ખૂનના ગુનાનો આરોપી 35 વર્ષે ઝડપાયો

  નામમાં રહેલી સામાન્ય ભુલના કારણે પોલીસ પકડથી દૂર રહ્યો, કર્ણાટકમાં 3 ધક્કા ખાધા બાદ ગોવાથી પકડવામાં પોલીસને સફળતા રાજકોટની ભાગોળે આવેલ પારડી ગામે શીતળા…

 

નામમાં રહેલી સામાન્ય ભુલના કારણે પોલીસ પકડથી દૂર રહ્યો, કર્ણાટકમાં 3 ધક્કા ખાધા બાદ ગોવાથી પકડવામાં પોલીસને સફળતા

રાજકોટની ભાગોળે આવેલ પારડી ગામે શીતળા માતાના મંદિર નજીક 35 વર્ષ પૂર્વે 1990માં બનેલા હત્યાના બનાવમાં છેલ્લા 35 વર્ષથી વોન્ટેડ મૂળ કર્નાટકના શખ્સની રાજકોટ ગ્રામ્ય એલસીબીની ટીમે ગોવાથી ધરપકડ કરી. જીલ્લાના સૌથી વધુ સમયથી વોન્ટેડ શખ્સને પકડવામાં સફળતા મેળવી છે. મિત્રની પત્ની સાથે આડા સંબંધ ધરાવતા શખ્સની છરીના ઘા ઝીંકી હત્યાના બનાવમાં મુખ્ય આરોપીની જે-તે વખતે ધરપકડ થઇ ગયાં બાદ સહ આરોપી ફરાર થઇ ગયો હતો અને પરિવાર સાથે કર્નાટકમાં રહેવાની બદલે ગોવામાં એક મહિલા સાથે લગ્ન કરી ત્યાં જ રહેતો હતો.બનાવ વખતે આરોપીના નામમાં ભૂલ હોવાના કારણે તે 35 વર્ષથી પોલીસ પકડ થી દુર રહ્યો. અંતે રાજકોટ રૂૂરલ એલસીબી ટીમે તેને ઝડપી પાડ્યો છે.

રાજકોટ નજીક લોધિકા તાલુકાના પારડી ગામે તા.15/07/1990 ના રોજ હત્યાનો બનાવ બન્યો હતો. જેમાં પારડીના કાનજીભાઇ સામજીભાઇ ભુવાએ લોધીકા પોલીસ સ્ટેશનમાં હત્યાની જાણ કરી હતી.

તપાસ કરતા જાણવા મળ્યું કે, મૂળ તામિલનાડુના તીરનવેલી જીલ્લાના શીવન ગવઇના નૈનતુરઇ એકવ નાડરની હત્યા થઇ હતી. જે અંગે શાપર પી.એસ પ્લાયવુડ ફેકટરીમાં નોકરી કરતા પીરમલ પાય નાડરે પોલીસ ફરિયાદ નોંધવી હતી. જેમાં આરોપી તરીકે પીછૈયા ઉર્ફે વિજય સન્મુખવેલ નાડર અને તેના મિત્ર બસમ્મા ઉર્ફે સુરેશે હત્યા કર્યાનું ખુલ્યું હતું. મૃતક નૈનતુરઇને પીછૈયા ઉર્ફે વિજય સન્મુખવેલ નાડરની પત્ની સાથે આડા સબંધ હતા. જેના કારણે પીછૈયા ઉર્ફે વિજયની પત્ની તેની સાથે ઝઘડો કરતી હોય જેથી પીછૈયા ઉર્ફે વિજય તેની પત્નીને તેના વતનમાં મુકી આવેલ હતો અને આ બનાવ પછી પીછૈયા ઉર્ફે વિજય તથા તેનો મિત્ર બસમ્મા ઉર્ફે સુરેશ બન્ને ફરાર થઇ ગયા હતા. લોધિકા પોલીસે આરોપી પીછૈયા ઉર્ફે વિજય સન્મુખવેલ નાડરને તા.29/07/1990 ના રોજ ઝડપી લીધો હતો જયારે બસપ્પા ઉર્ફે સુરેશ ફરાર થઇ ગયો હતો.

છેલ્લા 35 વર્ષથી ફરાર આરોપી જેના ઉપર 10 હજારનું ઇનામ જાહેર કરવામાં આવ્યું હતું. તેને પકડવા રાજકોટ ગ્રામ્ય એલસીબીની ટીમે ત્રણ વખત કર્ણાટકના બેલગાવ જીલ્લાના શિરગુરમાં જઈ તપાસ કરી હતી અને બસમ્મા ઉર્ફે સુરેશ નામનો કોઈ વ્યક્તિ તેના ગામમાં રહેતો જ નહી હોવાનું જણાવ્યું હતું એલસીબીએ ઊંડાણમાં તપાસ કરતા તેના બનેવી અપ્પનગૌડા પલગૌડાની પુછપરછમાં હત્યાના બનાવ બાદ જે ફરિયાદ નોંધાઈ તેમાં આરોપીના નામમાં ભૂલ હોવાનું જાણવા મળ્યું હતું આરોપીનું નામ બસમ્મા ઉર્ફે સુરેશ નહી પરતું બસપ્પા ઉર્ફે સુરેશ ગીરમલા કાવલગુડ હોવાનું જાણવા મળ્યું હતું અને તે સાઉથ ગોવામાં રહેતો હોવાની હકીકત મળતા બસપ્પા ઉર્ફે સુરેશ ગીરમલા કાવલગુડને પકડવા રાજકોટ ગ્રામ્ય એલસીબીની ટીમે ગોવા પોલીસની મદદથી ઓપરેશન પાર પાડી બસપ્પા ઉર્ફે સુરેશ ગીરમલા કાવલગુડની ગોવાથી 35 વર્ષ બાદ ધરપકડ કરી હતી.

અશક્ય ને શક્ય બનાવનાર ગ્રામ્ય એલસીબીની ટીમની પોલીસ અધિકારીઓએ પીઠ થાબડી
35 વર્ષથી વોન્ટેડ અને જેના નામમાં ભૂલ હોવાના કારણે તેણે પકડવો અશક્ય બન્યું હોય તે એલસીબએ શક્ય બનાવ્યું હતું. રાજકોટ રેન્જના પોલીસ મહાનિરીક્ષક અશોકકુમાર યાદવ, રાજકોટ ગ્રામ્ય જિલ્લાના પોલીસ અધિક્ષક હિમકર સિંહની સુચનાથી ગ્રામ્ય જિલ્લા એલ.સી.બી.ના પી.આઈ વી. વી.ઓડેદરા સાથે પીએસઆઈ એચ.સી.ગોહિલ એ.એસ.આઇ. બાલકૃષ્ણ ત્રિવેદી, અમીતસિંહ જાડેજા, રવીદેવભાઇ બારડ, રોહિતભાઇ બકોત્રા, બ્રીજરાજસિંહ જાડેજા, વકારભાઇ આરબ,રસીકભાઇ જમોડ, ઘનશ્યામસિંહ જાડેજા, ધર્મેશભાઇ બાવળીયા,પ્રકાશભાઇ પરમાર, મેહુલભાઇ સોનરાજ, ભાવેશભાઇ મકવાણાએ કામગીરી કરી હતી.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *