પનીર ભૂરજી, ખીર, રોટલી-ચાવલના ભોજન બાદ મોડીરાત્રે તબીયત લથડી, 350 સ્ટુડન્ટે ભોજન લીધું હતું
વડોદરાની ખજ યુનિ.ની ગર્લ્સ હોસ્ટેલમાં 100થી વધુ વિદ્યાર્થિનીઓને ફૂડ પોઇઝનિંગની અસર થઈ છે. 350 સ્ટુડન્ટને ભોજન લીધા બાદ મોડી રાત્રે પેટમાં દુખાવો શરૂૂ થયો હતો. ત્યારબાદ 95 સ્ટુડન્ટને સયાજી હોસ્પિટલમાં દાખલ કરાયા હતા. જ્યાં તેમની સ્થિતિ સ્ટેબલ છે. યુનિવર્સિટીના એસ.ડી હોલમાં મોટા ભાગની વિદ્યાર્થિનીઓને ઝાડાં-ઉલટી થતી હતી.
તબિયત લથડતા તમામને તાત્કાલિક સયાજી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. 95 વિદ્યાર્થિનીઓને સયાજી હોસ્પિટલના વિવિધ વોર્ડમાં દાખલ કરવામાં આવી છે. ઉલ્લેખનીય છે કે ખીર, પનીર અને દાળ-ભાત જમ્યા બાદ 350 વિદ્યાર્થીઓને મોડી રાત્રે પેટમાં દુખાવો શરૂૂ થયો હતો.
આ અંગે કેરળની વિદ્યાર્થિનીએ જણાવ્યું હતું કે, મેં રાત્રે હોસ્ટેલમાં ભોજન લીધું હતું. જેમાં પનીર ભુરજી, ખીર, રોટલી અને ચાવલ ખાધા હતા. રાત્રે એક વાગ્યા પછી તબિયત લથડી હતી અને પેટમાં ખૂબ જ દુ:ખતું હતું. હું હંસા મહેતા ગર્લ્સ હોસ્ટેલમાં રહું છું.
ખજ યુનિવર્સિટીના ફાઇનલ વર્ષમાં અભ્યાસ કરતી દિલ્હીની વિદ્યાર્થિનીએ જણાવ્યું હતું કે, ગઈકાલે જ મેસ ખુલ્યું હતું અને બધાએ ત્યાં ભોજન લીધું હતું, જે કોઈ લોકોએ ત્યાં ભોજન લીધું હતું તે તમામને ફૂડ પોઇઝનિંગની અસર થઈ છે. જમવામાં પનીર ભુરજી, દાળ-ભાત ,રોટલી હતી. જેમાં રોટલીની ક્વોલિટી ખૂબ જ ખરાબ હતી. શાકમાં મને કઈ લાગ્યું નહોતું અને મેં ખીર ખાધી નથી પરંતુ મને રોટલીમાં ખૂબ જ ગડબડ લાગતી હતી. રાત્રે એક વાગ્યા બાદ પેટમાં ખૂબ જ દુખાવો થયો હતો અને ઝાડા થઈ ગયા હતા સાથે જ વોમિટિંગ થઈ રહી હતી. આ સાથે જ વોર્ડનને જાણ કરતા અમને હોસ્પિટલમાં લાવવામાં આવ્યા હતા.
આ અંગે સયાજી હોસ્પિટલના આરએમઓ ડો. હિતેન્દ્ર ચૌહાણે જણાવ્યું હતું કે, રાત્રે ખજ યુનિવર્સિટીની ગર્લ્સ હોસ્ટેલમાં ભોજન લીધા બાદ સયાજી હોસ્પિટલમાં ઊલટીની કમ્પ્લેન સાથે 89 જેટલી વિદ્યાર્થીનીઓને અહીં લાવવામાં આવી હતી. તમામને હાલમાં દાખલ કરવામાં આવી છે અને સારવાર આપવામાં આવી રહી છે અને તમામની સ્થિતિ સારી છે. તેઓએ ખીર અને પનીરની સબ્જી ખાધી હોવાની વાત કરી રહ્યા છે. હાલમાં સયાજી હોસ્પિટલના વિવિધ પાંચ વોર્ડની અંદર તમામ વિદ્યાર્થીનીઓને દાખલ કરવામાં આવી છે.
તપાસ બાદ કાર્યવાહી કરીશું: ઇન્ચાર્જ વાઇસ ચાન્સેલર
આ અંગે MS યુનિવર્સિટીના ઇન્ચાર્જ વાઇસ ચાન્સેલર પ્રોફેસર ધનેશ પટેલે જણાવ્યું હતું કે, ગઈકાલે રાત્રે યુનિવર્સિટીના એસ.ડી હોલમાં જમ્યા બાદ આ ઘટના બની છે. ચાર હોલની દીકરીઓ મેસમાં જમી હતી. ત્યારબાદ 300થી વધુ વિદ્યાર્થીનીઓમાંથી 70થી 80 જેટલી વિદ્યાર્થિનીઓની તબિયત લથડતા સયાજી હોસ્પિટલમાં લાવવામાં આવી હતી. ગઈકાલે પહેલો દિવસ હતો. 15થી 20 વિદ્યાર્થિનીઓને ડિસ્ચાર્જ કરવામાં આવી છે. તમામની સ્થિતિ હાલ સારી છે. તેઓએ રાત્રે પનીરની સબ્જી અને દાળ-ભાત પાપડને બધું ખાધું હતું. આ બાબતે મેસમાં શું સ્થિતિ છે તે ચકાસી અને કાર્યવાહી કરીશું.
