૂંટણી વધુ રસપ્રદ અને સ્પર્ધાત્મક બનવાની સંભાવના છે. ત્રણેય ઉમેદવારો સામે અગાઉના આરોપોને લઈને અન્ય પક્ષો દ્વારા પ્રશ્નો ઉઠાવવામાં આવી રહ્યા છે, જ્યારે તેમના સમર્થકો તેમના પક્ષમાં દલીલો રજૂ કરી રહ્યા છે.
આ દરમિયાન વોર્ડ નંબર 12 માં કેટલીક જ્ઞાતિ દ્વારા જાહેરમાં પોસ્ટર લગાવવામાં આવ્યા હતા, અને કોંગ્રેસ પાર્ટીનો વિરોધ પણ દર્શાવાયો છે, જેથી પણ ચર્ચા તેજ બની છે. આ સમગ્ર પરિસ્થિતિને કારણે જામનગરના રાજકારણમાં નવી ચર્ચાઓ શરૂૂ થઈ ગઈ છે, અને મતદાતાઓમાં પણ મિશ્ર પ્રતિસાદ જોવા મળી રહ્યો છે. હવે જોવાનું એ રહ્યું કે મતદારો આ વખતે કયા ઉમેદવારો પર વિશ્વાસ મૂકે છે અને ચૂંટણીના પરિણામોમાં શું ફેરફાર આવે છે. પરંતુ જામનગર મહાનગરપાલિકાની ચૂંટણી માટે આ વખતે નવો ઇતિહાસ રચાયો છે, અને ગુજસીટોકના ત્રણ આરોપીઓ ચૂંટણી મેદાનમાં છે.
લાંચ કેસમાં પકડાઈ ચૂકેલા પૂર્વ કોર્પોરેટર કોંગ્રેસમાંથી ચૂંટણી લડશે
જામનગર મહાનગરપાલિકાના વોર્ડ નંબર 6 ની બેઠક પર બસપા ના સિમ્બોલ પર ચૂંટણી લડ્યા હતા, અને જીત્યા હતા, જેથી છેલ્લી ટર્મ માટે કોર્પોરેટર હતા. દરમિયાન એક કામના સંદર્ભમાં જામનગર મહાનગરપાલિકાની કચેરીમાંથી લાંચની રકમ સ્વીકારતા પોલીસના હાથે ઝડપાઈ ચૂક્યા હતા. જોકે તેઓએ જેલવાસ ભોગવી લીધા બાદ હાલ તેઓ જામીન પર મુક્ત થયા છે. દરમિયાન બે દિવસ પહેલા તેઓએ કોંગ્રેસ પાર્ટીમાં પ્રવેશ કર્યો છે, અને સંભવિત વોર્ડ નંબર 6 માંથી તેઓ પણ કોંગ્રેસ પાર્ટી ના સિમ્બોલ પર ઉમેદવારી નોંધાવી શકે છે.
