48 કલાકમાં 5 ગલ્ફ દેશો સાથે વાત કરતા મોદી

ઇરાન-ઇઝરાયેલ-અમેરિકા યુદ્ધમાં 1 કરોડ ભારતીયોની સુરક્ષા અંગે ભારતની ડિપ્લોમેટિક પહેલ ઈરાન, અમેરિકા અને ઈઝરાયલ વચ્ચે ચાલી રહેલા તીવ્ર યુદ્ધ અને મધ્ય પૂર્વમાં વધતા તણાવ વચ્ચે…

ઇરાન-ઇઝરાયેલ-અમેરિકા યુદ્ધમાં 1 કરોડ ભારતીયોની સુરક્ષા અંગે ભારતની ડિપ્લોમેટિક પહેલ

ઈરાન, અમેરિકા અને ઈઝરાયલ વચ્ચે ચાલી રહેલા તીવ્ર યુદ્ધ અને મધ્ય પૂર્વમાં વધતા તણાવ વચ્ચે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ છેલ્લા 48 કલાકમાં પાંચ મુખ્ય રાષ્ટ્રાધ્યક્ષો અને નેતાઓ સાથે ટેલિફોનિક વાતચીત કરી છે. આ વાતચીતમાં મુખ્યત્વે પ્રાદેશિક સ્થિતિ, હુમલાઓની નિંદા, નાગરિકોની સુરક્ષા અને ભારતીય સમુદાયની સુરક્ષા પર ચર્ચા થઈ છે. પીએમ મોદીએ આ તમામ નેતાઓને મુશ્કેલ સમયમાં ભારતીયોની સંભાળ રાખવા બદલ આભાર વ્યક્ત કર્યો છે અને વહેલી તકે શાંતિ પુન:સ્થાપિત કરવાની અપીલ કરી છે.

સૌથી પહેલા પીએમ મોદીએ ઈઝરાયલના વડાપ્રધાન બેન્જામિન નેતન્યાહુ સાથે વાત કરી. આ વાતચીતમાં વર્તમાન પ્રાદેશિક સ્થિતિ પર ચિંતા વ્યક્ત કરી અને નાગરિકોની સુરક્ષાને અગ્રતા આપવાની વાત કરી. ભારતે હુમલાઓના વહેલા અંત અને શાંતિની જરૂૂરિયાત પર ભાર મૂક્યો છે.

ત્યારબાદ યુએઈના રાષ્ટ્રપતિ શેખ મોહમ્મદ બિન ઝાયદ અલ નાહયાન સાથે ચર્ચા કરી, જેમાં યુએઈ પર થયેલા હુમલાઓની કડક નિંદા કરી અને મૃતકોના પરિવારો પ્રત્યે શોક વ્યક્ત કર્યો. ભારત યુએઈ સાથે એકતા દર્શાવે છે અને ડી-એસ્કેલેશન તથા પ્રાદેશિક શાંતિ માટે પ્રયાસરત છે.

આ ઉપરાંત બહેરીનના કિંગ હમાદ બિન અલ ખલીફા સાથે વાત કરી, જ્યાં બહેરીન પર થયેલા હુમલાઓની નિંદા કરી અને ભારતીય સમુદાયની સુરક્ષા અને કલ્યાણ પર ચર્ચા થઈ. કિંગને ભારતીયોની સંભાળ રાખવા બદલ આભાર માન્યો.

સાઉદી અરેબિયાના ક્રાઉન પ્રિન્સ અને પ્રધાનમંત્રી મોહમ્મદ બિન સલમાન સાથે પણ ફોન પર વાતચીત થઈ, જેમાં સાઉદી અરેબિયા પર થયેલા હુમલાઓની નિંદા કરી અને પ્રાદેશિક શાંતિ તથા સ્થિરતાની જરૂૂરિયાત પર ભાર મૂક્યો. ભારતીય સમુદાયની સુરક્ષા માટે સાથ મળવાની વાત કરી.

છેલ્લે જોર્ડનના કિંગ અબ્દુલ્લા બિન અલ-હુસૈન સાથે વાત કરી, જ્યાં પ્રાદેશિક સ્થિતિ પર ચિંતા વ્યક્ત કરી અને જોર્ડનના લોકોની શાંતિ, સુરક્ષા તથા કલ્યાણ માટે ભારતના સમર્થનની ખાતરી આપી. કિંગને ભારતીય સમુદાયની સંભાળ બદલ આભાર વ્યક્ત કર્યો.

આ તમામ વાતચીતોમાં પીએમ મોદીએ ભારતની સ્થિતિ સ્પષ્ટ કરી છે કે તમામ વિવાદોનું નિરાકરણ સંવાદ અને ડિપ્લોમસી દ્વારા થવું જોઈએ. ભારત મધ્ય પૂર્વમાં રહેતા લાખો ભારતીયોની સુરક્ષા માટે સતત સંપર્કમાં છે અને પ્રાદેશિક શાંતિ માટે પ્રયાસરત છે. આ ડિપ્લોમેટિક પહેલથી ભારતની સંતુલિત વિદેશ નીતિ અને વૈશ્વિક શાંતિ પ્રત્યેની પ્રતિબદ્ધતા દેખાઈ છે.

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *