મ્યુ.કોર્પોરેશનનું કાલે બજેટ, કરબોજ હટાવી વેરામાફી આપી શકે સ્ટેન્ડિંગ કમિટી

સુધારા-વધારા બાદ ફાઇનલ બજેટ તૈયાર, ચૂંટણીલક્ષી જાહેરાતો થવાની પણ શકયતા મહાનગરપાલિકાનું વર્ષ 2026-27નું ડ્રાફટ બજેટ ગત 4 ફેબ્રુઆરીના રોજ સ્ટેન્ડિંગમાં રજૂ કરવામાં આવ્યુ હતુ. સ્ટેન્ડિંગ…

સુધારા-વધારા બાદ ફાઇનલ બજેટ તૈયાર, ચૂંટણીલક્ષી જાહેરાતો થવાની પણ શકયતા

મહાનગરપાલિકાનું વર્ષ 2026-27નું ડ્રાફટ બજેટ ગત 4 ફેબ્રુઆરીના રોજ સ્ટેન્ડિંગમાં રજૂ કરવામાં આવ્યુ હતુ. સ્ટેન્ડિંગ કમિટિ દ્વારા સતત પાંચ દિવસ બજેટનો અભ્યાસ કર્યા બાદ સુધારા-વધારા સાથે ફાઇનલ બજેટ તૈયાર કરવામાં આવ્યુ છે. જેમાં વધારોનો કરબોજ હટાવી નવી યોજનાઓના સમાવેશ સાથે આવતીકાલે જાહેર કરવામાં આવશે.

મહાનગરપાકિલાનુ નવુ ફાઇનલ બજેટ આવતીકાલે સ્ટેન્ડિંગમાં જાહેર કરવામાં આવશે. કોર્પોરેશનની હાલની આર્થિક હાલત જોતા વર્ષો બાદ મિલકત વેરામાં વ્યાજ માફીની શકયતા જોવાઇ રહી છે. તેવી જ રીતે વ્યવસ્યા વેરામાં પણ રાહત જાહેર થાય તેવુ લાગી રહ્યુ છે. શહેરીજનોને વધારાનો લાભ આપી આવનારી ચૂંટણી જીતવાનો શાસકપક્ષનો માસ્ટટ્રોક પણ હોઇ શકે છે. છતા કાલે સવારે 10 વાગ્યે બજેટ રજૂ થયા બાદ કરબોજ તેમજ વધારાની યોજનાઓ અંગેની જાણકારી પ્રાપ્ત થશે. આવતીકાલના ફાઇનલ બજેટમાં કમિશનરે રજૂ કરેલ 3595 કરોડના બજેટમાં કદમાં વધારો થવાની સંભાવના પણ જોવાઇ રહી છે. તેમજ 2018માં લાગુ થયેલ મિલકત વેરા વ્યાજમાફી યોજના સ્લેબ વાઇઝ અમલમાં મુકવામાં આવે તેવુ પણ લાગી રહ્યુ છે.

રાજકોટ મ્યુનિસિપલ કમિશનર તુષાર સુમેરાએ ગત 4 ફેબ્રુઆરીના રોજ સ્ટેન્ડિંગ કમિટી સમક્ષ નાણાકીય વર્ષ 2026-27નું ડ્રાફ્ટ બજેટ રજૂ કર્યા બાદ, હવે સમગ્ર શહેરની નજર આગામી મંગળવાર પર ટકેલી છે. સ્ટેન્ડિંગ કમિટી દ્વારા બજેટનો તલસ્પર્શી અભ્યાસ પૂર્ણ કરી લેવામાં આવ્યો છે અને 10 ફ્રેબુઆરી, મંગળવારે ફાઇનલ બજેટ જાહેર કરવામાં આવશે. ખાસ કરીને આગામી મે માસમાં મહાનગર પાલિકાની સામાન્ય ચૂંટણીઓ યોજાવાની શક્યતા છે, ત્યારે વર્તમાન શાસકો મતદારોને રીઝવવા માટે બજેટમાં મોટી રાહતોની જાહેરાત કરી શકે છે.

મહાપાલિકાની કથળતી જતી આર્થિક સ્થિતિ અને લાંબા સમયથી બાકી રહેલા મિલકત વેરાની વસૂલાત માટે આ વખતે વ્યાજ માફીની યોજના (એમ્નેસ્ટી સ્કીમ) લાવવા માટેની હિલચાલ તેજ બની છે. છેલ્લા બે વર્ષથી અમલમાં રહેલી વન ટાઈમ ઇન્સ્ટોલમેન્ટ સ્કીમને ધાર્યો પ્રતિસાદ ન મળતા હવે શાસકો વ્યાજ માફીનું હથિયાર અજમાવી તિજોરી ભરવા પ્રયાસ કરે તેવી શક્યતા છે. ઉપરાંત મ્યુ. કમિશ્નરે લાદેલો વધારાનો કરબોજ હટાવી લોકઉપયોગી નવી યોજનાઓનો પણ બજેટમાં સમાવેશ કરવામાં આવે તેવી શક્યતા છે.

રાજકોટ મહાનગરપાલિકાની વર્તમાન આર્થિક સ્થિતિ અત્યંત નાજુક તબક્કામાંથી પસાર થઈ રહી છે. મ્યુનિસિપલ કોર્પોરેશનનો વહીવટ ચલાવવા અને કર્મચારીઓના પગાર ચૂકવવા માટે પણ ટેક્સની આવક પૂરતી ન હોવાનું સામે આવ્યું છે. હાલની સ્થિતિ એવી છે કે વિકાસકાર્યો અને વહીવટી ખર્ચને પહોંચી વળવા માટે મહાપાલિકાએ રૂૂ. 200 કરોડની લોન લેવી પડે તેવી નોબત આવી છે. ટેક્સ વિભાગ દ્વારા અગાઉ જે વન ટાઈમ ઇન્સ્ટોલમેન્ટ સ્કીમ અમલમાં મૂકવામાં આવી હતી, તેમાં આસામીઓએ ખાસ રસ દાખવ્યો નથી.

આ સંજોગોમાં, જો વ્યાજ માફી જાહેર કરવામાં આવે તો મોટા પ્રમાણમાં જૂનો વેરો જમા થઈ શકે તેમ છે. અગાઉ 2018માં જ્યારે નોટબંધીના સમયે વ્યાજ માફીની સ્કીમ લાવવામાં આવી હતી, ત્યારે કોર્પોરેશનની તિજોરી છલકાઈ ગઈ હતી. આ ઈતિહાસને દોહરાવીને આર્થિક સ્થિતિ સધ્ધર કરવા અને ચૂંટણીમાં રાજકીય ફાયદો મેળવવા માટે શાસકો મક્કમ દેખાઈ રહ્યા છે.

સ્ટેન્ડિંગ કમિટીનાં સુત્રોમાંથી જાણવા મળ્યા અનુસાર આ વખતે વ્યાજ માફી માત્ર ફ્લેટ રેટ પર નહીં પરંતુ અલગ-અલગ સ્લેબ મુજબ આપવાનું આયોજન છે. જેમાં નાના કરદાતાઓને વધુ ફાયદો થાય તેવું માળખું તૈયાર કરવામાં આવ્યું છે. સંભવિત જાહેરાત મુજબ, જેમનો રૂૂ. 25000 સુધીનો વેરો બાકી છે તેમને 100 ટકા વ્યાજ માફી આપવામાં આવી શકે છે. જ્યારે રૂૂ.5000 થી રૂૂ.50000 સુધીના બાકીદારોને 50 ટકા, રૂૂ.50,000 થી રૂૂ.1 લાખ સુધીના બાકીદારોને 25 ટકા અને રૂૂ.1 લાખથી વધુની બાકી રકમ પર 15 ટકા સુધીની વ્યાજ માફી મળવાની શક્યતા છે. જે નવા નાણાકિય વર્ષ દરમિયાન લાગુ કરવામાં આવે તેવુ લાગી રહ્યુ છે.

વ્યવસાય વેરામાં રાહતની સંભાવના
સ્ટેન્ડિંગ કમિટિની બેઠકમાં બજેટનો અભ્યાસ કર્યા બાદ કમિશનર દ્વારા સુચવવામાં આવેલ કરબોજ રદ થવાની સંભાવના જોવાઇ રહી છે. ત્યારે મિલકત વેરાના હાલના માળખામાં પણ રાહત આપવા માટે નવુ પેકેજ તૈયાર થાય તેવુ લાગી રહ્યુ છે. છતા વ્યવસાય વેરો રાજ્ય સરકાર હસ્ત હોવાથી વેપારીઓ અને ઉદ્યોગોને રાહત મળશે કે કેમ તે બજેટ રજૂ થયા બાદ માલુમ પડશે. બજેટમાં નવી લોકઉપયોગી યોજનાઓ, ગ્રીન સિટી પ્રોજેક્ટ્સ અને ઈન્ફ્રાસ્ટ્રક્ચર માટેના મોટા પ્રોજેક્ટ્સની જાહેરાત કરવામાં આવે જે સંપૂર્ણ પણે કેન્દ્ર અને રાજ્ય સરકારની ગ્રાન્ટ આધારીત હોય તેવી યોજનાઓ ઉપર વિશેષ ભાર મુકવામાં આવશે. અને સાથોસાથ મહેસુલી અને મુડી ખર્ચ ઘટાડી આવકમાં વધારો થાય તે પ્રકારની યોજનાઓ સામેલ થવાની શકયતા જોવાઇ રહી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *