સુરતમાં લગ્ન સંપન્ન થતાં જ મરણનો માતમ, નવવધૂનું ટાઈફોઈડથી મોત

લગ્નવિધિ પૂર્ણ થયા બાદ યુવતીની તબિયત લથડી, બેભાન થઈ જતા હોસ્પિટલે ખસેડી ત્યાં દમ તોડી દીધો કહેવાય છે કે વિધાતાના લેખ અકળ હોય છે, અને…

લગ્નવિધિ પૂર્ણ થયા બાદ યુવતીની તબિયત લથડી, બેભાન થઈ જતા હોસ્પિટલે ખસેડી ત્યાં દમ તોડી દીધો

કહેવાય છે કે વિધાતાના લેખ અકળ હોય છે, અને સુરતના ઓલપાડ તાલુકાના ગોથાણ ગામે બનેલી એક ઘટનાએ આ વાતને કરૂૂણ રીતે સાબિત કરી છે. કેનેડાથી પરત ફરેલા યુવક સાથે ધામધૂમથી લગ્ન કર્યાના ગણતરીના કલાકોમાં જ 25 વર્ષીય નવવધૂ વેદી પટેલનું ટાઈફોડના કારણે નિધન થતાં બે પરિવારોમાં લગ્નનો આનંદ ક્ષણવારમાં શોકમાં ફેરવાઈ ગયો છે.

ગોથાણ ગામના ખાડી ફળિયામાં રહેતા નૈતિકભાઈ પટેલ, જેઓ કેનેડાની ખાનગી કંપનીમાં નોકરી કરે છે, તેમના લગ્ન વેદી નામની યુવતી સાથે નક્કી થયા હતા. ગતરોજ પરિવારજનો અને સ્નેહીજનોની હાજરીમાં લગ્નવિધિ સંપન્ન થઈ હતી. લગ્ન મંડપમાં હજુ તો મંગલાષ્ટક ગુંજતા હતા અને નવદંપતી નવા જીવનના સપના જોઈ રહ્યા હતા, ત્યાં જ રાત્રિના સમયે કુદરતે કરૂૂણ વળાંક લીધો.

પરિવારના જણાવ્યા અનુસાર, વેદીને છેલ્લા એક સપ્તાહથી સખત તાવ આવતો હતો. મેડિકલ રિપોર્ટમાં તેને ટાઈફોડ હોવાનું નિદાન થયું હતું અને ખાનગી હોસ્પિટલમાં સારવાર પણ ચાલી રહી હતી. બીમારી હોવા છતાં, લગ્નનો નિર્ધારિત પ્રસંગ હોવાથી વેદીએ હિંમત હાર્યા વગર તમામ વિધિઓ પૂર્ણ કરી હતી. લગ્ન પૂર્ણ થયા બાદ રાત્રે અચાનક તેની તબિયત લથડી અને તે બેભાન થઈ ગઈ હતી.

ગંભીર હાલતમાં વેદીને તાત્કાલિક નજીકની ખાનગી હોસ્પિટલમાં ખસેડવામાં આવી હતી. જોકે, હોસ્પિટલ પહોંચતા જ ફરજ પરના તબીબોએ તપાસ બાદ તેને મૃત જાહેર કરી હતી. જે હાથમાં હજુ મહેંદીનો રંગ પણ તાજો હતો, તે જ હાથે દુનિયાને અલવિદા કહી દેતા બંને પરિવાર પર આભ તૂટી પડ્યું છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *