મોટાદડવા ગામે ખેડૂત પર પાડોશીઓનો હુમલો, ચાર શખ્સોએ પથ્થર મારી માથું ફોડી નાખ્યું

ગટર સાફ કરવા બાબતે થયેલી બોલાચાલીએ ઉગ્ર સ્વરૂપ ધારણ કર્યું રાજકોટ ગ્રામ્યના મોટાદડવા ગામમાં ગટરના પાણીના નિકાલ જેવી સામાન્ય બાબતે પડોશીઓ વચ્ચે લોહિયાળ સંઘર્ષ થયો…

ગટર સાફ કરવા બાબતે થયેલી બોલાચાલીએ ઉગ્ર સ્વરૂપ ધારણ કર્યું

રાજકોટ ગ્રામ્યના મોટાદડવા ગામમાં ગટરના પાણીના નિકાલ જેવી સામાન્ય બાબતે પડોશીઓ વચ્ચે લોહિયાળ સંઘર્ષ થયો હોવાની ઘટના સામે આવી છે. ગત સોમવાર, 6 એપ્રિલ 2026 ના રોજ સાંજે આશરે ચાર વાગ્યે જ્યારે ફરિયાદી વિનુભાઈ પોલાભાઈ વેકરીયા તેમની વાડીએ ગટર સાફ કરી રહ્યા હતા, ત્યારે તેમના જ શેઢા પાડોશીઓએ એકસંપ થઈને હુમલો કર્યો હતો.

ફરિયાદીના જણાવ્યા મુજબ, તેઓ તેમની પત્ની કૈલાસબેન સાથે વાડીએ કામ કરી રહ્યા હતા ત્યારે પાડોશી છગનભાઈ ડોબરીયા અને તેમના પુત્રો સહિત કુલ ચાર વ્યક્તિઓએ તેમને બોલાવી ગાળાગાળી કરી હતી.
આ વિવાદ વધતા આરોપીઓએ ફરિયાદીને નીચે પાડી દઈ ઢીકાપાટુનો મુઢ માર માર્યો હતો અને ઉશ્કેરાયેલા નૈમિષ ડોબરીયાએ પથ્થરનો ઘા ઝીંકી વિનુભાઈનું માથું ફોડી નાખ્યું હતું.

હુમલાના પગલે વિનુભાઈને માથાના પાછળના ભાગે ગંભીર ઈજા થતા લોહીલુહાણ હાલતમાં 108 એમ્બ્યુલન્સ મારફતે જસદણની સરકારી હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા, જ્યાં તેમને ચાર ટાંકા લેવા પડ્યા હતા. આ મામલે આટકોટ પોલીસે મોટાદડવા ગામના રહેવાસી એવા ચાર આરોપી છગનભાઈ ગાંડુભાઈ ડોબરીયા, જયદીપ છગનભાઈ ડોબરીયા, નૈમિષ છગનભાઈ ડોબરીયા અને દિલીપભાઈ ભીખાભાઈ ડોબરીયા વિરુદ્ધ ભારતીય ન્યાય સંહિતાની કલમ 118(1), 115(2), 352 અને 54 હેઠળ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

ફરિયાદીએ જણાવ્યું હતું કે અગાઉ બનાવેલી ગટરના પાણીના નિકાલ બાબતે પાડોશીઓને વાંધો હોવાથી આ હુમલો કરવામાં આવ્યો હતો. હાલ એ.એસ.આઈ. મનેશભાઈ પાંચાભાઈ પરમાર આ કેસની આગળની તપાસ ચલાવી રહ્યા છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *