ગુજરાતમાં મુન્નાભાઈનો રાફડો ફાટ્યો, ત્રણ વર્ષમાં 169 બોગસ ડોક્ટરો પકડાયા

ગુજરાતમાં લોકોના આરોગ્ય સાથે ચેડાં કરતા નકલી ડોક્ટરોનો મોટો પર્દાફાશ થયો છે. વિધાનસભામાં રજૂ કરાયેલા આંકડા મુજબ, છેલ્લા ત્રણ વર્ષમાં રાજ્યભરમાંથી 169 બોગસ તબીબો ઝડપાયા…

ગુજરાતમાં લોકોના આરોગ્ય સાથે ચેડાં કરતા નકલી ડોક્ટરોનો મોટો પર્દાફાશ થયો છે. વિધાનસભામાં રજૂ કરાયેલા આંકડા મુજબ, છેલ્લા ત્રણ વર્ષમાં રાજ્યભરમાંથી 169 બોગસ તબીબો ઝડપાયા છે. આરોગ્ય વિભાગની સઘન તપાસમાં 2724 શંકાસ્પદ ડોક્ટરોની ઊંડી તપાસ બાદ 154 સામે ફોજદારી ગુના નોંધવામાં આવ્યા છે, જે રાજ્યમાં તબીબી ક્ષેત્રની સુરક્ષા સામે મોટા સવાલો ઉભા કરે છે.

ગુજરાત વિધાનસભાના ચાલુ સત્ર દરમિયાન રાજ્યમાં લોકોના આરોગ્ય સાથે ચેડાં કરતા નકલી ડોક્ટરો અંગે ચોંકાવનારી વિગતો પ્રકાશમાં આવી છે. ધારાસભ્ય અમૃતજી ઠાકોરના પ્રશ્નનો લેખિત ઉત્તર આપતા સરકારે સ્વીકાર્યું છે કે વર્ષ 2021 થી 2023 ના સમયગાળામાં રાજ્યભરમાંથી કુલ 169 બોગસ તબીબો પકડાયા છે. આરોગ્ય વિભાગની સતત તપાસ અને કડક કાર્યવાહીના પરિણામે આ આંકડો બહાર આવ્યો છે, જે દર્શાવે છે કે છેવાડાના વિસ્તારોમાં હજુ પણ ડિગ્રી વગરના તબીબો પ્રેક્ટિસ કરી રહ્યા છે.

રાજ્યના આરોગ્ય વિભાગે છેલ્લા ત્રણ વર્ષમાં શંકાસ્પદ ક્લિનિક્સ અને હોસ્પિટલો પર બાજ નજર રાખી હતી. આ સમયગાળા દરમિયાન વિભાગે કુલ 2 હજાર 724 ડોક્ટરો સામે ઝીણવટભરી તપાસ હાથ ધરી હતી. તપાસના અંતે 154 જેટલા એવા શખ્સો મળી આવ્યા હતા આ તમામ શખ્સો વિરુદ્ધ કાયદેસરની પોલીસ ફરિયાદ નોંધવામાં આવી છે અને તેમના ક્લિનિક્સ સીલ કરવાની તજવીજ હાથ ધરાઈ છે.

સરકાર દ્વારા રજૂ કરવામાં આવેલા આંકડાકીય વિશ્ર્લેષણ મુજબ, વર્ષ 2021 માં 59 બોગસ ડોક્ટરો પકડાયા હતા. ત્યારબાદ વર્ષ 2022માં આ સંખ્યા 43 રહી હતી, જ્યારે વર્ષ 2023 માં સૌથી વધુ 67 નકલી ડોક્ટરો ઝડપાયા છે. આ આંકડા સ્પષ્ટ કરે છે કે દર વર્ષે બોગસ ડોક્ટરોનું નેટવર્ક વધી રહ્યું છે અથવા તો સરકારની તપાસમાં તેજી આવવાને કારણે વધુ કેસો પકડાઈ રહ્યા છે. રાજ્યના વિવિધ જિલ્લાઓમાં થયેલી કામગીરીમાં જામનગર જિલ્લો સૌથી વધુ બોગસ ડોક્ટરો સાથે મોખરે રહ્યો છે, જ્યાંથી 32 નકલી તબીબો પકડાયા છે. આ યાદીમાં બનાસકાંઠા 20 કેસો સાથે બીજા ક્રમે અને આણંદ 19 કેસો સાથે ત્રીજા ક્રમે છે. આ ઉપરાંત આદિવાસી વિસ્તાર ધરાવતા નર્મદા જિલ્લામાં પણ 18 બોગસ ડોક્ટરો સામે કાર્યવાહી કરવામાં આવી છે. રાજ્ય સરકાર આગામી સમયમાં મેડિકલ કાઉન્સિલ સાથે મળીને સઘન અભિયાન ચલાવવાની તૈયારી કરી રહી છે જેથી લોકોના સ્વાસ્થ્ય સાથે થતા આવા ખતરનાક ચેડાં અટકાવી શકાય.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *