50 હજારથી 10 કરોડ આપ્યાનું લિસ્ટ, મોટા માથાઓ હજુ લાજ કાઢીને બેઠા છે, 80 ટકા વ્યવહાર રોકડમાં
શહેરના બિલ્ડરો અને ઉદ્યોગકારોના નાણા વ્યાજે ફેરવતા મોટા ફાઈનાન્સરો ઉઠી ગયાના અહેવાલો વચ્ચે ફાઈનાન્સર અમિત ભાણવડીયા અને વિજય માકડીયા સામે વડાલીયા ફૂડસ પરિવાર સાથે રૂૂા.10.98 કરોડની છેતરપીંડી આચર્યાની ક્રાઈમ બ્રાંચમાં ફરિયાદ નોંધાયા બાદ ક્રાઈમ બ્રાન્ચે ફાઈનાન્સર અમિત ભાણવડીયાની ધરપકડ કરી હતી.તેના પાંચ દિવસના રિમાન્ડ મેળવી વધુ તપાસ શરુ કરી છે. ત્યારે અમિત ભાણવડીયા અને વિજય માકડીયાની છેતરપીંડીનો ભોગ બનેલા 100 થી વધુ રોકાણકારો ક્રાઈમ બ્રાંચના શરણે આવ્યા છે અને ક્રાઈમ બ્રાન્ચે પુરાવા એકત્ર કરી આગામી દિવસોમાં તમામને સાહેદ તરીકે જોડે તેવી શક્યતા છે. બીજી તરફ રાજકોટના 100 થી વધુ રોકાણકારોમાં 50 હજારથી લઇ 10 કરોડ જેટલી રકમ ગુમાવનારનું લાંબુ લીસ્ટ છે.આ મામલે પોલીસે ઊંડાણ પૂર્વક પતાસ કરશે તો મોટા માથાના નામ ખુલે તેવી પણ શક્યતા છે.
તો બીજી તરફ ચીટર અમિત ભાણવડિયા અને વિજય માકડીયા સામે ગુનો નોંધાયા બાદ ભોગ બનનાર 100 થી પણ વધુ રોકાણકારો ક્રાઈમ બ્રાંચ ખાતે ફરિયાદ કરવા દોડી ગયા હતા અને ભોગ બનનાર તમામ પાસેથી પુરાવા એકત્ર કરી લેખિત અરજીઓ લેવામાં આવી છે. પોલીસ કમિશ્નર બ્રજેશકુમાર ઝા, અધિક પોલીસ કમિશ્નર મહેન્દ્ર બગરીયા, ડિસીપી ક્રાઇમ જગદીશ બાંગરવા, એસીપી ક્રાઇમ ભરત બસીયાનાની સુચનાથી ક્રાઈમ બ્રાંચના પીઆઈ એમ.આર.ગોંડલીયા, એમ.એલ.ડામોર અને સી.એચ.જાદવના માર્ગદર્શન હેઠળ ટીમ તપાસ ચલાવી રહી છે. ક્રાઈમ બ્રાંચ અમીત રમેશ ભાણવડીયાને ઝડપી પાંચ દિવસના રિમાન્ડ મેળવ્યા હતા જ્યારે વિજય હરીભાઈ માકડીયાની શોધખોળ આદરી હતી.
આ મામલે હજુપણ વધુ અરજી આવી શકે છે. સ્ટોન ક્રશરમાં રોકાણના નામે રાજકોટના અનેક મોટામાથાઓ ને શીશામાં ઉતારનાર અમીતના કાળા કરતુત પાછળ મોટા માથા હોવાનું ચર્ચાઈ રહ્યું છે . ક્રશર પેઢીમાં રોકાણ કરવાનું જણાવી દર્શન મીનરલ પેઢી જયેશ સ્ટોન ક્રશર પેઢી, દર્શિત સ્ટોન ક્રશર પેઢી નામે ભાગીદારીમાં કપચીનો વેપાર ધંધો કરીએ છીએ તેમાં તમે પૈસાનું રોકાણ કરો તો તમને વાર્ષિક 12 ટકાના વળતર સાથે તમે રોકાણ કરેલ મુડી સમયમર્યાદામાં પરત કરશું. તેમ જે પૈસાનું રોકાણ કરશો તે અમે અમારી ત્રણેય ક્રશર પેઢીમાં રોકાણ કરશું તેમ જણાવેલ હતું. અમિત ભાણવડીયાના વાતમાં આવીને અનેક રોકાણકારોએ 50 હજારથી લઈને 10 કરોડનું રોકાણ કર્યુ હોય જેમાં અમુક નેતાઓ પણ પડદા પાછળના કસબી હોવાનું ચર્ચાઈ રહ્યું છે. આ છેતરપીંડીમાં 80 ટકા વ્યવહારો રોકાડમાં થયા હોય ત્યારે હવે પોલીસ કઈ રીતે પુરાવા ભેગા કરે છે તે જોવાનું રહ્યું તેમજ અમિત પાછળ કોઈ મોટામાથાની સંડોવણી હોવાની ચર્ચાને પગલે જો પુરાવા મળશે તો તેની પણ ધરપકડ કરાશે તેમ પોલીસ અધિકારીઓ જણાવી રહ્યાં છે.
રોકાણકારોને રાતા પાણીએ રડાવનાર અમિતે ઓડીશામાં આશરો મેળવ્યો હતો
રાજકોટનાં અનેક ઉદ્યોગકારો તેમજ નાના મોટા વેપારીઓને સ્ટોન ક્રશરમાં 12 ટકાના વળતરની લાલચ આપી કરોડો રૂપિયાની છેતરપીંડી કરનાર અમિત ભાણવડીયા સામે ગુનો નોંધાયા બાદ તેની ક્રાઈમ બ્રાંચે ધરપકડ કરી પાંચ દિવસના રિમાન્ડ ઉપર તેની પુછપરછ શરૂ કરી છે. આ મામલે ક્રાઈમ બાંચની તપાસમાં અમિત ભાણવડીયાએ ચોંકાવનારા ખુલાસાઓ કર્યા છે. રાજકોટમાં 100 થી વધુ રોકાણકારોને રાતા પાણીએ રડાવનાર અમિત ભાણવડીયા રાજકોટમાંથી ફરાર થયા બાદ તે અલગ અલગ સ્થળોએ આશરો મેળવતો રહ્યો હતો. મોટા ભાગનાં સમયમાં તેણે ઓડીશામાં આસરો મેળવ્યો હોવાનું જાણવા મળી રહ્યું છે ત્યારે અમિતને આશરો મેળવવામાં કોણે કોણે મદદકારી કરી ? તે મામલે પણ ક્રાઈમ બ્રાંચે તપાસ કરી મદદગારી કરનાર સામે પણ કાયદાનો ગાળ્યો કસવા તજવીજ હાથ ધરી છે.
