ગોંડલમાં ઘર પાસેથી સ્પીડમાં સ્કૂટર ચલાવવા બાબતે નગરપાલિકાના કર્મચારી ઉપર હુમલો

ગોંડલ નગરપાલિકાના કર્મચારી ઉપરના ઘર પાસે મોટરસાયકલ સ્પીડમાં ચલાવવા જેવી બાબતે મનદુખ રાખી કાકા-ભત્રીજાએ લોખંડની સાંકળ વડે હુમલો કરી જાનથી મારી નાખવાની ધમકી આપ્યાનો બનાવ…

ગોંડલ નગરપાલિકાના કર્મચારી ઉપરના ઘર પાસે મોટરસાયકલ સ્પીડમાં ચલાવવા જેવી બાબતે મનદુખ રાખી કાકા-ભત્રીજાએ લોખંડની સાંકળ વડે હુમલો કરી જાનથી મારી નાખવાની ધમકી આપ્યાનો બનાવ સામે આવ્યો છે. આ અંગે ગોંડલ સીટી પોલીસ સ્ટેશનમાં બે કાકા-ભત્રીજા સામે ગુનો નોંધાયો છે.

પ્રાપ્ત વિગતો અનુસાર, ગોંડલના કપુરીયાપરા મિલ રોડ પર રહેતા અને ગોંડલ નગરપાલિકાના સેનિટેશન વિભાગમાં સુપરવાઇઝર તરીકે ફરજ બજાવતા ચિરાગભાઈ પ્રફુલભાઈ રાજ્યગુરુ (ઉં.વ. 36) નામના યુવકે ગોંડલ સીટી પોલીસ સ્ટેશનમાં. જાદરેશભાઈ સવાભાઈ બાંભવા અને રાજેશભાઈ ઘેલાભાઈ બાંભવા સામે ફરિયાદ નોંધાવી છે.

ફરિયાદમાં જણાવ્યા મુજબ, તારીખ 21 જુલાઈ 2026ના રોજ રાત્રિના આશરે પોણા નવેક વાગ્યાના અરસામાં ચિરાગભાઈ પોતાના ઘરેથી સરકારી હોસ્પિટલ સામે આવેલી પોતાની ’શીવ પાન’ નામની દુકાન બંધ કરવા (વધાવવા) માટે નીકળ્યા હતા. તે દરમિયાન તેમના મોટરસાયકલમાં પેટ્રોલ ખૂટી જતાં બાઇક ઝડપથી ચલાવીને નજીકના પેટ્રોલ પંપે પેટ્રોલ પુરાવવા ગયા હતા. દરમિયાન, તેમની શેરીમાં જ રહેતા જાદરેશભાઈ સવાભાઈ બાંભવાએ ચિરાગભાઈને ફોન કરીને “મારા ઘર પાસેથી ગાડી કેમ સ્પીડમાં ચલાવીને નીકળ્યો?” તેમ કહી ગાળો આપી હતી. ચિરાગભાઈએ પેટ્રોલ ખૂટી ગયું હોવાનું કારણ આપી ગાળો આપવાની ના પાડતા, સામે પક્ષે ઉશ્કેરાઈને જોઈ લેવાની ધમકી આપી હતી.

ત્યારબાદ રાત્રિના આશરે નવેક વાગ્યાના સુમારે જાદરેશભાઈ બાંભવા તથા તેમનો ભત્રીજો રાજેશભાઈ ઘેલાભાઈ બાંભવા મોટરસાયકલ પર ચિરાગભાઈની શીવ પાન નામની દુકાને ધસી આવ્યા હતા. ત્યાં આવીને બોલાચાલી કરી ભૂંડી ગાળો આપવા લાગ્યા હતા. ઉશ્કેરાયેલા રાજેશ બાંભવાએ પોતાના બાઇકમાં રહેલી દૂધના કેન ટીંગાડવાની લોખંડની સાંકળ વડે ચિરાગભાઈને શરીરે આડેધડ માર માર્યો હતો, જ્યારે જાદરેશ બાંભવાએ ઢીકાપાટુનો મુઢમાર માર્યો હતો.

બનાવ સમયે હાજર ચિરાગભાઈના પિતા પ્રફુલભાઈ વચ્ચે પડતાં તેમણે પુત્રને વધુ મારથી છોડાવ્યો હતો. હુમલો કર્યા બાદ આરોપીઓ “હવે પછી અમારા ઘર આગળથી નીકળ્યો છે તો તને જાનથી મારી નાખીશું” તેવી ધમકી આપી ભાગી છૂટ્યા હતા.

ઈજા પામેલા ચિરાગભાઈને સારવાર અર્થે ગોંડલની સરકારી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. બનાવ અંગે ગોંડલ સીટી પોલીસે જાદરેશભાઈ સવાભાઈ બાંભવા અને રાજેશભાઈ ઘેલાભાઈ બાંભવા વિરુદ્ધ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *